Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 05 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-05 08:19:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-03-05 22:25:49

અક્ષરે સમયસૂચકતાથી અપાવ્યો અદ્ભુત કૅચ, વિલ જૅક્સે વિકેટ ગુમાવી

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર વિલ જૅક્સે (35 રન, 20 બૉલ, બે સિક્સર, ચાર ફોર) જૅકબ બેથેલ સાથે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કર્યા બાદ વિકેટ ગુમાવી હતી. મૅચ વિનિંગ બની શકે એવી આ વિકેટમાં અર્શદીપના ત્રણ વાઇડ પછીના બૉલમાં જૅક્સના ઊંચા શૉટમાં અક્ષર પટેલે બૉલ ઝીલ્યા બાદ સમયસૂચકતા વાપરીને બાઉન્ડરી લાઇનની બહાર જતાં બૉલ શિવમ દુબે તરફ ફેંક્યો હતો અને દુબેએ કૅચ ઝીલી લીધો હતો. પાંચમી વિકેટ વખતે કુલ સ્કોર 172 રન હતો.

2026-03-05 21:58:35

જૂનાગઢના ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાતા વેપારીને લારીમાં લઈ જવાયા, પણ બચી ન શક્યા

અમદાવાદઃ ટ્રાફિકની સમસ્યા માત્ર મોટા શહેરોમાં નહીં, પરંતુ જૂનાગઢ જેવા નાના શહેરમાં પણ વકરી રહી છે. આનું તાજું ઉદાહરણ એક ઘટના છે, જેમાં હૃદયરોગના હુમલાના દરદીને ટ્રાફિક નડતા એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી અને દરદીનો જીવ ગયો હતો. 

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જૂનાગઢના માંગનાથ રોડ પર વેપાર કરતા રાજેશભાઈ કાનાણીને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. તેમને 108 એમ્બ્યુલન્સ બોલાવી હૉસ્પિટલે લઈ જવામા આવતા હતા, પરંતુ અમ્બ્યુલન્સ ટ્રાફિકમાંથી બહાર નીકળી શકતી ન હતી. વાહનોની કતારો જોઈ રાજેશભાઈને એક રેકડીમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ઘરના મોભીનું આ રીતે અચાનક મોત પરિવાર માટે મોટો ઘા હતો. જ્યારે વેપારીઆલમમાં દુઃખ સાથે રોષની લાગણી પણ જોવા મળી હતી. એમ્બ્યુલન્સને પણ નીકળવાનો માર્ગ ન મળ્યો તે મામલે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને ટ્રાફિક મેનેજમેન્ટ સામે સવાલો ઊભા કર્યા હતા.

2026-03-05 21:45:48

ત્રણ વિકેટમાં ગુજરાત-ટચઃ બ્રૂક બન્યો બુમરાહનો 500મો શિકાર

વાનખેડે સ્ટેડિયમમાં ભારતે આપેલા 254 રનના તોતિંગ લક્ષ્યાંકના બોજ તળે શરૂઆતથી જ આવી ગયેલી ઇંગ્લૅન્ડની ટીમે બીજી ઓવરથી જ વિકેટ ગુમાવવાની શરૂ કરી હતી અને 38 રનમાં પહેલી જે બે વિકેટ ગુમાવી એમાં અને પછીથી એક વિકેટમાં ગુજરાત-ટચ હતો. ફિલ સૉલ્ટનો કૅચ હાર્દિક પંડ્યાના બૉલમાં અક્ષર પટેલે ઝીલ્યો હતો અને ત્યાર બાદ કૅપ્ટન હૅરી બ્રૂકની વિકેટ અમદાવાદ નિવાસી બુમરાહે લીધી હતી. તેના બૉલમાં પણ અક્ષરે કૅચ ઝીલ્યો હતો. ત્યાર બાદ બટલરને વરુણે આઉટ કર્યો હતો, પરંતુ બેથેલની આક્રમક ફટકાબાજી વચ્ચે ટૉમ બૅન્ટને વિકેટ ગુમાવી હતી એ અક્ષરે લીધી હતી. બેથેલ પાંચ સિક્સર અને એક ફોરની મદદથી બનાવેલા 39 રને રમી રહ્યો હતો અને ત્યારે આઠમી ઓવરમાં ઇંગ્લૅન્ડનો સ્કોર 4/95 હતો. દરમ્યાન બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500મી વિકેટ લીધી હતી અને બ્રૂક તેનો 500મો બહુમૂલ્ય શિકાર બન્યો હતો.

2026-03-05 21:34:59

વાયુસેનાનું ફાઈટર જેટ ગુમ

ભારતીય વાયુસેનાનું સુખોઈ 30MKI ફાઈટર જેટ ગુમ થયું છે. ગુવાહાટીમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રડારમાંથી ફાઈટર જેટનો સંપર્ક તૂટી ગયો છે.

