Sat Aug 29 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસઃ ઊંઘની ઊણપ ન ચાલે...

2026-08-25 07:39:00
Author: Rajesh Yagnik
આરોગ્ય એક્સપ્રેસઃ ઊંઘની ઊણપ ન ચાલે...

 


રાજેશ યાજ્ઞિક


 પેલું ગીત યાદ છે : ‘મુઝે નીંદ ન આયે, મુઝે ચૈન ન આયે...’ 

આ ગીત તો ફિલ્મી છે, પણ આ ઊંઘ ન આવવાવાળી વાત ઘણા માટે એક માથાનો દુ:ખાવો બની જાય છે.

ઊંઘ કેમ જરૂરી છે?
‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા...’ એવું દરેક વખતે આપણે કહી શકતા નથી કેમકે શ્વાસ લેવા, ખાવા અને પીવાની જેમ જ, ઊંઘ એ માનવીની એક આવશ્યક જરૂરિયાત છે. તે વ્યક્તિની બીજા દિવસ માટે આરામદાયક અને ઊર્જાવાન અનુભવવાની ક્ષમતા પર અસર કરે છે અને દિવસ દરમિયાન આવતી ઊંઘને ઘટાડે છે. ગુણવત્તાયુક્ત ઊંઘ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે અને જીવનની એકંદર ગુણવત્તામાં સુધારો કરે છે.


ઊંઘ માનવ વિકાસમાં પણ ફાળો આપે છે. આ કારણોસર, શિશુઓ, બાળકો અને કિશોરોને પુખ્ત વયના લોકો કરતાં વધુ ઊંઘની જરૂર હોય છે. બીમારીને રોકવા અથવા બીમારી કે ઈજામાંથી સાજા થવા માટે તમામ ઉંમરના લોકોને ઊંઘની જરૂર હોય છે.

ઊંઘ ન મળવાથી શું અસર થાય?

સરખી ઊંઘ ન મળવી અથવા ઊંઘનો અભાવ ઘણી નકારાત્મક અસરો પેદા કરી શકે છે. આ અસરો શારીરિક હોઈ શકે છે, જેમાં સ્ટ્રોક, હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધવાનો સમાવેશ થાય છે. નકારાત્મક અસરો માનસિક પણ હોઈ શકે છે, જેમ કે ચીડિયાપણું વધવું અથવા ચિંતા કે હતાશા (ડિપ્રેશન) વિકસવી.


ગુણવત્તાયુક્ત ઊંઘનો અભાવ તમારી અથવા અન્યની સુરક્ષા પર પણ અસર કરી શકે છે. ભારતના આક્રમક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતનો અકસ્માત યાદ છે? કહેવાય છે કે મોડી રાત સુધી જાગ્યા પછી વાહન ચલાવવાના કારણે જ એ અકસ્માત થયો હતો.


ઊંઘ પૂરી થયા વિના વાહન ચલાવવાથી અકસ્માત, ઈજા કે મૃત્યુ પણ થઈ શકે છે. પૂરતી ઊંઘ ન મળે તો વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ અસર પડે છે. અપૂરતી ઊંઘ પછી નોકરી-ધંધે જનારા પૂરતી ઊર્જા સાથે કામ કરી શકતાં નથી.

કયાં પરિબળો ઊંઘ પર અસર કરે છે?

ઊંઘની ગુણવત્તા પર અસર કરનાર ઘણા પરિબળો છે જેમકે, ઊંઘનું ચોક્કસ સમયપત્રક: દરરોજ એક જ સમયે સૂવા જવાથી અને જાગવાથી ઊંઘમાં સુધારો થઈ શકે છે.

ઊંઘનું વાતાવરણ: બેડરૂમ શાંત અને અંધારું હોવું જોઈએ, જેમાં વધુ પડતી લાઇટ્સ ન હોય. ટીવી, કમ્પ્યુટર અને ફોન જેવા ઇલેક્ટ્રોનિક્સમાંથી નીકળતો વાદળી પ્રકાશ સતર્કતા વધારે છે અને સૂવાના થોડા કલાકો પહેલાં તેને ટાળવો જોઈએ.

