Mon Jul 27 2026

Logo

માનસ મંથન: ગુરુના વાક્ય- સૂત્રો ને એમણે આપેલ વિચારોનું આચરણ કરવું એ જ ગુરુપૂજા છે

2026-07-27 09:44:00
Author: Morari Bapu
Article Image

 મોરારિબાપુ


बंदऊ गुरु पद पदुम परागा|
सुरुचि सुबास सरस अनुरागा॥

‘રામચરિત માનસ’ની શરૂઆતમાં ગોસ્વામીજીએ ગુરુવંદના દ્વારા ગુરુમૂર્તિનું નિર્માણ કર્યું છે. ગુરુમૂર્તિનો અહીંયા અર્થ થાય છે ગુરુ- નરરૂપ હરિ. આ એક પૂર્ણમૂર્તિનું રૂપ છે. સાધક માટે એનો ગુરુ નર રૂપમાં હોય કે પછી કોઈપણ રૂપમાં હોય, એ એના માટે સ્વયં હરિ છે. જે સાધકની જે ગુરુમાં નિષ્ઠા હોય એના માટે તો એ ભગવાન જ છે. ગુરુ, કોઈ પણ સાચો ગુરુ પોતાને ભગવાન નહીં કહેવડાવે. કારણ કે એ જાણે છે કે બધાનો ભગવાન તો ઉપરવાળો જ છે, પરંતુ આપણી નિષ્ઠા હોય છે તેથી આપણો ગુરુ આપણા માટે હરિ હોય છે. એથી સંતોએ કહ્યું છે કે મનુષ્યમાં ગુરુબુદ્ધિ રાખવી, ગુરુભાવ રાખવો તે યોગ્ય નથી. 

એ પછી આગળ ગોસ્વામીની ગુરુના ચરણ કમળની વંદના કરે છે. આમાં પણ એક અર્થમાં ગુરુની વ્યાખ્યા કરી શકાય છે. ગુરુ કેવો હોય ? આપણી સાથે સાથે ચાલે, તેમ છતાં પસંદ રહે છે. સંગનો અર્થ થાય છે આસક્તિ. ગુરુ ચાલે છે આપણી સાથે, પરંતુ તે આપણા તરફ આસક્ત નથી થતાં. તે આપણું ધ્યાન રાખે છે, પરંતુ ખુદ બેધ્યાન નથી હોતા. આપણો નિર્વાહ કરે છે પરંતુ બહુ જ સાવધાનીથી ચાલે છે, જેના ચરણ કમળ જેવા છે. પાણીમાં રહેવા છતાં જે અસંગ રહે છે, બધાથી દૂર રહે છે એ ગુરુ છે.

આગળ ગોસ્વામીજીએ ગુરુના ચરણની પરાગ રજની વંદના કરી છે. ગુરુપદનો અર્થ વેદાંતમાં થાય છે કે પદવાક્યને પ્રમાણ માનવું જોઈએ. પદનો અર્થ થાય છે એમની પદાવલી. જે ક્યારેક એમના વાક્યનાં રૂપમાં હોય, કોઈ શ્ર્લોકના રૂપમાં હોય કે કોઈ મંત્રના રૂપમાં હોય. ગુરુના મુખે નીકળેલા વાક્યો, પદાવલીને પણ ગુરુપદ માની શકાય છે. આપણે ગુરુની ચરણ સેવા કરીએ એ ઠીક છે. સૌના ચરણની સેવા કરો, પૂજા કરો, વંદન કરો એ સારી વાત છે, પરંતુ પદનો મતલબ છે, ગુરુપદનો મતલબ છે એમના આદેશનું પાલન કરો. કારણ કે ગુરુના વાક્યો, સૂત્રો, એમણે આપેલ મંત્રનું આચરણ કરવું એ જ સાચી ગુરુ પૂજા છે.

આપણે ગુરુના ચરણ પૂજીએ પરંતુ એમની એક પણ વાત ન માનીએ તો ? ગુરુને જ્યારે ખબર પડે કે લોકો મારા પગ પૂજે છે, પરંતુ મારો આદેશ નથી માનતા ત્યારે એમના દિલને કેટલી મોટી ઠેસ પહોંચે છે ! આપણે ગુરુની પૂજા કરીએ છીએ, નામ પણ દઈએ છીએ કે અમે તો ફલાણાના શિષ્ય છીએ, પરંતુ પાછી લુચ્ચાઈ પણ કરીએ છીએ, આપણી જડતા છોડતા નથી, અંદરથી છળ કરીએ છીએ, ચાલાકી કરીએ છીએ, હોશિયારી કરીએ છીએ. તો તમે વિચારો કે એવી વખતે ગુરુની શું સ્થિતિ થતી હશે ! ગુરુપદની પૂજાનો અર્થ છે એમની પદાવલી એટલે કે એમના વાક્યો, મંત્રો, વિચારોને સુરક્ષિત રાખીએ. એમના આદેશનું યોગ્ય રીતે પાલન કરીએ.

