ભાવનગરઃ જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતિયા ગામના વતની પિતા-પુત્ર સેન્ટિંગનું કામ પૂરું કરીને મોટરસાઇકલ પર પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ આંબી જતાં માર્ગ અકસ્માતમાં બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. સણોસરા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારની અડફેટે આવતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેના કારણે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ અકસ્માતની પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઉમરાળા તાલુકાના હડમતિયા ગામે રહેતા ધનજીભાઈ મૂળજીભાઈ જોગદીયા ઉં.વ. ૬૫ અને તેમના પુત્ર કિરણભાઈ ધનજીભાઈ જોગદીયા ઉં.વ. ૪૪ ગ્રામ પંચાયતના સેન્ટિંગનું કામ પૂરું કરીને પોતાની મોટરસાઇકલ પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સિહોર તાલુકાના સણોસરા ગામ નજીક ભાવનગર-રાજકોટ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે ચલાવી પિતા-પુત્રની બાઈકને જોરદાર અડફેટે લીધી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે પુત્રની નજર સામે જ પિતા ધનજીભાઈનું ગંભીર ઈજાઓ થવાના કારણે રસ્તામાં જ પ્રાણ પંખેડું ઊડી ગયું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્ર કિરણભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે હોસ્પિટલથી ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે ભાવનગર પહોંચતા પહેલાં જ રસ્તામાં કિરણભાઈએ પણ દમ તોડી દીધો હતો આમ, એક જ અકસ્માતમાં પિતા અને પુત્ર બંનેના મોત નીપજ્યા હતા.
આ કરુણ ઘટનાની જાણ થતાં જ સિહોર સ્થિત તેમના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે ખસેડીને આગળની વિધિ બાદ પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માત અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.