નવી દિલ્હીઃ 'જ્ઞાન બિંદુ એકેડેમી'ના ડાયરેક્ટર રોશન આનંદના ભાઈ પ્રિન્સ યાદવનું નેપાળમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. તેમનો મૃતદેહ નેપાળના વિરાટનગરમાં આવેલી એક હોટેલમાંથી મળી આવ્યો છે. આ ઘટના બાદ નેપાળ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને પાંચ લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી મુજબ, પ્રિન્સ યાદવ જ્ઞાન બિંદુ એકેડેમીના સંચાલન અને વહીવટી (એડમિનિસ્ટ્રેટિવ) કાર્યો સંભાળતા હતા.
તાજેતરમાં જ ફેઝલ ખાન (ખાન સર)ની કોચિંગ ઇન્સ્ટિટ્યુટ 'ખાન ગ્લોબલ સ્ટડીઝ' સાથે થયેલા વિવાદ બાદ રોશન આનંદ અને પ્રિન્સ યાદવ વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. આ મામલે કાર્યવાહી કરીને પોલીસે રોશન આનંદની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ, પ્રિન્સ યાદવ ધરપકડના ડરથી નેપાળ જતા રહ્યા હતા. આ ઘટનાના થોડા દિવસો બાદ તેમનો મૃતદેહ વિરાટનગરની એક હોટેલમાંથી શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો.
નેપાળ પોલીસના અધિકારીઓએ મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ બહાર આવ્યું નથી. પોલીસ તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને આ મામલાની તપાસ કરી રહી છે. હોટેલમાં થયેલા આ શંકાસ્પદ મોત બાદ નેપાળ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી છે. પ્રિન્સ યાદવનું મોત કયા સંજોગોમાં થયું તે જાણી શકાય તે માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
રોશન આનંદ મૂળ બિહારના સહરસા જિલ્લાના રહેવાસી છે. શિક્ષણ ક્ષેત્રે સક્રિય 'જ્ઞાન બિંદુ એકેડમી'નું સંચાલન તેઓ કરે છે, જ્યારે પ્રિન્સ યાદવ આ સંસ્થાના રોજિંદા કામકાજ અને મેનેજમેન્ટની જવાબદારી સંભાળતા હતા. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ પ્રિન્સ યાદવના મોતના સાચા કારણની ખબર પડી શકશે. રોશન આનંદના સહરસા સ્થિત વતન ધમસૈના ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રિન્સના મોતના સમાચાર મળતાં જ તેમના ઘરે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.