Wed Jun 17 2026

Logo

ભુજમાં દિવ્યાંગ પુત્ર અને બીમાર માતાનું રહસ્યમય મોત, પોલીસે તપાસ શરૂ કરી

2026-05-20 15:56:00
Author: mumbai samachar team
Article Image

ભુજ : કચ્છના ભુજ શહેરના રવાણી ફળિયામાં એકલા રહેતા બીમાર માતા અને દિવ્યાંગ પુત્રના એક સાથે રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. બુધવારે બપોરે આ કરુણ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

મા-દીકરો એકબીજાનો સહારો બનીને જીવન વિતાવતા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર, સોની સમાજના 36 વર્ષીય ભરતભાઈ બારમેડા દિવ્યાંગ હતા અને પેરાલિસીસ એટલે કે લકવાથી પીડાતા હતા, જ્યારે તેમના 70  વર્ષીય માતા રશીલાબેન પણ થાઈરોઈડ સહિતની અન્ય બીમારીઓ અને ઉંમરના કારણે અશક્ત હતા. આ બંને મા-દીકરો એકબીજાનો સહારો બનીને જીવન વિતાવતા હતા. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે હૃદયરોગનો હુમલો આવવાના કારણે પ્રથમ માતાનું મોત નીપજ્યું હતું, અને માતાની છત્રછાયા ગુમાવવાના આઘાતમાં પુત્રએ પણ દમ તોડી દીધો હતો. જો કે, બંનેના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. 

અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ 

હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે તેમ એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.એમ.આર. નકુમે જણાવ્યું હતું.

(ઉત્સવ વૈધ)