Wed Jul 01 2026

Logo

આ શેરમાં નેવું ટકાનો જોરદાર ઉછાળો! એક્સચેન્જે માંગી સ્પષ્ટતા

2026-07-01 16:26:00
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં તેજી અને મંદીનું ચક્ર ચાલતુ રહે છે, પરંતુ તેમાં ક્યારેક સ્ટોક સ્પેસિફક મુવમેન્ટ પણ જોવા મળે છે. જે રીતે એક જ દિવસમાં કેપીઆઇટીના શેરમાં ૧૭ ટકાનો તોતિંગ કડાકો બોલાતા રોકાણકારોને ભારે નુકસાન થયું હતું એ જ રીતે એક બીજા શેરમાં માત્ર બાર દિવસમાં બજારમૂલ્ય લગભગ બમણું થઇ જતાં રોકાણકારો માલામાલ થયા હોવાના સમાચાર પણ છે. જૂન મહિનામાં આ શેરમાં ૮૯ ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.

આ વાત વેદાંત આયર્ન અને સ્ટીલના શેરની છે. આ કંપનીનો શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) પર પંદરમી જૂનના રોજ પ્રતિ શેર રૂ. ૨૦ના ભાવે લિસ્ટ થયા હતા, અને આ રીતે વેદાંતમાંથી વિભાજિત થયેલી ચાર કંપનીઓએ મેગા ડિમર્જર પૂર્ણ કરીને તેમની બહુપ્રતિક્ષિત બજારમાં શરૂઆત થઇ હતી.

જોકે, આ અણધાર્યા ઉછાળાના અનુસંધાનમાં એક્સચેન્જે કંપની પાસે સ્પષ્ટતા માંગી હતી. મંગળવારે, વેદાંત આયર્ન એન્ડ સ્ટીલને તેના શેરના ભાવમાં તીવ્ર ઉથલપાથલ પછી બીએસઇએ સ્પષ્ટતા માગી હતી. રોકાણકારોને સંબંધિત માહિતીની ઍક્સેસ મળે અને બજારના હિતોનું રક્ષણ થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે એક્સચેન્જે નોંધપાત્ર ભાવ વધઘટ અંગે વિગતો માંગી છે.
પહેલી જુલાઈના રોજ બીએસઇને આપેલા જવાબમાં, વેદાંત આયર્ન એન્ડ સ્ટીલે જણાવ્યું હતું કે તેણે માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના, સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ હેઠળ જરૂરી તમામ ખુલાસાઓ કર્યા છે. કંપનીએ ઉમેર્યું હતું કે તેના શેરના ભાવમાં આ ફેરફાર પાછળના કોઈ ચોક્કસ કારણની કંપનીને જાણ નહોતી.

બજારમાં પ્રવેશના સમયે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશ આશરે રૂ. ૭,૮૨૧ કરોડ હતું. આ કંપનીના શેર સવારે સાત ટકાથી વધુ ઉછળીને આજે રૂ. ૩૭.૮૪ની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા ત્યારે તેનું બજાર મૂડીકરણ લગભગ બમણું થઇને રૂ. ૧૪,૭૯૭ કરોડની આસપાસ પહોંચ્યું હતું.

આનો અર્થ એ થાય કે લિસ્ટિંગ પછીના માત્ર ૧૨ સત્રોમાં કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે રૂ. ૬,૯૭૬ કરોડનો નોંધપાત્ર ઉમેરો થયો છે. એ બાબત નોંધવી રહી કે, સત્ર બંધ થયું ત્યારે આ શેર ૯.૯૮ ટકાના ઉછાળા સાથે રૂ. ૩૮.૭૮ની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે.

શેરબજારની સ્થિતિ અસ્પષ્ટ અને ગતિ અનિશ્ર્ચિત હોવા છતાં પણ વેદાંત આયર્ન અને સ્ટીલના શેરમાં જૂનમાં શરૂઆતથી અત્યાર સુધી આ શેરમાં ૮૯ ટકાનો જોરદાર વધારો થયો છે, જેનાથી તેના બજાર મૂલ્યમાં લગભગ રૂ. ૭,૦૦૦ કરોડનો ઉમેરો થયો છે.

બજારના જાણકારોએ આની પાછળનું એક મહત્ત્વનું કારણ જણાવતાં કહ્યું કે, અઝીમ પ્રેમજીની ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ રૂ. ૧૦૨ કરોડના શેર ખરીદ્યા પછી આ નોંધપાત્ર તેજીમાં નોંધપાત્ર વધારો થયો હતો. ભારત અને આફ્રિકામાં આયર્ન ઓર અને સ્ટીલના ઉત્પાદનમાં સંકળાયેલી આ કંપની હાલમાં સ્ટોક એક્સચેન્જો સાથે ભાવની નોંધપાત્ર હિલચાલ અંગે સ્પષ્ટતા કરી રહી છે.