Wed Jul 01 2026

Logo

વજન ઉતારવાના બહાને મહિલાઓ પાસેથી કરોડો ખંખેરી લેતી ગેંગ સુરત પોલીસે પકડી પાડી

2026-07-01 15:42:09
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અવૈજ્ઞાનિક રીતે વજન ઉતારવા માટેની સેંકડો એડવર્ટાઈઝમેન્ટ્સ સોશિયલ મીડિયામાં જોવા મળે છે. આવી એડવર્ટાઈઝમેન્ટનો શિકાર બનેલી મહિલાઓ પાસેથી પૈસા ખંખેરનારી ગેંગને સુરત પોલીસે પકડી પાડી હતી. ફેસબુક પર  વજન ઘટાડવાની ભ્રામક જાહેરાતો દ્વારા મહિલાઓ સાથે  કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી આ ગેંગે પાંચ મહિનામાં સુરતની એક ગૃહિણી સાથે ₹1.77 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. સુરત પોલીસે ટ્રેપ ઓપરેશનમાં બે મહિલાઓ સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. 

પોલીસના જણાવ્યા અનુસાર, હરિયાણાના ગુરુગ્રામના ઔદ્યોગિક વિસ્તારમાં ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઈવેટ લિમિટેડ નામથી એક ભવ્ય ઓફિસમાંથી 150 થી વધુ કર્મચારી ધરાવતું એક હાઇ-ટેક કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યાંથી, ફેસબુક પર વજન ઘટાડવાની જાહેરાતો દ્વારા દેશભરની મહિલાઓને નિશાન બનાવવામાં આવતી હતી. જેવી મહિલાઓ જાહેરાત પર ક્લિક કરતી અને તેમના મોબાઇલ નંબર શેર કરતી, ટેલિકોલરો તેમનો સંપર્ક કરતા અને કંપનીની વેબસાઇટ અને ખોટા મેડિકલ પ્રોટોકોલનો ઉપયોગ કરીને તેમનો વિશ્વાસ મેળવતા હતા. 

સુરતની મહિલાની ફરિયાદ મુજબ, મહિલાને જાન્યુઆરીમાં ફેસબુક પર વજન ઘટાડવાની જાહેરાત મળી અને તેણે તેના પર ક્લિક કર્યા પછી તેનો મોબાઇલ નંબર શેર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે પણ દવાઓ ડિલિવરી કરવામાં આવતી ત્યારે એક ડિલિવરી એજન્ટ તેનાં ઘરે આવી પૈસા લઈ જતો અને દવાઓ આપી જતો. ઘણા મહિનાઓ સુધી આ ચાલ્યું અને પછી તેને ખ્યાલ આવ્યો કે તેણે રૂ. 1.77 કરોડ જેટલી મોટી રકમ ગુમાવી છે અને તેની સાથે છેતરપિંડી થઈ છે. મોટાભાગની રકમ કેશમાં આપવામાં આવી હતી. મહિલાએ જ્યારે પૈસા આપવાનું બંધ કર્યું ત્યારે તેને ધમકીઓ આપવામાં આવી અને તેની પાસેથી વધારાના રૂ. 81.50 લાખ માગવામાં આવ્યા. તેને બ્લેકમેલ કરવામાં આવતા અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા તેણે સુરત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. 

સુરત પોલીસે એક છટકું ગોઠવ્યું હતું અને તે પ્રમાણે મહિલાએ રૂ. 81 લાખ આપવાની તૈયારી બતાવતા મોહંમદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ નામનો ડિલિવરી એજન્ટ દિલ્હીથી દવા આપવા અને રોકડ રકમ લેવા આવ્યો હતો. પોલીસે તેને રંગે હાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસે તેમના ગુરુગ્રામ ખાતેના કોલ સેન્ટર પર રેડ પાડી હીના અને નિશા કુમારી સહિતના અન્ય આરોપી અને સાધનસામગ્રી પકડી પાડ્યા હતા. 

તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપની 2021માં નોંધાયેલી હતી અને 2022 થી આ રેકેટ ચલાવી રહી હતી. કંપનીના બેંક ખાતામાં લગભગ ₹8.30 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા, જ્યારે રોકડ વ્યવહારો ₹80 કરોડથી વધુ હોવાની શંકા છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ પૂછપરછ દરમિયાન દર મહિને ₹1.5 કરોડથી ₹2 કરોડની રોકડ એકઠી કરવાની કબૂલાત પણ કરી હતી.
કંપનીના ડિરેક્ટર અમિત ગૌરવ, મુખ્ય વહીવટી અધિકારી પંકજ શર્મા અને મેનેજર દીપક હજુ પણ ફરાર છે. કંપની સામે અન્ય રાજ્યોમાંથી પણ ફરિયાદો નોંધાયેલી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે લોકોને પણ સતર્ક રહેવાની પણ સલાહ આપી હતી.