વધુ પડતું કેફીન અથવા આલ્કોહોલ પીણું: આ પીણાં વ્યક્તિની ઊંઘી જવાની અથવા ઊંઘી રહેવાની ક્ષમતામાં દખલ કરી શકે છે.


દવાઓ: કેટલીક પ્રિસ્ક્રિપ્શન દવાઓ, જેમ કે મૂત્રવર્ધક દવાઓ (diuretics), પેશાબ કરવા માટે વારંવાર શૌચાલય જવાની જરૂરિયાત વધારે છે, જેના કારણે રાત્રે ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે અને વ્યક્તિ જાગી શકે છે. ઊંઘ લાવવાની દવાઓ - પછી ભલે તે ડોક્ટરની સલાહ વિના સીધી મળતી (OTC) હોય કે ડોક્ટર દ્વારા સૂચવવામાં આવી હોય - તેનાથી દિવસ દરમિયાન ઊંઘ આવવી અને અન્ય આડઅસરો થઈ શકે છે.

 નસકોરાં: જોકે અમુક અંશે નસકોરાં આવવા સામાન્ય છે, પરંતુ વધુ પડતાં નસકોરાં વ્યક્તિની પોતાની ઊંઘ અથવા તેમના જીવનસાથીની ઊંઘને અસર કરી શકે છે. આ પ્રકારના નસકોરાં ‘ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા’ (OSA) નું લક્ષણ હોઈ શકે છે.

ઊંઘને લગતી સમસ્યા: 

અનિદ્રા (insomnia) જેવી સમસ્યાઓને કારણે ઊંઘ આવવામાં કે ઊંઘ જાળવી રાખવામાં મુશ્કેલી પડી શકે છે અને ઊંઘની ગુણવત્તા નબળી પડી શકે છે. ડરામણાં સપનાં અને વારંવાર ઊંઘમાંથી જાગી જવું - જે ઊંઘની ગુણવત્તાને અસર કરે છે - તે ‘નાર્કોલેપ્સી’ (narcolepsy) ના રાત્રિ દરમિયાન જોવા મળતાં લક્ષણોમાં સામેલ છે.

 ઊંઘની ગુણવત્તા કેવી રીતે નક્કી થાય?

ઘણાનું એવું માનવું હોય છે કે અમે ઓછું ઊંઘીએ છીએ, પણ અમારી ઊંઘ સારી હોય છે. બીજી બાજુ ઘણા એવી માન્યતા ધરાવે છે કે ઓછું ઊંઘતા હોય તેમની ઊંઘ યોગ્ય નથી હોતી. તેનાથી બરાબર ઊંધું વધુ ઊંઘનાર માટે પણ મનાય છે. તો હકીકતમાં ઊંઘની ગુણવત્તા નિષ્ણાતોના મતે કેવી રીતે મપાય છે?

જોકે ઊંઘ આવવામાં લાગતો સમય વ્યક્તિએ-વ્યક્તિએ અલગ હોઈ શકે છે, પરંતુ ‘ઇન્સોમ્નિયા સિવિયરિટી ઇન્ડેક્સ’ (અનિદ્રાની ગંભીરતા માપતું સૂચકાંક) મુજબ, તમારી ઊંઘ નબળી છે, તેવું કહી શકાય જો...

પથારીમાં પડ્યા પછી તમને ઊંઘ આવવામાં 30 મિનિટથી વધુ સમય લાગે છે....તમે નિયમિતપણે રાત્રે એકથી વધુ વાર જાગી જાઓ છો....રાત્રે વચ્ચે જાગી ગયા પછી તમે 20 મિનિટથી વધુ સમય સુધી જાગતા રહો છો....તમે પથારીમાં વિતાવેલા સમયના 85 ટકાથી ઓછો સમય જ ઊંઘી શકો છો. આ ઉપરાંત તમે થાક અનુભવો છો અને દિવસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવો છો.

શું તમને વારંવાર ઝોકાં આવે છે અથવા તમે વારંવાર ટૂંકી ઊંઘ (નેપ) લો છો?

સવાલ એ છે કે સારી ઊંઘ કેવી રીતે આવે, અથવા તેને માટે શું કરવું? તેની ચર્ચા આપણે હવે પછી આવતા સપ્તાહે કરીશું...