Sat Aug 29 2026

Logo

ભુજમાં નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ: જિ.પં. માર્ગ પરથી લારી-ગલ્લા હટાવાતાં વર્ષો બાદ ફૂટપાથ ખુલ્લી થઈ

2026-08-25 11:11:00
Author: Mumbai Samachar Team
ભુજમાં નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ: જિ.પં. માર્ગ પરથી લારી-ગલ્લા હટાવાતાં વર્ષો બાદ ફૂટપાથ ખુલ્લી થઈ

 

ભુજ:  સુપ્રીમ કોર્ટના આદેશ અને જિલ્લા કલેક્ટરની સૂચનાના પગલે ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર મોટા પાયે દબાણ હટાવો ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલના માર્ગદર્શન હેઠળ અને જયદીપસિંહ ઝાલાની આગેવાનીમાં પાલિકાની ટીમે બસ સ્ટેશન વિસ્તાર, જિલ્લા પંચાયત રોડ, ઈન્દિરાબાઈ સ્કૂલ તેમજ જૂના ભાજપ કાર્યાલય માર્ગે દબાણ હટાવવાની કામગીરી કરી હતી. તંત્ર દ્વારા અગાઉથી આપેલી નોટિસના કારણે મોટાભાગના વેપારીઓએ સ્વેચ્છાએ લારી-ગલ્લા હટાવી લેતાં સુધરાઈની ટીમ અને ધંધાર્થીઓ વચ્ચે ઘર્ષણ ટળ્યું હતું.

કામગીરી દરમિયાન નગરપાલિકાની ટીમે એક કેબિન, બે લોખંડની પેટી અને લોખંડના પાઈપો જપ્ત કર્યા હતા. લાંબા સમય બાદ જિલ્લા પંચાયત રોડ પર ફૂટપાથો ખુલ્લી થતાં નાગરિકોએ ટ્રાફિકની સમસ્યામાંથી ભારે રાહત અનુભવી હતી.પાલિકા દ્વારા આગામી ૨૫ ઓગસ્ટના રોજ વી.ડી. હાઈસ્કૂલ માર્ગથી જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તાર સુધી દબાણો હટાવવાની ઝુંબેશ આગળ ધપાવવામાં આવશે.

(ઉત્સવ વૈદ્ય)