Thu Oct 01 2026

Logo

મુંબઈ ઉપનગરમાં પણ બેસ્ટ વીજ પુરવઠો કરશે

2026-09-29 09:10:00
Author: Sapna Desai
મુંબઈ ઉપનગરમાં પણ બેસ્ટ વીજ પુરવઠો કરશે

ખાનગી વીજ કંપની સાથે બેસ્ટની સ્પર્ધા
અભ્યાસ કરવા ટાસ્ક ફોર્સની રચના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ૧૦ લાખથી પણ વધુ વીજ ગ્રાહકો ધરાવતા બેસ્ટ(બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ) ઉપક્રમે ખાનગી વીજ કંપનીઓ સાથેની તેની વધતી સ્પર્ધાને પહોંચી વળવા માટે હવે તેના વીજળી વિતરણ ક્ષેત્રને વિસ્તૃત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી સમયમાં મુંબઈ ઉપનગરમાં વીજ પુરવઠો કરી શકાય કે નહીં તેનો અભ્યાસ કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવાની છે.

બેસ્ટ પ્રશાસને મુંબઈના ઉપનગરોમાં વીજળી પુરવઠો શરૂ કરવાની શક્યતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે એક અલગ ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ ટાસ્ક ફોર્સ ખાનગી વીજ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે બેસ્ટ માટે જરૂરી પગલાંનો અભ્યાસ કરશે અને વિગતવાર અહેવાલ તૈયાર કરશે.આ ટાસ્ક ફોર્સનો અહેવાલ બેસ્ટ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે જેમાં ઉપનગરોમાં વીજળી પુરવઠો શરૂ કરવા માટે કેવા પ્રકારની માળખાગત સુવિધાઓ ઊભી કરવી પડશે, વિતરણ નેટવર્ક કેવી રીતે વિકસાવવું, કઈ પરવાનગીઓ જરૂરી છે અને નવા ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચવું તેનો અભ્યાસ કરવામાં આવશે.

પ્રશાસને આપેલી માહિતી આપી હતી કે બેસ્ટના વીજ પુરવઠા વિભાગે છેલ્લા વર્ષમાં લગભગ ૫,૫૦૦ નવા ગ્રાહકો ઉમેર્યા છે અને આ વિભાગ હાલમાં નફામાં  છે. તેથી બેસ્ટનો હેતુ વીજળી વિતરણનો વિસ્તાર કરીને ગ્રાહકોની સંખ્યા વધારવાનો છે. બેસ્ટ સમિતિની બેઠકમાં સભ્ય રમાકાંત ગુપ્તાએ ઉપનગરોમાં વીજળી પુરવઠો શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને અન્ય સભ્યોએ પણ ટેકો આપ્યો હતો. 

ગ્રાહકોને આકર્ષવા વધુ આક્રમક પૉલિસી જોઈશે
બેસ્ટના જનરલ મેનેજર સોનિયા સેઠીએ આ સૂચનને ગંભીરતાથી લીધું અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક તેનો અભ્યાસ કરવા સૂચના આપી હતી. હાલમાં  બેસ્ટ ઉપક્રમ દક્ષિણ મુંબઈથી ધારાવી અને સાયન સુધીના વિસ્તારોમાં વીજળી પૂરી પાડે છે. જોકે સમિતિના સભ્યોએ ધ્યાન દોર્યું કે ખાનગી કંપનીઓ શહેરમાં ઘણા પુનર્વિકાસ પ્રોજેક્ટમાં વિવિધ સુવિધાઓ અને આકર્ષક વિકલ્પો પૂરા પાડી રહી છે, તેથી ગ્રાહકો તેમના તરફ આકર્ષાઈ રહ્યા છે. તેથી નવા ગ્રાહકોને આકર્ષવા માટે બેસ્ટ દ્વારા વધુ આક્રમક નીતિ અપનાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

૨૭ ડેપોનો ઉપયોગ કરાશે
બેઠકમાં ઉપનગરીય વિસ્તરણ માટે બેસ્ટની માલિકીના ૨૭ ડેપોનો ઉપયોગ માળખાગત સુવિધાઓ માટે કરવાની શક્યતા ઉઠાવવામાં આવી હતી. ઉપરાંત, સબસ્ટેશન, પાવર ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક અને અન્ય જરૂરી સુવિધાઓ સ્થાપવા સાથે સંબંધિત પરમિટ મેળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક સભ્યોએ સૂચન કર્યું હતું કે બેસ્ટે વીજળી નિયમનકારી આયોગ પાસેથી પણ પરવાનગી લેવી જોઈએ.ખાનગી કંપનીઓના વધતા વિસ્તરણને ધ્યાનમાં રાખીને, જો બેસ્ટ તેનો વ્યાપ વિસ્તૃત કરે છે, તો વીજળી વિતરણ ક્ષેત્રમાં સ્પર્ધા નવો આકાર લેવાની સંભાવના છે.