Wed Jun 24 2026

Logo

અયોધ્યા રામ મંદિરમાં કરોડોના દાનની ચોરી? SIT રિપોર્ટમાં ચંપત રાયની ભૂમિકા શંકાના દાયરામાં

2026-06-24 17:20:02
Author: mumbai samachar team
Article Image

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશમાં આવેલા આસ્થના કેન્દ્ર સમા રામ મંદિરમાં આવતા દાનની ચોરી થયાનો ઘટસ્ફોટ થયા બાદ FIR વગર જ SITને તપાસ સોંપી દેવામાં આવી છે. આસ્થાના નામે દિમાગથી અસુરી તત્ત્વોએ વહેતી આવતી લક્ષ્મીગંગામાં ભેદી ભોંયરૂ બનાવીને પોતાના પાપ ધોયા છે. મંદિરમાં દાન રૂપે આવેલું સોનું, ચાંદી અને જરૂરી એવા દાગીના અત્યાર સુધીમાં કેટલા આવ્યા અને એમાંથી કેટલા ચોરાયા એનો ચોક્કસ આંકડો જાહેર થયો નથી. હવે આ કેસમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ 15 પાનાનો રિપોર્ટ જમા કરી દાવી દીધો છે, સમગ્ર કેસમાં ચંપત રાયની ભૂમિકા શંકાના રડારમાં છે. દસ કરોડ રૂપિયા સિક્યોરિટી પાછળ ખર્ચી નાંખ્યા બાદ પણ ચોરી થાય એટલે સિક્યોરિટી કોની અને ક્યાં છે એના પર સવાલ ઊભા થયા છે. બેંકના અધિકારીઓ અહીંયા મંદિરના દાનનો હિસાબ રાખે છે. 

ગડબડ છે નક્કી થયું પણ શું થઈ? એ પકડાતું નથી!
મંદિર ટ્રસ્ટના બેંક ખાતા અને પૂછપરછ પરથી ખ્યાલ આવ્યો કે, દર મહિને 25 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હતા. પણ મહાકુંભ દરમિયાન એક જ મહિનામાં એક કરોડથી વધારે શ્રદ્ધાળુઓ અયોધ્યા દર્શન માટે આવ્યા હતા.તપાસમાંથી એ વાત જાણવા મળી હતી કે, આ દાનમાં માત્ર રોકડ જ મળતી ન હતી. સોનું, ચાંદી, આભૂષણ અને કેટલીક મહત્ત્વની ધાતુ પણ અર્પણ કરવામાં આવતી હતી. હવે હકીકત એ છે કે, આ પ્રકારના દાનના ન તો કોઈ પુરાવા છે ન કોઈ એવી ઠોસ સાબિતી.રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ છે કે, બેંક સ્ટેટમેન્ટ અને શ્રદ્ધાળુઓની સંખ્યા જોઈને કંઈક તો ગડબડ છે. જુદા જુદા દ્રષ્ટિકોણથી તપાસ કર્યા બાદ SITએ પ્રાથમિક રિપોર્ટ જમા કરાવી દીધો છે, જેમાં અનેક ગડબડ થઈ હોવાની વાત સામે આવી છે. ક્યા માધ્યમથી આ દાન મળ્યું એનો પણ અહીંયા ઉલ્લેખ છે. હુંડી, ઓનલાઈન પેમેન્ટ, કેશ સહિતની કેટેગરીની તપાસ કરવામાં આવી હતી. 

આદેશ વગર કોણ દાન ગણી ગયું?
મંદિરના બેંક ખાતા અને કેટલાક અધિકારીઓની પૂછપરછમાંથી એ વાત સામે આવી કે,સરરેશા દર મહિને 25 લાખ ભાવિકો રામ મંદિરમાં દર્શન કરવા માટે આવતા હતા.  દૈનિક ધોરણે કોઈ ભાવિક 15-18 રૂપિયાનું દાન કરે છે તો અન્ય વસ્તુઓ પણ મળી રહે છે. જેમાં અનાજથી લઈને સોના-ચાંદીનો સમાવેશ થાય છે. આ પછી કેટલાક મહિનાઓ એવા પણ જોવા મળ્યા જેમાં શ્રદ્ધાળુઓની સંખ્યા તો વધી પણ દાનની રકમ ઓછી પ્રાપ્ત થઈ હતી.SITએ કરેલી તપાસમાંથી એ વાત જાણવા મળી કે, નોટ ઓછી અને સિક્કાઓ વધારે મળી આવ્યા છે. રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે,રામમંદિરમાં ઘણાય કર્મચારી એવા પણ હતા જેને લેખિતમાં મંદિરમાં દાન રકમને ગણવા માટે કોઈ પ્રકારના આદેશ ન હતા. સમગ્ર રિપોર્ટમાં મંદિર પરિસરમાં ચાલી રહેલી કમિટીની બેદરકારી સામે આવી છે. 

