ભુજ: પશ્ચિમ કચ્છ વન વિભાગે એક અત્યંત ચોંકાવનારા અને હાઇટેક શિકાર કૌભાંડનો પર્દાફાશ કરી ભુજના કુવાથડા બીટ વિસ્તારમાંથી તેતરનો શિકાર કરતા એક દંપતીને ૯ તેતરના મૃતદેહો સાથે રંગેહાથ ઝડપી પાડ્યું છે.
વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલ અને ડીસીએફ એચ. જે. ઠક્કરના માર્ગદર્શન હેઠળ કુવાથડા બીટ સ્ટાફે હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન રોડ પરથી શિકારનો થેલો લઈને ભાગવાનો પ્રયાસ કરતા ભુજના રહીમનગર વિસ્તારના રહેવાસી અલ્લારખા સિદ્દીક ફકીર અને તેની પત્ની રાજબાઈ અલ્લારખા ફકીરને પકડી પાડવામાં આવ્યા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે, પરંપરાગત જાળ ઉપરાંત આ શિકારીઓ બ્લૂટૂથ સ્પીકરમાં નર તેતરનો અવાજ મોટેથી વગાડી જાળી પાસે સંતાઈ જતા હતા. અવાજ સાંભળીને અન્ય તેતર તથા બચ્ચાઓ આકર્ષાઈને આવતા જ જાળમાં ફસાઈ જતા હતા.
પશ્ચિમ રેન્જ આરએફઓ દર્શના કાગડાની સૂચનાથી ફોરેસ્ટર જે. કે. જાડેજા, બીટ ગાર્ડ આર. બી. મરંડ અને એલ. પી. દૈયાએ કાર્યવાહી કરી બંને આરોપીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પશ્ચિમ રેન્જ આર.એફ.ઓ દર્શના કાગડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીમાં ફોરેસ્ટર જે.કે. જાડેજા, બીટ ગાર્ડ આર.બી. મરંડ અને એલ.પી. દૈયા દ્વારા કરવામાં આવી છે. હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શિકારીઓ હાઇટેક બન્યા, જાળને બદલે સ્પિકર
સામાન્ય રીતે પક્ષીઓના શિકાર માટે માત્ર પરંપરાગત જાળનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ કિસ્સામાં શિકારીઓએ તેતરને આકર્ષવા માટે બ્લૂટૂથ સ્પીકરનો નવતર પ્રયોગ કર્યો હોવાનું સામે આવતા વન વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.
ઉત્સવ વૈદ્ય