Fri Jun 19 2026

Logo

પાકિસ્તાનમાં ગુરુદ્વારામાં શીખ દંપતીની ક્રૂર હત્યા, પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ

Islamabad   2026-06-19 11:29:00
Author: Vimal Prajapati
Article Image

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મર્દન જિલ્લાના એક ગુરુદ્વારામાં વડીલ શીખ દંપતીની ગોળી મારીને કરાયેલી નિર્મમ હત્યાના મામલામાં ત્યાંની પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ચકચારી ડબલ મર્ડર કેસના મુખ્ય શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના બુધવારે ઘટી હતી, જેના પગલે ભારતમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે શીખ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ગુરુદ્વારાના સેવાદાર હતા વડીલ દંપતી

મૃતક વડીલ દંપતીની ઓળખ જગન્નાથ અને તેમની પત્ની અસ્મા વંતી તરીકે થઈ છે. આ બંને પેશાવરથી આશરે 60 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમમાં આવેલા મર્દન જિલ્લાના બાબુ મોહલ્લા સ્થિત ગુરુદ્વારામાં સેવાદાર તરીકે રહેતા હતા અને ત્યાંની દેખરેખ રાખતા હતા. બુધવારના રોજ ગુરુદ્વારા પરિસરની અંદર જ તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

મરદાન ડિસ્ટ્રિક્ટ પોલીસ ઓફિસર મસૂદ અહેમદ બંગશે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ધરપકડની પુષ્ટિ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય શંકાસ્પદ આરોપીની ઓળખ શેર શાહ તરીકે થઈ છે, જે અમજુગરી વિસ્તારનો રહેવાસી છે. ગુનાને અંજામ આપ્યા બાદ તે ફરાર હતો, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી લીધો છે.

કોઈ આતંકી સંગઠન સાથે કનેક્શન નહીં: પોલીસ

પોલીસ અધિકારી બંગશે વધુમાં જણાવ્યું કે આ મામલાની તપાસ માટે કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની એક જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. અત્યાર સુધીની સંયુક્ત તપાસમાં શંકાસ્પદ આરોપી શેર શાહના કોઈ પ્રતિબંધિત સંગઠન, આતંકવાદી જૂથ કે કોઈ મોટા ઓર્ગેનાઈઝ્ડ નેટવર્ક સાથે જોડાયેલા હોવાના પુરાવા મળ્યા નથી. જો કે, આ હત્યા કરવા પાછળનો અસલી હેતુ શું હતો તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ અત્યારે આરોપીના નિવેદનો અને ઘટનાસ્થળેથી એકત્ર કરાયેલા અન્ય પુરાવાઓના આધારે તમામ સંભવિત પાસાઓથી તપાસ ચલાવી રહી છે.