Wed Jun 17 2026

Logo

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સીજેઆઈને પત્ર લખી તપાસની માંગ

2026-06-15 12:15:33
Author: Vimal Prajapati
Article Image

અયોધ્યા: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવતા ચઢાવા અને દાનની રકમમાં હેરાફેરી તેમજ ચોરીનો મામલો હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અનૂપ અવસ્થીએ ભારતના મુખ્ય ન્યાયાધીશને એક પત્ર અરજી મોકલીને આ ગંભીર મુદ્દા પર સ્વતઃ સંજ્ઞાન (સુઓમોટો ) લેવાની અપીલ કરી છે.

સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ

પત્ર અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાન અને ચઢાવાની હેરાફેરી સાથે જોડાયેલા આરોપોની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, કરોડો શ્રદ્ધાળુઓનો અતૂટ વિશ્વાસ જાળવી રાખવા માટે આ મામલે તાત્કાલિક કડક કલમો હેઠળ એફઆઈઆર નોંધીને કોર્ટની કસ્ટડીમાં તપાસના આદેશ જારી કરવા ખૂબ જ જરૂરી છે.

અખિલેશ યાદવના આરોપો બાદ રાજકારણ ગરમાયું

અયોધ્યા રામ મંદિરમાં ચંદા અને દાનની ચોરીનો આ મામલો સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ગંભીર આરોપો બાદ ચર્ચામાં આવ્યો હતો. વિપક્ષના પ્રહારો બાદ આ વિવાદે મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. પોલીસ પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી લાખો રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.

બીજેપી નેતા વિનય કટિયારનો મોટો પ્રહાર

રામ મંદિર આંદોલનના અગ્રણી ચહેરો અને ભાજપના વરિષ્ઠ નેતા વિનય કટિયારે પણ આ મામલે પોતાનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતા કટિયારે જણાવ્યું હતું કે, ‘જો રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જ આવી ગેરરીતિઓમાં સામેલ હોવાનું બહાર આવશે, તો આખા મંદિર પ્રોજેક્ટનો મુખ્ય હેતુ જ ખતમ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ આ કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, કારણ કે પીએમ પોતે આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે’.

વિનય કટિયારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર સીધું નિશાન સાધતા વધુમાં કહ્યું કે, ‘ચંપત રાયને પદ પરથી બરખાસ્ત કરવા જ પડશે. મંદિરનો ચઢાવો પોતાના નિવાસસ્થાને લઈ જવો એ એક ગંભીર ગુનો છે અને આ બાબતે તેમણે દેશને જવાબ આપવો જ પડશે’. તેમણે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ કૌભાંડમાં સામેલ તમામ જવાબદાર લોકોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કડક આદેશ આપ્યા છે. જોકે, હજી પણ પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.