ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજસ્થળી ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી હોવાથી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
20 દરવાજા એક-એક ફૂટ ખોલાયા
શેત્રુંજી ડેમના 20 દરવાજા એક-એક ફૂટ (0.30 મીટર) જેટલી ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી નદીમાં અંદાજે 4,800 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.
પાલિતાણા અને તળાજા તાલુકાના 17 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા
ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે. જેને પગલે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલિતાણા અને તળાજા તાલુકાના 17 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં ન જવા, નદી-નાળા ઓળંગવાનો પ્રયાસ ન કરવા તેમજ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમ એ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારનો સૌથી મોટો ડેમ છે, જે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાય છે. તે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાજસ્થળી ગામ પાસે શેત્રુંજી નદી પર બાંધવામાં આવ્યો છે. આ ડેમનું નિર્માણ કાર્ય વર્ષ 1955-56 માં શરૂ થયું હતું અને 1965 માં પૂર્ણ થયું હતું. ડેમમાં કુલ 59 દરવાજા આવેલા છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા અને મહુવા જેવા તાલુકાઓની હજારો હેક્ટર કૃષિ જમીનને આ ડેમની નહેરો (કેનાલ) દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ જળાશય ભાવનગર શહેર તેમજ આસપાસના સેંકડો ગામો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમ ચાલુ ચોમાસાની સિઝનમાં ચોથી વખત સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થયો છે. ડેમની રૂલ લેવલ સપાટી જાળવી રાખવા માટે પ્રશાસન દ્વારા 20 દરવાજા એક ફૂટ સુધી ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.