Sun Jun 14 2026

Logo

સૈન્ય ભરતી પરીક્ષા પહેલા જ પાટલીપુત્ર સ્ટેશન પર બબાલ,ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે હવામાં ફાયરિંગ

2026-06-14 09:16:00
Author: Mumbai Samachar Team
Article Image

 

પાટલીપુત્રઃ બિહારમાં સૈન્ય ભરતીની પરીક્ષા થવા જઈ રહી છે, પરીક્ષા શરૂ થાય એ પહેલા જ બિહારના પાટલીપુત્ર રેલવે સ્ટેશન પર વિદ્યારથીઓએ હંગામો શરૂ કરી દીધો છે. સ્ટેશન પર ટ્રેનની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે નારાજ વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ હતુ.આક્રોશે ભરાયેલા વિદ્યાર્થીઓએ અનેક ટ્રેનને રોકવાનું શરૂ કરી દેતા રેલવે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસે લાઠીચાર્જ કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે. વિદ્યાર્થીઓએ પણ સ્ટેશન પર તોડફોડ શરૂ કરી હતી. અનેક એવી ટ્રેન પર પથ્થરમારો શરૂ કર્યો હતો. સમગ્ર મામલાને ધ્યાને લઈને પટણાના DM એ ચોખવટ પડે એવો હોબાળો મચી ગયો છે.

ઘટના શું બની હતી?
કેટલાક તત્ત્વોએ ટ્રેનમાં જ વારંવાર ચેઈન પુલિંગ કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, રેલવે તંત્ર સૈનિકની પરીક્ષા હેતું એક ખાસ ટ્રેનની વ્યવસ્થા કરે. સ્પેશ્યલ ટ્રેનની માગ પર ઊતરેલા વિદ્યાર્થીઓેના ટોળાએ રેલવે ટ્રેક પર બેસીને વિરોધ કર્યો હતો. હકીકત એ પણ છે કે, આ પરીક્ષાને લઈને અગાઉથી જ બે સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સુકા ઘાસ સાથે લીલું પણ બળે એવો ઘાટ જોવા મળતા કેટલાક અસામાજિક તત્ત્વો પણ આ વિરોધ પ્રદર્શનમાં ફાવી ગયા હતા. જે વિદ્યાર્થીઓ ખરેખર પોતાની રીતે પરીક્ષા આપવા માટે, જવા માટે તૈયાર હતા એમને પણ રોકીને રાખવામાં આવ્યા હતા. પરીક્ષા આપવા માટે નીકળેલા કેટલાક વિદ્યાર્થીઓની ટ્રેન પહેલા જ રવાના થઈ ચૂકી હતી. અન્ય ટ્રેન પણ સામાન્યપણે જે તે ટાઈમટેબલ અનુસાર જઈ રહી હતી. વિદ્યાર્થીઓને ટ્રેક પરથી દૂર કરવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 

ભીડને કાબુમાં કરવા પ્રયાસ
પથ્થર મારો કરાયા બાદ રેલવે પ્લેટફોર્મ પર પથ્થરો પડ્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ વિરોધ પ્રદર્શન પર ઊતરેલા વિદ્યાર્થીઓ કોઈકાળે માનવા માટે તૈયાર થયા ન હતા. વિદ્યાર્થીઓએ ટ્રેક પર આવેલી ટ્રેન રોકી દીધી હતી અને રેલવે એન્જિન પર ચઢી ગયા હતા. અન્ય કોઈ પ્રવાસીઓને પણ ટ્રેનમાં અંદર જવા દીધા ન હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, આ ઘટના એવા સમયે સામે આવી જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે જઈ રહ્યા હતા. વિરોધ પ્રદર્શન એ સમયે શરૂ થયું જ્યારે અન્ય ટ્રેનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પછી રેલવે પોલીસ અને પાટલીપુત્ર પોલીસની ટીમ આવી પહોચી અને ભીડને કાબુમાં કરવા માટે પ્રયાસ કર્યા હતા. જે વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પર બેઠા હતા એમને દૂર કરવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હતું. સ્ટેશન પર રહેલી દુકાનોમાં વિદ્યાર્થીઓએ બેફામ બનીને તોડફોડ કરી નાખી. સૈન્યમાં સિપાઈના પદ પર 4128 બેઠક પર ભરતી ખુલી છે, જેની સામે 16 લાખથી વધારે વિદ્યાર્થીઓએ અરજી મોકલી છે. 500 જેટલા પરીક્ષા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. આ પરીક્ષા 17 જુન સુધી ચાલશે. આ પરીક્ષા બે શિફ્ટમાં લેવાઈ રહી છે. 

શું કહ્યું પટણા ક્લેક્ટરે?
શનિવાર રાત્રીના સમયે જ વિરોધ પ્રદર્શન શરૂ થયુ હતું. પાટલીપુત્ર રેલવે સ્ટેશન પર હંગામો થયો હતો. સ્ટેશન ખાલી કરાવી દેવાયા બાદ ફરીથી સ્ટેશન પર સફાઈ અભિયાન શરૂ થયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કેટલાક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના પણ વાવડ મળ્યા છે. વિદ્યાર્થીઓએ ટ્રેનના કાચ પર પથ્થર મારીને કાચ ફોડી નાંખ્યા હતા. કાચના ટુકડા રેલવે પ્લેટફોર્મ પર વિખેરાયા હતા. પરિસ્થિતિને ધ્યાને લઈને વધારાની પોલીસ ટુકડી રેલવે સ્ટેશન પર રવાના કરી દેવામાં આવી છે. પોલીસ તંત્ર જ્યારે પહોંચ્યું એ સમયે વિદ્યાર્થીઓએ હંગામો શરૂ કરી દીધો હતો. રેલવે સ્ટેશન પર દુકાન ચલાવતા લોકો યુદ્ધના ધોરણે પ્લેટફોર્મ છોડીને અંદરીની બાજુ દોડી ગયા હતા. પોલીસે ફરજિયાત લાઠીચાર્જ કરવો પડે એવી સ્થિતિ હતી. પટાણા ક્લેક્ટર ત્યાગીરાજે જણાવ્યું હતું કે, આ મામલો મોડી રાતનો છે. વિદ્યાર્થીઓને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ કોઈ રીતે માન્યા ન હતા.વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે કેટલાક અસામાજિક તત્ત્વો પણ ફાવી ગયા હતા. અનેક પ્રકારની તેઓ માગ કરી રહ્યા છે. તંત્ર તરફથી કોઈ રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે રોકવાનો કોઈ પ્રયાસ થયો નથી.