નાગપુર: ચંદ્રપુર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની હતી. ચંદ્રપુર જિલ્લામાં દૂર દૂર સુધી કોઈ માર્ગ પરિવહનની વ્યવસ્થા નહીં હોવાથી એક ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હતું. ગામ સુધી પહોંચવામાં પાક્કો રસ્તો નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી નહોતી. તેવા સમયે બાળકને જન્મ આપ્યા બાદ 25 વર્ષીય સંગીતા ગેડામનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
આ ઘટનાને પગલે ફરી એક વાર ગામને પાકા રસ્તાથી જોડવાની માંગ કરવામાં આવી હતી. સ્થાનિકોનો આરોપ છે કે ગામમાં ડાયરેક્ટ માર્ગ નહીં હોવાથી બાળકની માતાને સમયસર સારવાર મળી નહોતી. એટલે જ બાળકના જન્મ બાદ તેનું મૃત્યુ થયું હતું. નાગપુરથી ચંદ્રપુરનું અંતર આશરે 150 કિલોમીટર જેટલું છે.
મળતી વિગતો મુજબ આ ઘટના જીવતી તાલુકાના ઘોદાનખાપ્પી ગામમાં બની હતી. આ ગામની પચીસ વર્ષીય સંગીત તુલસીરામ ગેડામને 14 જૂનના પ્રસુતિ પીડા શરૂ થઈ હતી. ત્યાર પછી ગ્રામવાસીઓએ તેને હોસ્પિટલ લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. પણ યોગ્ય માર્ગ પરિવહન વ્યવસ્થાના અભાવથી એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી. અમુક મહિલાઓ દ્વારા ગર્ભવતી મહિલાની સારવાર માટે પહાડી રસ્તેથી પગપાળા લઇ જવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. બાદમાં અસહ્ય પ્રસુતિ પીડાના કારણે તેઓને ઘરે પરત ફરવું પડ્યું હતું. ત્યાર બાદ સંગીતાએ પોતાના ઘરે જ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.
સંગીતાને પ્રસુતિના થોડા સમય બાદ જ વધુ બ્લિડિંગ થતા તેની તબિયત લથડી હતી. આરોગ્ય વિભાગની એક ટીમે તાત્કાલિક ગામમાં પહોંચીને સંગીતાની સારવાર શરૂ કરી હતી, પણ બાદમાં ડોક્ટરોએ તેની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાનો નિર્દેશ કરતા તેને એક માલવાહક વાહનમાં શંકરપથ્થર વિસ્તાર સુધી લઈ જવામાં આવી, જયાં એમ્બ્યુલન્સની રાહ જોઈ રહી હતી, પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ થયું હતું.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર મહિલા આઠ મહિનાની ગર્ભવતી હતી. તે નિયમિત આરોગ્યની તપાસ પણ કરાવી રહી હતી. સંગીતાની હાલતની જાણકારી મળતા જ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સારવાર અર્થે દોડી હતી. આખરે અથાગ પ્રયત્નો બાદ પણ મહિલા સમયસર હોસ્પિટલ નહીં પહોંચતા મૃત્યુ પામી હતી.