મુંબઈ: રાયગઢ જિલ્લાના દિઘી પોર્ટ ઇન્ડસ્ટ્રિયલ એરિયા ફેઝ-૧ અંતર્ગત પાયાની સુવિધાઓ ઊભી કરવા માટેની આશરે રૂ. ૧,૪૦૦ કરોડની ટેન્ડર પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ થઈ હોવાનો દાવો શિવસેના નેતા અને ધારાસભ્ય એડવોકેટ અનિલ પરબે કર્યો હતો.
આ સંદર્ભે તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફરિયાદ કરી છે અને સમગ્ર ટેન્ડર પ્રક્રિયા તથા એલ-૧ ટેન્ડરધારક દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની એડિશનલ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારી મારફતે સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી હતી.
મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશીપ લિમિટેડ (એમઆઇટીએલ) દ્વારા દિઘી પોર્ટ ફેઝ-૧ ના પેકેજ-એ માટે બહાર પાડેલા ટેન્ડરમાં 'મેસર્સ રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ' (આરઆઇએલ) એલ-૧ જાહેર થઈ છે. કંપનીએ ૧૨% ઓછા દરે ટેન્ડર ભર્યું હોવા છતાં, તે યોગ્યતાના માપદંડો પૂરા કરતી નથી, તેવો દાવો અનિલ પરબે કર્યો હતો.
અનિલ પરબના પત્ર મુજબ આરઆઇએલએ રજૂ કરેલા અનુભવના પ્રમાણપત્રોમાં ગંભીર ખામીઓ છે તેમ જ કામનું સ્વરૂપ, ખર્ચ અને વર્ક ઓર્ડરને લગતા દસ્તાવેજો પણ અધૂરા રજૂ કર્યા છે.
તેથી આ ટેન્ડર પ્રક્રિયા અને આરઆઇએલના દસ્તાવેજોની એડિશનલ ચીફ સેક્રેટરી સ્તરના અધિકારી દ્વારા સ્વતંત્ર તપાસ કરાવી ૧૫ દિવસમાં અહેવાલ સોંપવામાં આવે, તેવી માંગ ધારાસભ્ય અનિલ પરબે કરી છે. સાથે જ, તેમણે એમઆઇટીએલની ટેન્ડર કમિટીની બેઠકની નોંધ તાત્કાલિક આપવાની અને આરઆઇએલ એ રજૂ કરેલા તમામ યોગ્યતાના દસ્તાવેજો જાહેર કરવાની પણ માંગ કરી છે.