Fri Jun 19 2026

Logo

30ની ઉંમરે જ કેમ વધી રહ્યું છે ગંભીર બીમારીઓનું જોખમ, જાણો એક્સપર્ટ્સ શું કહે છે?

2026-06-19 14:26:00
Author: Mumbai Samachar Team
Article Image

Ai Image


કોરોના મહામારી પછી યુવાન હોય કે વૃદ્ધ પરંતુ દરેક ઈમ્યુન શક્તિમાં ઘટાડો થયો હોવાની ફરિયાદ કરવામાં આવે છે, જ્યારે લોકોના હાર્ટ એટેકનું આવવાનું જોખમ વધ્યું છે, પરંતુ આ વખતે આપણે એના સંબંધિત વાત કરીએ કે લોકોને નાની ઉંમરમાં પણ ગંભીર બીમારીનું પ્રમાણ વધ્યું છે. 30 વર્ષની ઉંમર પાર કરતા જ લોકોને ઘૂંટણના દુખાવાથી માંડીને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે. સમય પહેલા બીમારીઓ થવાના ઘણા કારણો છે, પરંતુ કેટલીક આદતો આ જોખમ બમણું કરી શકે છે. હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ એ કઈ આદતો છે.

જો તમે બે દાયકા પાછળ નજર નાખો તો ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ, ફેટી લીવર અને સંધિવા જેવા રોગો પચાસ વર્ષની ઉંમર બાદ જોવા મળતા હતા, પરંતુ હવે ત્રીસ વર્ષની ઉંમરમાં જ આ રોગો જોવા મળી રહ્યા છે. હવે ખાનપાનથી લઈને લાઇફસ્ટાઇલ સુધી બધું જ બદલાઈ ગયું છે. પહેલા લોકો દિવસમાં બેથી ત્રણ વાર જમતા હતા. હવે તો વચ્ચે વચ્ચે કઈ ને કઈ ખાવાની આદત પડી ગઈ છે. હવે લોકો ખાય છે તો વધારે જ પણ તે મુજબ કસરત કરતા નથી. 

એક ડોક્ટરના જણાવ્યા અનુસાર હવે તો જરૂરિયાતનો કોઈ સામાન ખરીદવા માટે પણ બહાર નીકળવું પડતું નથી. આ કારણે જ શારીરિક હલનચલન પણ બિલકુલ રહ્યું નથી. ખાનપાનની રીત એટલી હદે બદલાઈ ચુકી છે કે લોકોને રોટલી-ભાતની જગ્યાએ ફાસ્ટફૂડ ખાવાનું વધારે પસંદ પડે છે. 

વધારે માનસિક તણાવ 
દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક તો માનસિક તણાવ થતો જ હોય છે, પરંતુ જો આ દરરોજ થાય છે તો તણાવની અસર સીધી જ તમારા આરોગ્ય પર થાય છે. માનસિક તણાવના લીધે મેદસ્વીપણું, હાઈ બ્લડપ્રેશર, વાળ ખરવા જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. જો તમે રોજ તણાવમાં જ રહો છો તો શરીરમાં હોર્મોનનું સંતુલન પણ બગડવા માંડે છે અને તેની શરીર પર ગંભીર અસરો થાય છે. 

કસરત નહીં કરવી 
જો તમે વ્યાયામ નથી કરતા તો ત્રીસ વર્ષની ઉંમર બાદ ઘણી બીમારીઓ આવી શકે છે. નિયમિત વ્યાયામ કરવાથી હાઈ બ્લડપ્રેશર અને હૃદય સબંધી રોગોથી પણ બચી શકાય છે. ફિઝિકલ એક્ટિવિટીથી એન્ડોર્ફિન નીકળે છે, જેનાથી સ્ટ્રેસ, એંગઝાઈટી અને ડિપ્રેશનનું જોખમ નહિવત રહે છે. 

દૈનિક હલનચલનથી તમારી યાદશક્તિ પણ સારી રહે છે. શીખવાની ક્ષમતામાં વધારો થાય છે અને ઉંમર વધવાની સાથે વિચારવાની ક્ષમતા પણ ઝડપી બને છે. એકટિવ રહેવાથી તમને ઝડપી અને ગાઢ ઊંઘ પણ આવે છે, અને સવારે ઉઠ્યા બાદ તમે ઊર્જાવાન મહેસુસ કરો છો. કસરતથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે. લોહીનું દબાણ ઓછું થાય છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. 

વ્યસનની કુટેવ 
સિગારેટ અને દારૂનું વ્યસન તમારા શરીરને અંદરથી રોગોનું ઘર બનાવે છે. જો કે શરૂઆતમાં આનો ખ્યાલ આવતો નથી પણ આ કુટેવના કારણે ફેફસા અને લિવરનું કેન્સર જેવી જાનલેવા બીમારીઓ થઈ શકે છે. તમાકુમાં ટાર અને કાર્બન મોનોકસાઇડ જેવા તત્વો કેન્સરનું કારણ બને છે. સ્મોકિંગથી ફેફસાને સીધું નુક્શાન થાય છે. જેના કારણે બ્રોન્કાઈટીસ અને સીઓપીડી જેવા રોગો થાય છે. 

રોગોથી બચવા શું કરવું 
આવા જીવલેણ ગંભીર રોગોથી બચવા માટે ખાનપાન પર ધ્યાન આપવું જોઈએ. સુવાનો અને ઉઠવાનો યોગ્ય સમય નક્કી કરવો જોઈએ. મોડી રાતે ભોજન ટાળવું જોઈએ. રોજ એક કલાક વ્યાયામ પણ જરૂરી છે. માનસિક તણાવ ન લેવો જોઈએ. રોજ યોગ અને ધ્યાન કરવું જોઈએ.