Wed Jul 01 2026

Logo

આષાઢ માસની એકાદશી 2026: જુલાઈ મહિનામાં આવશે યોગિની અને દેવશયની એકાદશી, જાણો વ્રતની સાચી તારીખ અને શુભ મુહૂર્ત

2026-07-01 15:01:00
Author: Darshana Visaria
Article Image

હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે અને દર મહિને બે એકાદશી આવે છે. 30મી જૂનથી પવિત્ર આષાઢ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે 29 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન આષાઢ માસના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની બંને મહત્વપૂર્ણ એકાદશી તિથિઓ આવશે. આષાઢ માસની પહેલી એકાદશીને 'યોગિની એકાદશી' અને બીજી એકાદશીને 'દેવશયની એકાદશી' કહેવામાં આવે છે.

દેવશયની એકાદશીના દિવસથી જ ભગવાન વિષ્ણુ આગામી ૪ મહિના માટે પાતાળ લોકમાં યોગનિદ્રામાં ચાલ્યા જાય છે, જેને 'ચાતુર્માસ' કહેવાય છે. ત્યારપછી તેઓ સીધા દેવઉઠી એકાદશી પર જાગે છે. આવો જાણીએ જુલાઈ ૨૦૨૬ માં આવનારી આ બંને એકાદશીની સાચી તારીખ અને પૂજાના મુહૂર્ત.

જુલાઈ 2026ની પહેલી એકાદશી: યોગિની એકાદશી 
દ્રિક પંચાંગ અનુસાર, આષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 10મી જુલાઈ 2026ના રોજ સવારે 08.16 વાગ્યાથી શરૂ થશે અને 11મી જુલાઈની સવારે 05.22 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિના આધાર પર 10મી જુલાઈના રોજ જ યોગિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે.
પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત: સવારે 04.41 થી 05.24 વાગ્યા સુધી.
અભિજિત મુહૂર્ત: બપોરે 12.17 થી 01.10 વાગ્યા સુધી.
વ્રતના પારણાનો સમય: 11મી જુલાઈના રોજ બપોરે 02.03 વાગ્યાથી સાંજના 04.42 વાગ્યા સુધી. 

આષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહે છે. પંચાંગ અનુસાર, આ એકાદશી તિથિ ૨૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ સવારે 09.12 વાગ્યાથી શરૂ થશે અને 25મી જુલાઈ 2026ના રોજ સવારે 11.34 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિના આધારે 25મી જુલાઈના રોજ દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 

આ દિવસથી ભગવાન વિષ્ણુનો ચાર મહિનાનો શયનકાળ શરૂ થઈ જશે, જેને સામાન્ય ભાષામાં 'દેવ પોઢી ગયા' તેમ કહેવાય છે. આ દરમિયાન તમામ માંગલિક કાર્યો જેવા કે લગ્ન વગેરે પર રોક લાગી જાય છે.
પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત: સવારે 04.45થી 05.29 વાગ્યા સુધી.
અભિજિત મુહૂર્ત: બપોરે 12.19 થી બપોરે 1.11 વાગ્યા સુધી.
વ્રતના પારણાનો સમય: 26મી જુલાઈ 2026ના રોજ સવારે 06.13 વાગ્યાથી 08.50 વાગ્યા સુધી.

વાત કરીએ એકાદશીના મહત્ત્વની તો સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત એકાદશી વ્રત હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. આ વ્રત રાખવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સૌભાગ્ય વધે છે અને અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે. ખાસ કરીને દેવશયની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને મોક્ષના દ્વાર ખૂલે છે.