Wed Jun 24 2026

Logo

પદ્મશ્રી અનિલ રસ્તોગીએ પીએમ મોદીની અવગણના કરી? ટ્રોલર્સને અભિનેતાએ આપ્યો સણસણતો જવાબ

2026-06-24 19:18:53
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ પદ્મશ્રીથી સન્માનિત વરિષ્ઠ અભિનેતા ડૉ. અનિલ કુમાર રસ્તોગી ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં મંગળવારે યોજાયેલા પદ્મ પુરસ્કાર સમારંભનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેતા અનિલ કુમાર રસ્તોગીએ સમારંભ દરમિયાન સ્ટેજ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અવગણના કરી હતી. 

આ વીડિયોને લઈને લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અનિલ રસ્તોગી પદ્મશ્રી એવોર્ડ લેવા માટે સ્ટેજ પર પહોચે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો હાથ તેમની તરફ લંબાવે છે પરંતુ અનિલ રસ્તોગી વડા પ્રધાન મોદી સાથે હાથ મિલાવ્યા વિના આગળ નીકળી જાય છે. 

આ વીડિયોના આધારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા અને દાવો કર્યો કે અનિત રસ્તોગીએ જાણી જોઈને વડાપ્રધાનની અવગણના કરી હતી. જો કે, વિવાદ વધ્યા પછી અનિલ રસ્તોગીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સ્પષ્ટતા કરી હતી.

વાસ્તવમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના પ્રવક્તા સાકેત ગોખલેએ એક પોસ્ટમાં આ ક્ષણને "મોદીના ઇવેન્ટ મેનેજમેન્ટ નિષ્ફળતા" ગણાવી હતી. ગોખલેએ આ ટિપ્પણી એક વીડિયો સાથે કેપ્શન તરીકે કરી હતી, જેમાં ડૉ. રસ્તોગી પદ્મશ્રી લેવા માટે સ્ટેજ પર જતા અને વડા પ્રધાન મોદીનું અધવચ્ચે હાથ જોડીને સ્વાગત કરતા દેખાય છે

ગોખલેની પોસ્ટનો જવાબ આપતા અભિનેતા અનિલ કુમાર રસ્તોગીએ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે તેમને વડા પ્રધાન પ્રત્યે ખૂબ માન છે. જે લોકો મજાક ઉડાવી રહ્યા છે તેમને કહી દઉં કે હું 80 વર્ષનો વ્યક્તિ છું. ઉંમરના કારણે મારાથી ભૂલ થઈ હતી. મને આપણા વડાપ્રધાન પ્રત્યે ખૂબ માન છે અને મને લાગે છે કે દેશ ચલાવવા માટે તેઓ હાલમાં આપણી પાસે શ્રેષ્ઠ વિકલ્પ છે.

રસ્તોગીને થિયેટર, સિનેમા, રેડિયો અને ટેલિવિઝનમાં તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. સરકારી પ્રકાશન અનુસાર, તેમણે 100 નાટકોના લગભગ 1000 શો કર્યા છે અને 75થી વધુ ફિલ્મો અને ટીવી શોના 500 એપિસોડમાં કામ કર્યું છે. તેઓ એક સફળ વૈજ્ઞાનિક પણ છે તેમના નામે 78થી વધુ સહ-લેખક રિસર્ચ પબ્લિકેશન છે અને તેઓ નિરાધાર દર્દીઓની મદદ કરનાર એક સમર્પિત સમાજસેવી પણ છે.