Mon Jul 27 2026

Logo

સુરતમાં B.Comની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત,પરિવારે શું કર્યો આક્ષેપ?

2026-07-27 09:07:00
Author: Mumbai Samachar Team
Article Image

સુરતઃ સુરતના પાલ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં રહેતી અને એસ.ડી. જૈન કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી કાજલ યાદવે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કાનના ઓપરેશનના ડરથી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ પરિવારજનોએ વોટ્સએપ પર બ્લેકમેલિંગ અને ધમકી મળતી હોવાનો ગંભીર આક્ષેપ કરતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે.

ઝારખંડના વતની રામલખન યાદવ પરિવાર સાથે પાલ બાગબાન સર્કલ પાસે સુમન મુદ્રા એસએમસી આવાસમાં રહે છે. ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રામલખનને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. દરમિયાન શનિવારે સાંજે રામલખનની કાજલકુમારી (ઉં.વ.20) નામની પુત્રીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. એસ. ડી. જૈન કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી કાજલકુમારીના અણધાર્યા પગલાથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. મૃતક કાજલકુમારીના કાકા મહાવીર યાદવે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કાજલકુમારીને એક યુવક ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. મોબાઈલ ફોન પર મેસેજ કરી પરેશાન કરતા આ યુવકના ત્રાસથી કંટાળી જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું. 
માતાનો ફોન આવતા ઘટના પ્રકાશમાં આવી


ગત રાત્રે વતનમાં રહેતી કાજલની માતાનો ફોન તેના ભત્રીજા દિવાકર પર આવ્યો હતો. દિવાકર કાજલને ફોન આપવા માટે તેના રૂમમાં ગયો ત્યારે કાજલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પરિવારે તાત્કાલિક 108ને જાણ કરી હતી, પરંતુ ઈએમટીએ તેને મૃત જાહેર કરી હતી.
એક પરિચિત યુવકે કાજલકુમારીને પરેશાન કરનારા યુવક સાથેની ચેટિંગના સ્ક્રિનશોટ પણ તેમને આપ્યા છે. 

વોટ્સએપ ચેટમાં બ્લેકમેલિંગ અને ધમકીનો કાકાનો ખુલાસો

મૃતક કાજલના કાકા મહાવીર યાદવે આત્મહત્યા પાછળ સાયબર બ્લેકમેલિંગ જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, તેમના પુત્ર દિવાકરના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી કેટલાક સ્ક્રીનશોટ આવ્યા હતા. અજાણ્યા શખ્સે કાજલનો નંબર અને ફેક આઈડી બનાવી તેના પર્સનલ ડેટા લીક કરવાની ધમકી આપી હતી. વિનંતી કરવા છતાં ધમકી આપનારે કહ્યું હતું કે, મને સીધી છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે, હું તેને ભણવા પણ નહીં દઉં. કાજલ પછી તેના ભાઈનો નંબર લીક કરી નાખીશ.

મોબાઈલ જપ્ત, સાયબર એંગલથી વધુ તપાસ શરૂ

પાલ પોલીસે યુવતીનો મોબાઈલ ફોન કબ્જે લીધો છે અને પરિવારના આક્ષેપો બાદ વોટ્સએપ ચેટ અને સ્ક્રીનશોટના આધારે સાયબર સેલની મદદથી તપાસ લંબાવી છે. પોલીસે જણાવ્યું છે કે પરિવારના વિગતવાર નિવેદન નોંધવામાં આવશે અને ફોરેન્સિક તપાસ બાદ જ આત્મહત્યાનું સાચું કારણ સ્પષ્ટ થશે.