Sun Jun 14 2026

Logo

લાખોનો પગાર પણ ટૂંકો પડે છે! અમેરિકામાં પણ 'શહેરની કમાણી શહેરમાં સમાણી' જેવી સ્થિતિ; જુઓ Video

WASINTON DC   2026-06-14 17:27:55
Author: Devayat Khatana
Article Image

ગુજરાતીઓમાં વર્ષોથી સાત સમુંદર પાર અમેરિકા જઈને વસવાનું એક અનોખું ઘેલું જોવા મળે છે. ભારતમાં સામાન્ય રીતે લોકો એવું જ વિચારતા હોય છે કે અમેરિકામાં ડૉલરમાં કમાણી થતી હોવાથી ત્યાં રહેતા લોકોની જિંદગી વૈભવશાળી અને ખૂબ જ આરામદાયક હોય છે. જો કે, ગુજરાતી ભાષામાં એક બહુ જાણીતી કહેવત છે કે, "શહેરની કમાણી શહેરમાં સમાણી" એટલે કે જ્યાં કમાણી વધુ હોય ત્યાં સામે ખર્ચ પણ એટલો જ મોટો હોય છે. આ કહેવતને સાચી સાબિત કરતો એક કિસ્સો અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી ભારતીય મહિલા મનીષા ચૌધરીએ સોશિયલ મીડિયા દ્વારા સામે લાવ્યો છે, જેમણે ડૉલરની કમાણી પાછળની વાસ્તવિકતાનો એક અલગ જ નજરીયો રજૂ કર્યો છે.

મનીષા ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે અમેરિકાનો જે સુંદર ‘બે એરિયા’ જોવામાં જેટલો આકર્ષક લાગે છે, ત્યાં રહેવું એટલું જ મોંઘું છે. તેમના જણાવ્યા અનુસાર, બે એરિયામાં એક સામાન્ય ઘરનું માસિક ભાડું જ 3,500 થી 4,500 ડૉલર (અંદાજે 3 લાખથી 3.9 લાખ રૂપિયા) થી શરૂ થાય છે. એટલે કે વ્યક્તિની આવકનો એક બહુ મોટો હિસ્સો તો માત્ર ઘરનું ભાડું ચૂકવવામાં જ વપરાઈ જાય છે.

આ સિવાય રોજબરોજના રાશન (ગ્રોસરી) પાછળ જ મહિને 800 થી 1,200 ડૉલર (આશરે 68 હજારથી 1.03 લાખ રૂપિયા) નો ખર્ચ થાય છે, અને જો ઘરમાં નાનું બાળક હોય તો ડાયપર, દૂધ અને રમકડાંનો નવો જ તોતિંગ બજેટ ઉમેરાઈ જાય છે.

અમેરિકામાં કાર રાખવી એ મોજશોખ નહીં પણ એક જરૂરિયાત છે, પરંતુ તેની પાછળના ખર્ચ પણ સામાન્ય માણસની કમર તોડી નાખે તેવા છે. કારની EMI, ઇન્સ્યોરન્સ, પેટ્રોલ અને મેઇન્ટેનન્સ મળીને દર મહિને એક મોટી રકમ ખર્ચાઈ જાય છે. મનીષા કહે છે કે આ જ કારણ છે કે અમેરિકાના આ પોશ વિસ્તારમાં ખૂબ જ તગડો પગાર મેળવતા લોકો પણ અંધાધૂંધ ખર્ચ કરવાને બદલે દર મહિને પ્રોપર બજેટ બનાવીને જીવે છે. જો કે, આટલી મોંઘવારી હોવા છતાં કેલિફોર્નિયા તેના વાતાવરણ અને સુંદરતાને કારણે અમેરિકામાં રહેવા માટેની શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક ગણાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ નેટીઝન્સમાં મોટી ચર્ચા છેડાઈ છે. લોકો કમેન્ટ કરીને કહી રહ્યા છે કે ભારતમાંથી જ્યારે આપણે ડૉલરની કમાણી જોઈએ છીએ ત્યારે બધું ખૂબ સારું લાગે છે, પણ જ્યારે ભાડાં અને બાળકોના ઉછેરનો ખર્ચ સામે આવે ત્યારે પરસેવો છૂટી જાય છે.

આ સ્ટોરી તે દરેક વ્યક્તિની આંખો ખોલનારી છે જેઓ માત્ર મોટી સેલરી જોઈને વિદેશ દોડી જવા માંગે છે. વિદેશ જવાનો નિર્ણય લેતા પહેલાં ત્યાંના હાઈ લિવિંગ કોસ્ટ અને ફાયનાન્સિયલ પ્લાનિંગને સમજવું એટલું જ જરૂરી છે, નહિતર વિદેશની ધરતી પર પણ પરિસ્થિતિ 'શહેરની કમાણી શહેરમાં સમાણી' જેવી જ થઈને રહી જાય છે.

વધુ જુઓ...