Tue May 19 2026

Logo

બીસીસીઆઈ કેમ કોલકાતાના ટીમ મૅનેજમેન્ટ પર ગુસ્સે છે?

2026-05-18 15:41:29
Author: Ajay Motiwala
Article Image

કોલકાતા: શનિવારે ગુજરાત સામે કોલકાતા (Kolkata)એ 29 રનથી રોમાંચક વિજય મેળવીને પ્લે-ઑફની આશા જીવિત રાખી હતી, પણ આ વિજયી ટીમના મૅનેજમેન્ટે એક જે નિર્ણય લીધો એનાથી ભારતીય ક્રિકેટ બોર્ડ નારાજ હોવાનું જાણવા મળ્યું હતું.

ટી-20 ઇન્ટરનેશનલનો વર્લ્ડ નંબર વન બોલર વરુણ ચક્રવર્તી શનિવારની મૅચમાં ઈજા છતાં બોલિંગ કરતો રહ્યો હતો અને પોતાની ચાર ઓવરનો કવોટા તેણે પૂરો કર્યો હતો. આઈપીએલ પછી ભારતીય ટીમ આયર્લેન્ડ અને ઇંગ્લૅન્ડમાં કુલ મળીને સાત મૅચ રમવાની છે અને ત્યારે વરુણ (Varun)ની ભારતીય ટીમને ખૂબ જરૂર પડવાની છે.

આ વાતને ધ્યાનમાં રાખીને ક્રિકેટ બોર્ડ વરુણને ઈજા છતાં શનિવારની મૅચમાં રમાડવામાં આવ્યો એ બાબતમાં કોલકાતા ટીમના મૅનેજમેન્ટ પર ગુસ્સે હોવાનું મનાય છે.

ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હોવાનું મનાય છે કે ‘ વરૂણ ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ સાથે જોડાયેલો ખેલાડી છે. તેને ગંભીર ઈજા હોય તો રમાડવાનું ચાલુ રાખવાનું ઠીક ન કહેવાય. પાછલી મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન તેને ડાબા પગમાં ઈજા થઈ હતી અને એ પગમાં તેને હેરલાઈન ફ્રેક્ચર હોવાનું મનાય છે. આમ છતાં તેને શનિવારે રમાડવામાં આવ્યો અને પૂરી ચાર ઓવર બોલિંગ કરાવવામાં આવી હતી.'

બીસીસીઆઈ વરુણના મુદ્દે કોલકાતાના ટીમ ફિઝિયોથેરાપિસ્ટ સાથે સતત સંપર્કમાં છે. શનિવારે ગુજરાત સામે વરુણને ચાર ઓવરમાં 47 રનના ખર્ચ છતાં એકેય વિકેટ નહોતી મળી.