Tue Aug 18 2026

Logo

ભિવંડીની જોખમી ઈમારતોના વીજ અને પાણી જોડાણ ખંડિત કરવામાં આવશે

2026-08-02 09:31:57
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભિવંડી
: ભિવંડીમાં ગુરુવારે મોડી રાતે બાલાજી નગરમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની તૂટી પડેલી ઈમારતે ૧૦નો ભોગ લીધા બાદ શનિવારે ભિવંડીના મેયરે શહેરમાં રહેલી તમામ  જોખમી ઈમારતના વીજ અને પાણીના જોડાણ ખંડિત કરવાનો તથા આ ઈમારતોને ઝડપથી ખાલી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

શનિવારે ભિવંડી-નિઝામપૂર શહેર મહાનગરપાલિકાના મેયર નારાયણરતન ચૌધરીએ  છ વર્ષ પહેલા પાલિકા દ્વારા જોખમી જાહેર કરવામાં આવેલી અને ગુરુવાર રાતના તૂટી પડેલી કોહિનૂર ઈમારતની દુર્ઘટનાના પાર્શ્ર્વભૂમિ પર શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે  ઉચ્ચ સ્તરીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિવ્યૂ બેઠક યોજી હતી. 

બેઠકમાં ડેપ્યુટી કમિશનર ( અનધિકૃત બાંધકામ) વિક્રમ દરાડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાલિકાની હદમાં આવતી શહેરમાં ૨૩૮ ઈમારત સી-વન શ્રેણી (અત્યંત જોખમી)માં આવે છે, જેને તાત્કાલિક તોડી પાડવી જોઈએ. તો સી-ટૂએ શ્રેણીમાં ૮૩૬ ઈમારત (જોખમી - મોટું સમારકામ અને તાત્કાલિક ખાલી કરવાની) આવે છે.
આ બેઠક મેયરે  તમામ જોખમી અને  અતિ જોખમી ઈમારતો બાબતે અહેવાલ લીધો હતો. એ બાદ તેમણે શહેરમાં સી-વન શ્રેણીમાં આવતી જોખમી ૨૩૮ અને સી-ટૂએમાં આવતી ૮૩૬ બિલ્િંડગના નળ અને વીજળીના જોડાણ ખંડિત કરીને તેને તાત્કાલિક ખાલી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. 

જોખમી અને અત્યંત જોખમી ઈમારતોને  નોટિસ ફટકારતા સમયે જગ્યાના માલિક અને જગ્યાના કબજેદારને પંચનામાની કોપી (ઈન્સ્પેકશન રિપોર્ટ) આપવાની ખાસ સૂચના આપવામાં આવી છે. જોખમી અને અત્યંત જોખમી બિલ્િંડગના રહેવાસીઓનું સ્થળાંતર કરવાનું થાય તો મહાનગરપાલિકાની માલિકીની ઈમારતમાં પાંચથી છ દિવસ માટે સ્થળાંતર કરવાનો પણ તેમણે નિર્દેશ આપ્યો હતો.

જોખમી અને અત્યંત જોખમી બિલ્િંડગને ખાલી કરાવવા માટે પોલીસ બંદોબસ્તની માગણી કરતા સમયે પત્રમાં ૨૬૮ કલમનો ઉલ્લેખ કરીને પોલીસ બંદોબસ્તની માગણી કરવી.  તેમ જ આ જોખમી ઈમારતોનો વીજ પુરવઠો ખંડિત કરવાની જવાબદારી સંપૂર્ણપણે પાવર કંપનીની રહેશે. જોકે વોર્ડ ઓફિસરને તેની અગાઉથી જાણ કરવાની રહેશેય
જોખમી અને અત્યંત જોખમી બિલ્ડિંગનું સમારકામ મંજૂરી વગર કરી શકાશે નહીં અને તેની ખાતરી કરવા માટે વોર્ડ ઓફિસરે સમયાંતરે અથવા રાતના સમયે જગ્યાએ જાતે જઈને ઈન્સ્પેકશન કરવાનું રહેશે.

થાણે જિલ્લા પ્રશાસનના ડેટા મુજબ ચાલુ ચોમાસામાં ગુરુવારની બિલ્િંડગ તૂટી પડવા સહિતની જુદી જુદી કુદરતી દુર્ઘટનામાં અત્યાર સુધી ૩૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ દરમ્યાન ભિવંડીની બિલ્િંડગ તૂટી પડવાની દુર્ઘટના બાદ થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે થાણે શહેરમાં રહેલી તમામ સી-વન શ્રેણીમાં આવતી ઈમારતોને નોટિસ ફટકારવાનો નિર્દેશ આપ્યો હતો.