સોશિયલ મીડિયા એ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માધ્યમ બની ગયું છે અને છેલ્લાં કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 30મી જૂનથી દેશમાં કાગળની નોટો બંધ કરવા જઈ રહી છે અને તેની જગ્યાએ હવે ભારતમાં પ્લાસ્ટિકની નોટો ચલણમાં આવશે એવો મેસેજ ફરી રહ્યો છે. આને કારણે સામાન્ય જનતા અને યુઝર્સમાં ભારે મૂંઝવણ અને ફફડાટ ફેલાયો છે. ચાલો જોઈએ શું છે આ મેસેજ પાછળનું સત્ય અને આરબીઆઈએ આ બાબતે શું સ્પષ્ટતા કરી છે એ...
વાત જાણે એમ છે કે દરરોજ સોશિયલ મીડિયા પર જાતજાતની અફવાઓ અને સમાચારો વાંચવા મળતાં હોય છે. આવા જ એક વાઈરલ થઈ રહેલાં મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી 30મી જૂનથી કાગળની નોટો પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે અને એને બદલે પ્લાસ્ટિક કરન્સી તેની જગ્યા લેશે. આ સમાચાર વાઈરલ થતાં જ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોને વર્ષ 2016ના ડિમોનેટાઈઝેશનના દિવસો યાદ આવી ગયા હતા. જોકે, આ પોસ્ટ વાઈરલ થયા બાદ હવે સરકાર તરફથી આ અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે.
સરકારની સત્તાવાર એજન્સી પીઆઈબીએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર આ વાઈરલ વીડિયો અને અહેવાલ શેર કરીને તેને સંપૂર્ણપણે ફેક ગણાવ્યો છે. આ વીડિયોની સચ્ચાઈ સામે લાવતા એજન્સીએ લખ્યું હતું કે, આ દાવો તદ્દન ખોટો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, 30મી જૂન 2026 સુધીમાં કાગળની નોટો હટાવવાની કે તેની જગ્યાએ પ્લાસ્ટિકની નોટો લાવવાની આવી કોઈ યોજના નથી.
પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા નાગરિકોને આ પ્રકારની કોઈપણ ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. વધુમાં એજન્સીએ એવું પણ જણાવ્યું હતું કે, સાચી અને સચોટ માહિતી માટે હંમેશા આરબીઆઈની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો. કોઈપણ માહિતી શેર કરતા પહેલા હંમેશા સત્તાવાર સ્ત્રોતો પાસેથી તેની પુષ્ટિ કરો. ભારત સરકાર સાથે સંબંધિત કોઈપણ શંકાસ્પદ માહિતીની તપાસ માટે પીઆઈબી ફેક્ટ ચેકનો સંપર્ક કરો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.