2026-03-05 19:53:02

પશ્ચિમ બંગાળના રાજ્યપાલે આપ્યું રાજીનામું

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ છે. રાજ્યના રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજીનામું આપ્યું છે.

2026-03-05 19:51:07

અભિષેક સિક્સર મારવા જતાં કૅચ આપી બેઠો, સૅમસનનો કૅચ છૂટ્યો

વાનખેડેમાં આજે સેમિ ફાઇનલમાં ઢગલો રન થઈ શકશે એવી સંભાવના વચ્ચે આ ટૂર્નામેન્ટનો ફ્લૉપ ઓપનર અભિષેક શર્મા (નવ રન, છ બૉલ, બે ફોર) ઉતાવળે સિક્સર મારવા જતાં ફિલ સૉલ્ટને કૅચ આપી બેઠો હતો. ઑફ સ્પિનર વિલ જૅક્સને બીજી જ ઓવર અપાઈ હતી જેમાં તેણે અભિષેકની આસાની વિકેટ મેળવી લીધી હતી. તેની વિકેટ પડ્યા બાદ થોડી જ વારમાં જોફ્રા આર્ચરના બૉલમાં સૅમસન 15 રન પર હતો ત્યારે તેને કૅપ્ટન હૅરી બ્રૂકના હાથે જીવતદાન મળ્યું હતું. બ્રૂકે આસાન કૅચ છોડ્યા પછી અફસોસ વ્યક્ત કરર્યો હતો અને ત્યાર બાદ સૅમસને ઇશાન કિશન સાથેની જોડીમાં જોરદાર ફટકાબાજી શરૂ કરી દીધી હતી. પાંચ ઓવરને અંતે ભારતનો સ્કોર 1/55 હતો. સૅમસન (31 નૉટઆઉટ, 15 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને ઇશાન (15 નૉટઆઉટ, આઠ બૉલ, ત્રણ ફોર) દાવમાં હતા.

2026-03-05 19:02:43

ઇંગ્લૅન્ડ ટૉસ જીત્યું, ભારતને પહેલાં બૅટિંગનો મોકો મળ્યો

વાનખેડે સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપની હાઇ-પ્રોફાઇલ સેમિ ફાઇનલમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકે ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે ભારતને પહેલા બૅટિંગ કરીને બ્રિટિશરોને તોતિંગ લક્ષ્યાંક આપવાનો મોકો મળ્યો છે. ભારતે ઇલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો. ઇંગ્લૅન્ડે રેહાન અહમદના સ્થાને ઑવર્ટનને ઇલેવનમાં સમાવ્યો છે.

2026-03-05 17:44:17

ફારસની ખાડીમાં અમેરિકાના જહાજ પર ઈરાનનો હુમલો

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકા સતત છઠ્ઠા દિવસે પણ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે, ત્યારે ઈરાનના યુદ્ધજહાજને અમેરિકાએ ડૂબાડ્યા પછી ગુસ્સે થયેલા ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈજીઆરસી)એ દાવો કર્યો છે કે તેના નૌકાદળે ઉત્તર ફારસની ખાડીમાં અમેરિકન ઓઈલના જહાજ પર મિસાઈલથી હુમલો કર્યા બાદ આગ ફાટી નીકળી.

2026-03-05 17:20:44

અલી ખામેનેઇના નિધન અંગે ભારતે શોક વ્યક્ત કર્યો

ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇના નિધન અંગે ભારત સરકારે સત્તાવાર શોક પાઠવ્યો છે. ભારતના વિદેશ સચિવે નવી દિલ્હી સ્થિત ઈરાનના દૂતાવાસ જઈને શ્રદ્ધાંજલિ પુસ્તિકમાં ભારત તરફથી હસ્તાક્ષર કર્યા અને સંવેદના વ્યક્ત કરી.

2026-03-05 15:46:16

રશિયા ભારતને 95 લાખ બેરલ ઓઈલ આપવા તૈયાર

મિડલ ઈસ્ટમાં તંગ માહોલ વચ્ચે રશિયા ભારતને 95 લાખ બેરલ ઓઈલ આપવા માટે તૈયાર છે, તેમાંય અમુક જહાજ તો ભારતીય દરિયાઈ સીમા નજીક પણ છે, જે ગણતરીના અઠવાડિયામાં ભારત પહોંચી શકે એવો દાવો કરાયો છે.

2026-03-05 15:16:57

યુદ્ધ મુદ્દે મોદીનું મહત્ત્વનું નિવેદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત મિડલ ઈસ્ટમાં જારી યુદ્ધ વચ્ચે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. પાટનગર નવી દિલ્હીમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર સ્ટબ સાથે વાત કરતા કહ્યું કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લશ્કરી સંઘર્ષથી લાવી શકાય નહીં એવું અમે દૃઢપણે માનીએ છીએ.

