ઘાટકોપરના ભવ્ય દોશીનું ન્યૂ યોર્કમાં રહસ્યમય મોત
સાતમા માળેથી કૂદકો માર્યો હોવાની પોલીસની થિયરી છતાં એકેય હાડકું તૂટ્યું નહોતું: રંગભેદ-ઇર્ષ્યાનો ભોગ બન્યો હોઈ શકે એવું કાકા કહે છે: એકનો એક દીકરો ગુમાવતાં ટેક્સટાઈલ વેપારીનો પરિવાર આઘાતમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરમાં રહેતા પરિવારમાં બનેલી દુ:ખદ ઘટના બાદ સંતાનોને વિદેશમાં ભણાવવાનો મોહ રાખનારા વાલીઓએ ખાસ ચેતવા જેવું છે. ન્યૂ યોર્કમાં ભણતર પૂરું કર્યા પછી ત્યાંની જાણીતી હૉસ્પિટલમાં જોડાયેલા ભવ્ય રાકેશ દોશીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થતાં ટેક્સટાઈલનો બિઝનેસ ધરાવતા રાકેશ દોશીનો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. સાતમા માળેથી કૂદકો મારીને ભવ્યએ જીવ આપ્યો હોવાનું અનુમાન ન્યૂ યોર્ક પોલીસ લગાવી રહી છે, પરંતુ તેના શરીર પર ઇજાનાં કોઈ નિશાન કે શરીરમાં ક્યાંય ફ્રેક્ચર ન હોવાનું તબીબી તપાસમાં સામે આવતાં મોતનું કારણ ઘેરું બન્યું હતું. આ ઘટનાથી વિદેશમાં ભણવા જતા સંતાનોના વાલીઓએ પૂરેપૂરી ચકાસણી પછીય સમયાંતરે સંતાનો સાથે તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરતા રહેવું જરૂરી હોવાનું જણાય છે.
બાવીસ વર્ષનો ભવ્ય ઘાટકોપર પૂર્વમાં વલ્લભ બાગ લેન ખાતેની કૂકરેજા પેલેસ બિલ્ડિંગની એ વિંગના ફ્લૅટ નંબર-301માં માતા-પિતા કવિતા અને રાકેશ દોશી સાથે રહેતો હતો. રાકેશભાઈ ટેક્સટાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. ભવ્ય માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો.
જૈન ઈન્ટરનૅશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જિતો)ના ચીફ સેક્રેટરી અને ભવ્યના કાકા સુનીલભાઈ દોશીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ન્યૂ યોર્કની ફૉર્ડમ યુનિવર્સિટીમાંથી બેચલર ઑફ ઈકોનોમિક્સનો ચાર વર્ષનો કોર્સ કરવા તે 2022માં ગયો હતો. મે મહિનામાં જ તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. પછી ત્યાંની જાણીતી માઉન્ટ સિનાય હૉસ્પિટલમાં તે ઑપરેશન્સ મૅનેજર તરીકે જોડાયો હતો.
પહેલી સપ્ટેમ્બરે અમેરિકાથી રાકેશભાઈને ભવ્યના નિધનના સમાચાર આપતો મેસેજ આવ્યો હતો. ભવ્ય ક્વીન્સ પરિસરમાં રહેતો હતો અને ત્યાંની ઈમારતના સાતમા માળેથી પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. ન્યૂ યોર્ક પોલીસે સ્થાનિકોમાં કરેલી પ્રાથમિક પૂછપરછ પછી એવું નિષ્કર્ષ કાઢ્યું હતું કે ભવ્યએ આત્મહત્યા કરી હશે. જોકે ત્યાંની હૉસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમના અહેવાલ પરથી આ વાતની ખાતરી થતી નથી.
બનાવની જાણ થતાં જ દોશી પરિવારના સભ્યો ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને કોન્સ્યુલેટ જનરલ અધિકારીઓની મદદથી કાનૂની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરીને રવિવારે ભવ્યના શબને ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુંબઈ લાવવામાં આવ્યું હતું. રવિવારે જ તેના અંતિમસંસ્કાર કરાયા હતા, જેમાં આશરે 700 જણની હાજરી હતી.
સુનીલભાઈનું કહેવું છે કે પોસ્ટમોર્ટમનાં અહેવાલમાં આંતરિક ફ્રેક્ચર ન હોવાનું નોંધવામાં આવ્યું છે. એ સિવાય મુંબઈમાં પણ તબીબી પરીક્ષણમાં ભવ્યના શરીરમાં હાડકાં તૂટ્યાં ન હોવાની ખાતરી થઈ હતી. જો કોઈ વ્યક્તિ સાતમા માળેથી પડે તો શરીર પર ઇજાનાં કોઈ નિશાન કે એકેય હાડકું ન તૂટે એવું કઈ રીતે બની શકે. વળી, તે પડ્યો ત્યારે કોઈ રૂમમેટ તેને હૉસ્પિટલે તાત્કાલિક લઈ ગયો નહોતો. ઘટનાના ત્રણ કલાક પહેલાં જ તેણે પિતાને મેસેજ કર્યો હતો, જેમાં બધું બરાબર હોવાનો ઉલ્લેખ હતો. તો પછી તે અંતિમ પગલું કઈ રીતે ભરી શકે?
તેમનું માનવું છે કે રૂમમેટ દ્વારા રંગભેદને લઈ કથિત સતામણી પણ કરવામાં આવી હતી. વળી, ભવ્યને ન્યૂ યોર્કમાં જ સારી જૉબ મળી જતાં વિદેશી રૂમમેટ્સને ઇર્ષ્યા થઈ હશે, જેને પગલે તેને મેન્ટલી ટૉર્ચર કરવામાં આવતો હતો. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતનો ઉલ્લેખ કરી ચાર વર્ષના દોસ્ત દગાબાજ નીકળ્યાનું કહ્યું હતું. આ મામલે દરેક દિશામાં તપાસ કરીને અહેવાલ સુપરત કરવાની ખાતરી ત્યાંની પોલીસે આપી હતી.
કહેવાય છે કે ભવ્યની વિદેશી ગર્લફ્રેન્ડ હતી, પરંતુ બાદમાં તેમની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. એ યુવતીના પરિવારજનોના સખત વિરોધ અને દમદાટીને કારણે તે ટેન્શનમાં આવી ગયો હતો. જોકે આ બાબતે ખાતરીપૂર્વક કોઈને કશી જાણ નથી.