એક નગરમાં રાજા દરબાર ભરીને બેઠા હતા. રાજાની સભા પણ ઉપસ્થિત હતી. મેં આ કહાની સુફી કથાઓમાં સાંભળી છે. રાજાની સભામાં, દરબારમાં ઘણા બધા વિદ્વાનો અને પંડિતો બેઠા હતા. સભાની વચમાં એક ટેબલ હતું અને તેના પર એક અત્યંત મૂલ્યવાન ને કીમતી એવું મોતી રાખવામાં આવ્યું હતું. રાજાએ એક ઝવેરીને બોલાવ્યા અને કહ્યું કે ‘ભાઈસાહેબ, આ મોતી ને જોઈ જરાક તેની કિંમત બતાવશો?’ એ પારખું વિદ્વાન આવે છે, મોતીનું નિરીક્ષણ કરે છે અને કહે છે કે ‘રાજન, આ મોતીની કિંમત એક લાખ રૂપિયા છે.’

રાજાએ કહ્યું, ‘ધન્યવાદ.’ રાજાએ કહ્યું કે ‘મારી ઈચ્છા છે, મારો આદેશ છે તે તમે મોતીને તોડી નાખો !’ ત્યારે પહેલા ઝવેરીએ કહ્યું કે ‘જે  મોતીની મેં એક લાખ રૂપિયા કિંમત કરી તેને હું કેવી રીતે તોડી શકું ? મને માફ કરશો.’ કહી ઝવેરી બેસી જાય છે. રાજાએ બીજા એકને ઊભા કર્યા અને કહ્યું, ‘આપ આની કિંમત બતાવો.’ બીજા ઝવેરીએ કહ્યું કે ‘મારી સમજણ પ્રમાણે આ મોતીની કિંમત 10 લાખ રૂપિયા છે !’ રાજાએ કહ્યું ‘ધન્યવાદ. લો આ પથ્થર અને તોડી નાખો આ  મોતીને.’ એ ઝવેરીએ કહ્યું કે ‘મહારાજ, જે મોતીનું હું મૂલ્ય કરું, એને હું તોડી ન શકું, માટે મને માફ કરશો.’ એ પછી રાજાએ એક ત્રીજા પારખુને ઊભા કર્યા. પૂછ્યું કે ‘તમે આની કિંમત શું આંકો છો ?’ તેણે કહ્યું કે ‘હું આ મોતીનું મૂલ્ય એક કરોડ રૂપિયા લગાવું છું.’

રાજાએ એનો આભાર માની કહ્યું કે ‘આ મોતી તોડી નાખો.’ તેણે પણ એ જ જવાબ આપ્યો કે ‘હું આ મોતીને નહીં તોડી શકું.’ એ પછી એક માણસ બહારથી આવ્યો. રાજાએ એને પણ પૂછ્યું. તે વ્યક્તિએ કહ્યું કે ‘આપણા રાજ્યની જેટલી સંપત્તિ છે એ તમે મને આપી દો તો પણ આ મોતીનું મૂલ્ય નહીં થાય. બહુ જ કીમતી મોતી છે.’ રાજાએ કહ્યું ‘સારી વાત છે પરંતુ તમે આ મોતીને તોડી નાખો.’ એ વ્યક્તિએ કહ્યું ‘માફ કરશો, પણ હું આ મોતી તોડીશ નહીં.’ 

આમ વાત ચાલતી હતી એ દરમિયાન કોઈ મર્મજ્ઞ એવા સાધુ આવ્યા. રાજાએ એ સાધુને પૂછ્યું કે ‘આપ પણ મોતીને પરખનારા છો. આપની દ્રષ્ટિએ આ મોતીની શું કિંમત હોઈ શકે?’ એ સાધુએ કહ્યું કે ‘દુનિયામાં જેટલાં રાજ્ય છે, તેની સંપત્તિ ત્રાજવામાં એક તરફ રાખો, અને બીજી તરફ આ મોતી રાખો તો પણ આ મોતીની તુલના થઈ શકે તેમ નથી, એટલું બધું મૂલ્યવાન છે.’ રાજા ખૂબ ખુશ થયા અને તેમનો આભાર માન્યો. રાજાએ કહ્યું કે ‘આપે તો આ મોતીની અંતિમ કિંમત બતાવી દીધી છે.

તમે આને તોડી નાખો. એ જ વખતે હાથમાં પથ્થર લઈ અને તે સાધુએ મોતીને તોડી નાખ્યું !’ દરબારમાં સન્નાટો છવાઈ ગયો ! આટલું કીમતી મોતી અને સાધુએ તેને તોડી નાખ્યું ? એક લાખથી જેની શરૂઆત થઈ હતી અને આટલી ભારેખમ જેની કિંમત થઈ એ મોતી તોડી નાખ્યું?  ત્યારે સાધુએ કહ્યું કે ‘મારા માટે મોતી કરતાં આપના વચનોની કિંમત વધારે છે! આપના હુકમની કિંમત વધારે છે.’ સાચો શિષ્ય એ છે કે જેના મનમાં ગુરુના વાક્યો, ગુરુના સૂત્ર અને ગુરુના વિચારોની મહિમા છે. 

ગુરુએ આદેશ આપ્યો, વાત ખતમ.

(સંકલન: જયદેવ માંકડ)