Sun Oct 11 2026

Logo

એશિયન ગેમ્સમાં ભારત હજીયે હતાશ, પણ ઍથ્લેટિક્સ-વુશુના સ્પર્ધકોએ નિરાશ નથી કર્યા

Nagoya   2026-09-24 22:35:50
Author: Ajay Motiwala
એશિયન ગેમ્સમાં ભારત હજીયે હતાશ, પણ ઍથ્લેટિક્સ-વુશુના સ્પર્ધકોએ નિરાશ નથી કર્યા

નાગોયાઃ જાપાનમાં ચાલી રહેલી 20મી એશિયન ગેમ્સમાં છ દિવસ થઈ ગયા છતાં ગુરુવાર મોડી સાંજ સુધીમાં ભારત (India)ના કુલ મેડલની સંખ્યા 20 ઉપર પણ નહોતી થઈ અને 17 ચંદ્રકમાં એકમાત્ર ગોલ્ડ મેડલ હતો. સાત સિલ્વર હતા અને નવ બ્રૉન્ઝ હતા. જોકે ઍથ્લેટિક્સમાં અને માર્શલ આર્ટ્સની વુશુ (Wushu)ની રમતમાં સ્પર્ધકોએ ભારતને મેડલ અપાવીને દેશના ખેલકૂદપ્રેમીઓની થોડી હતાશા જરૂર દૂર કરી હતી.

ભારતને આ બળની જરૂર હતી અને હવે ચોથી ઑક્ટોબર સુધી ચાલનારા આ રમતોત્સવમાં ઝડપથી ચંદ્રકો ભારતની ઝોળીમાં આવશે એવી આશા છે અને એમાં હૉકીના ખેલાડીઓ, કબડ્ડીના પ્લેયર્સ તેમ જ અન્ય રમતોમાં ખાસ કરીને મેન્સ ક્રિકેટ ટીમ પાસે ગોલ્ડ મેડલની અપેક્ષા રાખી શકાય.

સતત બીજા દિવસે સ્કીટ શૂટિંગ (હવામાં ઉડાડાતી ચીજોને શૉટગનથી નિશાન બનાવવી)ના સ્પર્ધકોએ ભારતની આબરૂ સાચવી હતી. મિક્સ્ડ ટીમ સ્કીટમાં પારિનાઝ ધાલિવાલ અને અનંતજીત સિંહ નારુકાની જોડીએ ભારતને બ્રૉન્ઝ અપાવ્યો હતો. જોકે મહિલાઓના ટ્રિપલ જમ્પમાં આશા લૅન્ગો જરાક માટે બ્રૉન્ઝ ચૂકી ગઈ હતી. બૉક્સિંગમાં પણ ભારત માટે દિવસ સારો નહોતો અને જિમ્નૅસ્ટિક્સમાં ભારતની એકમાત્ર સ્પર્ધક પ્રણતી નાયક આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક્સની વૉલ્ટ ફાઇનલમાં છઠ્ઠા નંબરે રહી હતી.

ગુરુવારે શેમાં મેડલ મળ્યો? શેમાં મુકાબલા જીત્યા?

(1) માર્શલ આર્ટ્સની રમત વુશુમાં રૉશિબીના દેવી સતત બીજી એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને એકંદરે ત્રીજો મેડલ જીતી.
(2) ઍથ્લેટિક્સમાં મિક્સ્ડ 4 x 400 રિલે ટીમ રેસ ટી. એસ. મનુ, એમ. આર. પૂવમ્મા અને વિશાલ ટી. કે. તથા વિથ્યા રામરાજે ત્રણ મિનિટ 14.46 સેકન્ડમાં પૂરી કરીને સિલ્વર મેડલ જીતી લીધો. મહિલાઓમાં સીમા 10,000 મીટર રેસમાં બ્રૉન્ઝ જીતી હતી.
(3) રૉવિંગ (નૌકા હરીફાઈ)માં ટીમ કૉમ્બિનેશનની ફરિયાદ બાદ ભારતે સતનામ સિંહ અને સલમાન ખાનની જોડી મારફત ડબલ સ્ક્લ્સ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.
(4) પુરુષોની કબડ્ડીમાં ભારતે તાઇપેઇને 37-21થી અને મહિલાઓમાં ભારતે જાપાનને 50-25થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ઓછામાં ઓછો બ્રૉન્ઝ મેડલ પાક્કો કરી લીધો હતો.
(5) મેન્સ હૉકીમાં ભારતે સાઉથ કોરિયાને 8-2થી હરાવ્યું અને સેમિ ફાઇનલમાં સ્થાન લગભગ પાક્કું કરી લીધું.

કોના કેટલા મેડલ?

(1) ચીનઃ 80 ગોલ્ડ સહિત કુલ 130 મેડલ
(2) જાપાનઃ 20 ગોલ્ડ સહિત કુલ 91 મેડલ
(3) સાઉથ કોરિયાઃ 10 ગોલ્ડ સહિત કુલ 50 મેડલ
(4) કઝાખસ્તાનઃ આઠ ગોલ્ડ સહિત કુલ પચીસ મેડલ
(5) ઉઝબેકિસ્તાનઃ છ ગોલ્ડ સહિત કુલ 26 મેડલ

(નોંધઃ ભારત એક ગોલ્ડ સહિત કુલ 17 મેડલ સાથે 15મા ક્રમે હતું)