અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા દાન-ચઢાવાની ચોરીના મામલાએ દેશભરમાં ચકચાર જગાવી છે. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ માટે રચવામાં આવેલી SIT એ એક્શન મોડમાં આવીને બે દિવસની અંદર કુલ 19 કલાક સુધી મંદિર પરિસરમાં રોકાઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તપાસ ટીમે દાનપાત્રમાંથી પૈસા કાઢવા, તેની થપ્પીઓ બનાવવી અને નોટો ગણવાની સમગ્ર પ્રણાલીને જાતે ચકાસીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે.
મંદિરના કુલ 09 કર્મચારીઓ શંકાના દાયરામાં
બીજી તરફ, સોશિયલ મીડિયા પર ગંભીર આરોપોનો સામનો કરી રહેલા મુખ્ય શંકાસ્પદ રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવે પ્રથમ વખત કેમેરા સામે આવીને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે અને પોતાની જાતને નિર્દોષ ગણાવ્યા છે. SIT એ તપાસના પ્રથમ દિવસે 08 કલાક અને બીજા દિવસે 11 કલાક સુધી મંદિરમાં પૂછપરછ અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
તપાસ દરમિયાન ટીમે આ કડક પગલાં લીધા
ચઢાવા રૂમના સીસીટીવી ફૂટેજનો મોટો ડેટા આશરે 12 જેટલી પેનડ્રાઇવમાં લેવામાં આવ્યો છે, જેનું ડિજિટલ વિશ્લેષણ કરવામાં આવશે. આ સાથે મંદિરના જૂના અને નોકરી છોડી ચૂકેલા કર્મચારીઓનો ડેટા પણ કઢાયો છે, જેમની ટૂંક સમયમાં પૂછપરછ થશે. અત્યાર સુધીની તપાસમાં એવા 9 કર્મચારીઓ મળી આવ્યા છે જેમણે તાજેતરમાં જ અચાનક મોંઘા સ્માર્ટફોન અને કિંમતી વાહનો ખરીદ્યા છે. આ આર્થિક ફેરફારને કારણે તેમના પર શંકા વધુ ઘેરી બની છે. તેની સાથે પણ એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત SIT એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સ્ટાફ પાસેથી પણ તેમની કામગીરી અને કેશ મેનેજમેન્ટની વિગતવાર માહિતી મેળવી છે.
કેમેરા સામે ટિન્નુ યાદવે કેવો ખુલાસો કર્યો?
આ આખા કૌભાંડમાં જેનું નામ સૌથી વધુ ચર્ચામાં છે તેવા 51 વર્ષીય રામશંકર ઉર્ફે ટિન્નુ યાદવે મીડિયા સમક્ષ આવીને સોશિયલ મીડિયા પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે ટિન્નુ યાદવે કહ્યું કે, ‘હું 1993થી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને રામ જન્મભૂમિ ન્યાસ સાથે જોડાયેલો છું. 2019માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ મને કારસેવકપુરમથી મંદિર પરિસરમાં સેવાનું કામ સોંપાયું હતું. મારા પર લાગેલા ચોરીના અને 50 કરોડની સંપત્તિના આરોપો તદ્દન ખોટા છે’. ટિન્નુ યાદવે ખુલાસો કરતા કહ્યું કે, જે મકાનની જમીનનો વિવાદમાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તે જમીન તેમણે 2008માં ખરીદી હતી. એટલું જ નહીં પરંતુ તેમાં 2015-16માં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. તેઓ ઓટો ચલાવીને પણ કમાણી કરે છે, અને તેના કારણે જે આ મકાન બનાવ્યું છે.