2026-03-05 14:50:42

ઈરાને હવે અઝરબૈઝાનને બનાવ્યું ટાર્ગેટ

ઈઝરાયલ-અમેરિકાની ઈરાન પરની સંયુક્ત કાર્યવાહીમાં હવે પાકિસ્તાનના મિત્ર રાષ્ટ્ર અઝરબૈઝાન પર ડ્રોન્સથી હુમલો કર્યો છે. ઈરાને અઝરબૈઝાન પર હુમલો કરતા એરપોર્ટ ચપેટમાં આવ્યું છે. આ હુમલાથી વધુ એક રાષ્ટ્ર હુમલાનું ભોગ બન્યું હોવાનો દાવો કરાયો.

2026-03-05 14:38:57

અમેરિકાને પસ્તાવું પડશેઃ ઈરાનની ધમકી

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમારેખામાં અમેરિકાએ ઈરાનના યુદ્ધજહાજ પર કરેલા ગુપ્ત હુમલાથી હવે ઈરાનનું નેતૃત્વ ભડક્યું છે. આ હુમલાની અમેરિકાએ મોટી કિંમત ચૂકવવી પડશે, એમ વિદેશ પ્રધા સૈયદ અબ્બાસ અરાઘચીએ ચેતવણી આપતા જણાવ્યું.

2026-03-05 13:51:31

નીતીશ કુમારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

10 વાર બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનાર નીતીશ કુમારે ગુરુવારે  રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત NDA ના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 27 ફેબ્રુઆરીએ નીતીશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમના રાજ્યસભામાં જવાના નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે. 

2026-03-05 13:19:27

વડોદરામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો

વડોદરા કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. પ્રિયંકા પ્રજાપતિએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

2026-03-05 12:36:09

ઈઝરાયલે ઈરાનનું બેલિસ્ટિક મિસાઈલ લોન્ચર તબાહ કર્યું

ઈઝરાયલી સેનાએ ઈરાનના કોમ  શહેરમાં એક બેલિસ્ટિક મિસાઈલ લોન્ચર પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધું હોવાનો દાવો કર્યો હતો. આ લોન્ચર ઈઝરાયલ પર હુમલો કરવાની તૈયારીમાં હતું. ઈઝરાયલી સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, ઈઝરાયલની વાયુસેનાએ ઈસ્ફહાન શહેરમાં એક એર ડિફેન્સ સિસ્ટમને પણ ખતમ કરી દીધી છે.

2026-03-05 12:04:54

આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો

આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ત્રણ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભૂપેન બોરા પણ ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા.

2026-03-05 10:57:22

ગુજરાત AAPમાંથી વધુ એક નેતાએ રાજીનામું આપ્યું

ગુજરતમાં આમ આદમી પાર્ટીના વધુ એક નેતાએ રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ નારણભાઈ કાતરીયા પાર્ટીમાંથી હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

2026-03-05 10:23:08

ઈરાન વિરુદ્ધ સેના મોકલવા બાબતે કેનેડાએ શું કહ્યું?

કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું છે કે,  કેનેડા ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં પોતાની સેના મોકલશે કે નહીં તે કહેવું હાલ મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું કે કેનેડા તેના સહયોગી દેશોની સાથે ઉભું રહેશે, પરંતુ જરૂર પડ્યે સૈન્ય મદદ આપવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.

2026-03-05 08:59:02

કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

કોંગ્રેસે રાજ્યસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જે મુજબ તેલંગાણામાંથી અભિષેક મનુ સિંઘવી અને વેમ નરેન્દ્ર રેડ્ડી, છત્તીસગઢમાં ફૂલો દેવી નેતામ, હરિયાણામાંથી કરમવીર સિંહ બૌદ્ધ, હિમાચલ પ્રદેશમાં અનુરાગ શર્મા અને  તમિલનાડુમાં એમ. ક્રિસ્ટોફર તિલકના નામની જાહેરાત કરી હતી.

2026-03-05 08:25:44

ઈરાનના બુકાન શહેરમાં બોમ્બમારો

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલાનો આજે પાંચમો દિવસ છે. ઈરાનના બુકાન શહેરમાં ઈઝરાયલે ભારે બોમ્બમારો કર્યો છે. શહેરમાં સરકારી ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે.

2026-03-05 08:20:32

ઈરાનની રાજધાની તેહરાનમાં અનેક સ્થળોએ બ્લાસ્ટ

ઈરાનની રાજધાની તેહરાનમાં ગુરુવાર સવાર સુધી સતત કલાકોથી મોટા ધડાકા થઈ રહ્યા છે. આખી રાત શહેરના અનેક સ્થળોએ જોરદાર બ્લાસ્ટ થયા, જેના કારણે આકાશમાં ધુમાડો અને આગની જ્વાળાઓ જોવા મળી રહી છે. હુમલામાં ઈરાનના મિલિટરી હેડક્વાર્ટર, પોલીસ સ્ટેશન અને IRGCના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.