મુંબઈ: ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને તેની બહેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપ્યા બાદ 24 વર્ષના યુવકે ઇમારતના 13મા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના બાંદ્રા વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ 6 ઑગસ્ટે આ ઘટના બની હતી. યુવકની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે યુવકની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને તેની બહેન વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો હતો.
બાંદ્રા પૂર્વમાં આવેલી ઇમારતમાં માતા-પિતા અને નાના ભાઇ સાથે રહેતો યુવક અગાઉ જજ પાસે લૉ ક્લર્ક તરીકે કામ કરી ચૂક્યો હતો. યુવક તાજેતરમાં માનસિક તણાવ હેઠળ હતો. છ ઑગસ્ટના રોજ બે મિત્રોએ યુવકની માતાને કૉલ કર્યો હતો અને જણાવ્યું હતું કે યુવક બેંગલુરુમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેના યુવતી સાથે સંબંધ બંધાયા હતા. જોકે બંને વચ્ચે બ્રેક-અપ થયા બાદ યુવતી અને તેની મોટી બહેન યુવકને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી રહી હતી.
દરમિયાન માતાએ આ અંગે પૂછપરછ કરતાં યુવકે તમામ હકીકત જણાવી હતી. માતા ફોન પર વાત કરી રહી હતી ત્યારે યુવક બેડરૂમમાં ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં તેણે 13મા માળના ફ્લેટમાંથી નીચે ઝંપલાવ્યું હતું. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. (પીટીઆઇ)
representative image