Sat Aug 29 2026

Logo

અમરેલીના લીલીયામાં સિંહે ફાડી ખાધેલા મુસ્લિમ યુવકના બે મિત્રોએ શું કરી ચોંકાવનારી કબૂલાત?

2026-07-11 14:27:00
Author: Mayur Patel
અમરેલીના લીલીયામાં સિંહે ફાડી ખાધેલા મુસ્લિમ યુવકના બે મિત્રોએ શું કરી ચોંકાવનારી કબૂલાત?

અમરેલીઃ લીલીયાના અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહદર્શન કરવા ગયેલા યુવકો પર બે દિવસ પહેલા સિંહે હુમલો કર્યો હતો. પ્રણયક્રિડામાં મસ્ત સિંહ યુગલને છંછેડતા સિંહે યુવકને ફાડી ખાધો હતો.  આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ગેરકાયદે સિંહદર્શન અને પજવણી મામલે મૃતક સહિત 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના બે મિત્રોએ ચોંકાવનારી કબૂલાત કરી હતી.

પૂછપરછમાં શું કરી ચોંકાવનારી કબૂલાત

વન વિભાગની પૂછપરછમાં પકડાયેલા બંને આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ માત્ર સિંહ જોવા અને તેને હેરાન કરવાના ઈરાદે જ ત્યાં ગયા હતા. કેસમાંથી બચવા માટે આરોપીઓએ તેમના મોબાઈલનો બધો જ ડેટા ડિલીટ કરી નાખ્યો હતો. આ કેસમાં બીજા લોકો પણ સામેલ હોવાની શંકા હોવાથી, ડિલીટ થયેલો ડેટા પાછો મેળવવા માટે વન વિભાગ બંને ફોન FSLમાં મોકલશે.

વન વિભાગે આ મામલે મૃતક સોહીલ મેમણ (મુંજાવર)  અને તેના બે સાથીદારો રેહાનખાન પઠાણ (અમરેલી) તથા યશરાજસિંહ વાજા (સાવરકુંડલા) સામે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શું હતો મામલો

બે દિવસ પહેલા લીલીયાના અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક  સિંહ બેલડી પોતાના મેટિંગ પિરિયડ (પ્રણય ક્રીડા) માં વ્યસ્ત હતી. આ દરમ્યાન અમરેલી શહેરથી આવેલા ત્રણ યુવકો સિંહ દર્શન કરવા અને સાવજ સાથે સેલ્ફી લેવાના પ્રયાસમાં સિંહોની સાવ નજીક પહોંચી ગયા હતા. સિંહોએ ઉશ્કેરાઈને યુવકો પર હુમલો કર્યો હતો. જેમાં સોહીલ મેમણ (મુંજાવર) નામના 21 વર્ષીય યુવકને સિંહ ઢસડીને દૂર સુધી લઈ ગયો હતો અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ લીલીયા વન વિભાગ અને પોલીસની ટીમો સરકારી વાહનોના કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગુસ્સે ભરાયેલા સાવજો મૃતક યુવકના દેહ પર જ બેસી રહ્યા હતા. વન વિભાગની ટીમે ભારે જહેમત અને મહામુસીબતે સાવજોને ત્યાંથી દૂર ખદેડીને યુવકના મૃતદેહને મુક્ત કરાવ્યો હતો. 

અમરેલીમાં છે સિંહોની સૌથી વધુ વસતી

ગત વર્ષે જાહેર થયેલા સિંહોની 16મી વસતી ગણતરીના આંકડા પ્રમાણે, સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સિંહો અમરેલી જિલ્લામાં વસે છે. અહીં સિંહોની સંખ્યા  339 નોંધાઈ હતી. આ આંકડો સમગ્ર ગુજરાતના કુલ સિંહની વસ્તીના આશરે 38 ટકા જેટલો હતો. અમરેલીના ધારી, ખાંભા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની વસતી સૌથી વધારે હતી.