Thu Jul 23 2026

Logo

માંડવીમાં સ્વામિનારાયણ સાધુના વિવાદાસ્પદ નિવેદનથી બ્રહ્મ સમાજ લાલઘૂમ

2026-05-22 14:15:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ કચ્છના બંદરીય માંડવી ખાતે આયોજિત એક ધાર્મિક મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે ભારે હોબાળો મચી ગયો છે. સાધુના આ નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત સેંકડો ભૂદેવો સહિત સમગ્ર બ્રહ્મ સમાજમાં પ્રચંડ રોષ વ્યાપી ગયો છે. બીજી તરફ, મંચ પર હાજર શાસક પક્ષના સ્થાનિક ધારાસભ્યે ત્વરિત પ્રતિક્રિયા આપી સંતને જાહેરમાં જ આકરો જવાબ આપતાં આ મામલો પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

 

શું છે મામલો

ઘટનાની વિગત મુજબ, માંડવીમાં તાજેતરમાં ‘શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે.” સંતના આ મુખેથી નીકળેલા વિવાદાસ્પદ શબ્દોને કારણે મહોત્સવમાં હાજર આશરે ૧૪૦૦ જેટલા બ્રાહ્મણોની લાગણી દૂભાઈ હતી અને સભાખંડમાં નારાજગીનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

આ જ મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માંડવી-મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેએ મામલાની ગંભીરતાને જોઈને મંચ પરથી જ સંતના નિવેદનનો પલટવાર કર્યો હતો. તેમણે માઇક સંભાળીને સ્પષ્ટ અને મક્કમ શબ્દોમાં જણાવ્યું કે, બ્રાહ્મણ ક્યારેય કોઈની પાસે ભીખ માંગતો નથી, તે હંમેશા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દાન સ્વીકારે છે. ધારાસભ્યના આ જડબાતોડ જવાબને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

દરમિયાન, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર રાજ્યના બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વિવાદ વકરતાં વિવિધ બ્રાહ્મણ સંગઠનો દ્વારા શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી પોતાના આ વિવાદાસ્પદ નિવેદન બદલ જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે હાલ સરહદી જિલ્લા કચ્છના રાજકીય અને સામાજિક આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે.

(ઉત્સવ વૈદ્ય)