આજના સોશિયલ મીડિયાના જમાનામાં દરેક વ્યક્તિ સુંદર અને પરફેક્ટ દેખાવા માંગે છે. સોશિયલ મીડિયાના વધારે પડતાં વપરાશને કારણે આ વિચારસરણીને વધતી જ અને દ્રઢ થતી જાય છે. હવે લોકો માત્ર પોતાના કપડાં કે મેકઅપ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ક્યાં ફરવા જવું, કયા કૅફેમાં બેસવું, જિમમાં કસરત કરવી કે પછી પોતાના નવરાશના સમયને પણ સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરવા લાગ્યા છે. પરિણામે, જેને આપણે વિશ્રામ કે આરામની ક્ષણો કહીએ છીએ, તે પણ હવે એક કોમ્પિટિશનનો ભાગ બની ગઈ છે.
સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ અને સરખામણીની ટેવ
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકો પોતાની દરેક નાની-મોટી પ્રવૃત્તિઓ શેર કરે છે. આ પોસ્ટ્સ જોઈને ઘણા લોકો પોતાની વાસ્તવિક જિંદગીની સરખામણી બીજાની 'રીલ લાઈફ' સાથે કરવા લાગે છે. આ સરખામણીના કારણે તેમને એવું લાગવા માંડે છે કે તેમની પોતાની લાઈફ અન્ય લોકો જેટલી ઉત્સાહજનક કે રસપ્રદ નથી.
દર મિનિટે પરફેક્ટ દેખાવવાનું પ્રેશર
આજે સ્થિતિ એ છે કે ઘણા લોકો ફોટો પાડ્યા વગર ખાવાનું પણ નથી ખાતા! ફરવા જાય ત્યારે પણ કુદરતી સૌંદર્ય માણવાને બદલે પહેલાં બેસ્ટ એંગલથી તસવીરો ખેંચવામાં મશગૂલ થઈ જાય છે. સારા કપડાં, મોંઘા કૅફે, બ્રાન્ડેડ વસ્તુઓ અને લક્ઝુરિયસ લોકેશન્સ હવે માત્ર આનંદ માટે નથી રહ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર બતાવવાનું એક માધ્યમ બની ગયા છે. આ મનોવૃત્તિથી દરેક સમયે સોશિયલ મીડિયા પર પરફેક્ટ દેખાવાનું અસહ્ય દબાણ સતત વધતું જાય છે.
નવરાશની ક્ષણો પણ પહેલાં જેવી ન રહી!
અગાઉના સમયમાં લોકો નવરાશના સમયમાં પરિવાર અને મિત્રો સાથે બેસીને વાતો કરતા, પુસ્તકો વાંચતા કે શાંતિથી આરામ કરતા હતા. પરંતુ હવે લોકો એ વિચારવામાં સમય બગાડે છે કે એવું શું કરીએ જે સોશિયલ મીડિયા પર 'પોસ્ટ' કરી શકાય! આ ચક્કરમાં મનને શાંતિ આપવાનો સમય પણ માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે.
માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર
વારંવાર પોતાની સરખામણી બીજા સાથે કરવાની ટેવ વ્યક્તિના આત્મવિશ્વાસને ડામાડોળ કરી શકે છે. તેનાથી તણાવ, ચિંતા અને એકલતાનો અહેસાસ વધવા લાગે છે. તેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરવો અને પોતાની વાસ્તવિક જિંદગી પર ધ્યાન આપવું અત્યંત જરૂરી બન્યું છે.
જીવનમાં સંતુલન કેવી રીતે જાળવવું?
દરેક ક્ષણ શેર કરવી જરૂરી નથી: કેટલીક પળોને ફોટો કે વીડિયો લીધા વગર માત્ર અનુભવીને પણ માણી શકાય છે.
ડિજિટલ ડિટોક્સ: પોતાના માટે વિશિષ્ટ સમય ફાળવો, પરિવાર અને જૂના મિત્રો સાથે સામસામે બેસીને મુક્તપણે વાતો કરો.
અસલી ખુશી પસંદ કરો: જે કામ કરવાથી તમને અંદરથી સાચો આનંદ મળે, તેમાં સમય વિતાવો.
યાદ રાખો આ મહત્વની વાત!
સારા દેખાવું કે સારું જીવન જીવવું એ ખોટું નથી, પરંતુ માત્ર બીજાને બતાવવા માટે જીવવું એ તદ્દન ખોટું છે. અસલી ખુશી સોશિયલ મીડિયાના લાઈક્સ અને કમેન્ટ્સમાં નથી હોતી, પરંતુ એ ક્ષણોમાં હોય છે જેને તમે કોઈ પણ દેખાડા વગર મુક્તપણે જીવો છો. સોશિયલ મીડિયાનો ઉપયોગ ચોક્કસ કરો, પણ તેને તમારી જિંદગી અને માનસિક શાંતિ પર હાવી ન થવા દો!