દાનનો સ્ત્રોત કોઈને ખબર નથી
ટ્રસ્ટના મહાસચીવ ચંપત રાય સહિત અનેક એવા પદાધિકારીઓ તથા કર્મચારીઓની ભૂમિકા શંકાના દાયરામાં જોવા મળી છે. આ ઉપરાંત મંદિરમાં કર્મચારીઓની નિયુક્તિમાં પણ ખામી જોવા મળી છે. આ નિયુક્ત કરેલા કર્મચારીની કેટલીક પ્રવૃતિઓ ઉપણ પણ સીટ કમિટીને આશંકા છે. હવે આ રિપોર્ટમાં મંદિર કમિટીને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ એની પણ સલાહ આપવામાં આવી છે. સૌથી મોટી અને ચોંકાવનારી હકીકત એ છે કે, પાંચ વર્ષમાં અનેક એવા કર્મચારીની સંપત્તિમાં રાતોરાત વધારો થયેલો જોવા મળ્યો હતો. 60થી વધારે એવા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. દાન કેટલું આવ્યું અને ક્યા સ્ત્રોત થકી આવ્યું એનો કેટલોક હિસાબ જડતો નથી. દાન માટે રકમ મળી છે પણ એનું કોઈ પ્રમાણ જોવા મળ્યું નથી.સોના-ચાંદીના આભૂષણની કેટલી ચોરી થઈ એ અંગે કોઈ વિગત મળી નથી. પ્રમાણ કે આધારભૂત વિગત ન હોવાથી આખરે કેટલી રકમની ચોરી થઈ જાણી શકાય એમ નથી. 

સણસણતા સવાલનો જવાબ ક્યારે?
ઘણીવાર દાન ગણવા માટે ચોક્કસ પ્રકારના કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી હતી.અઠવાડિયામાં પ્રાથમિક રિપોર્ટ અને 15 દિવસમાં સમગ્ર રિપોર્ટ આપી દેવાની વાત SITએ કરી હતી. આશંકા એવી પણ છે કે, આ કોઈ એક દિવસનો ખેલ નથી. ચોરી માટે અગાઉથી યોજના બનાવી હોવાની ગંધ આવી રહી છે. દાનની રકમ ગણનારાઓના ગણવેશમાં  કોઈ ખિસ્સા નથી, તો પછી કરોડો રૂપિયા ગયા ક્યાં?જ્યારે આ ઘટનામાં ફાઈનલ ફિગર સામે આવશે ત્યારે એક રેકોર્ડ ચોંકાવી દેશે. દેશમાં ઉઘઈની જેમ ફેલાયેલા ભ્રષ્ટાચારમાંથી હવે મંદિર પણ બાકાત નથી.મંદિરનો હવાલો સંભાળતા કેટલાક અધિકારીઓની ભૂમિકા પણ શંકામાં છે. હવે તો રકમ સગેવગે થઈ ગઈ હશે. છેલ્લા આઠ મહિનાના સીસીટીવી ફૂટેજ કોની કૃપાથી ડિલિટ કરી દેવામાં આવ્યા?, જેમનો પગાર જે નક્કી કરવામાં આવ્યો હતો એમી પાસે પાંચ વર્ષમાં કરોડોની સંપત્તિ કેવી રીતે આવે? ક્યાંથી આવી? આ માત્ર સવાલ નથી પણ તપાસની તટસ્થા સામે તીર મારતા મુદ્દાઓ છે જેન જવાબ તપાસ કરનારા અધિકારીઓ જ આપી શકે એમ છે.