નવી દિલ્હીઃ બ્રિટને રશિયાની 'શેડો ફ્લીટ' (ગુપ્ત જહાજોના કાફલા) વિરુદ્ધ મોટું સૈન્ય અને સુરક્ષા અભિયાન ચલાવીને એક પ્રતિબંધિત તેલ ટેન્કરને ઇંગ્લિશ ચેનલમાં રોકી લીધું છે. બ્રિટનના વડાપ્રધાન કીઅર સ્ટારમરે રવિવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાર્યવાહી રશિયાના યુદ્ધ તંત્રને આર્થિક ફટકો આપવાની દિશામાં ખૂબ મહત્વની છે.
બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે વહેલી સવારે શરૂ થયેલા આશરે છ કલાક લાંબા ઓપરેશનમાં બ્રિટિશ સશસ્ત્ર દળો, રોયલ મરીન કમાન્ડો અને નેશનલ ક્રાઈમ એજન્સીના વિશેષ અધિકારીઓએ તેલ ટેન્કર 'સ્મિર્તોસ' (Smyrtos) પર ચઢીને તેને પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. આ અભિયાનમાં બ્રિટિશ વાયુસેના (RAF) એ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ટેન્કરને હાલમાં ઇંગ્લેન્ડના દક્ષિણ કિનારા પાસે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે, જ્યારે આ મામલાની તપાસ હજુ ચાલુ છે. અધિકારીઓનું કહેવું છે કે, આ જહાજની ગતિવિધિઓ અને તેની માલિકી સાથે જોડાયેલા દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પુતિનને આર્થિક ફટકો આપવા માટે કાર્યવાહી
વડાપ્રધાન સ્ટારમરે જણાવ્યું કે, આ સફળ અભિયાન રશિયા માટે વધુ એક મોટો ઝટકો છે. તેમણે ઉમેર્યું કે, જે લોકો યુક્રેનમાં યુદ્ધ ચાલુ રાખવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રયાસોને આર્થિક મદદ પહોંચાડી રહ્યા છે, તેમને આ સંદેશ મળી જવો જોઈએ કે બ્રિટન તેમને સંતાવા નહીં દે. બ્રિટનના સંરક્ષણ મંત્રી ડેન જાર્વિસે પણ કહ્યું કે, રશિયા પોતાના આ 'શેડો ફ્લીટ' (ગુપ્ત જહાજોના કાફલા) દ્વારા યુક્રેન યુદ્ધ માટે ભંડોળ એકઠું કરે છે અને આ કાર્યવાહી સીધી રીતે પુતિનના યુદ્ધના પ્રયાસો પર પ્રહાર છે.
શું છે રશિયાનો 'શેડો ફ્લીટ'?
વાસ્તવમાં, રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો પછી, મોસ્કોએ સેંકડો તેલ ટેન્કરોનું એક નેટવર્ક તૈયાર કર્યું છે, જેને "શેડો ફ્લીટ" (ગુપ્ત કાફલો) કહેવામાં આવે છે. આ જહાજો કોના નામે છે તેની વિગતો અસ્પષ્ટ હોય છે અને તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચીને રશિયન તેલ વેચવા માટે કરવામાં આવે છે.
બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયાના પ્રતિબંધિત તેલનો લગભગ 75 ટકા હિસ્સો આ જ શેડો ફ્લીટ દ્વારા વિશ્વના અલગ-અલગ બજારો સુધી પહોંચાડવામાં આવે છે. આ નેટવર્કમાં 700થી વધુ જહાજો સામેલ હોવાનું કહેવાય છે, જે ક્રેમલિન (રશિયન સરકાર) માટે એક મહત્વના આર્થિક સહારા સમાન છે.