અમરેલીઃ રાજ્યમાં લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહી છે છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. સુરતનો ક્લાસ-1 અધિકારી અમેરલીમાં 21,000ની લાંચ લેતા ઝડપાયો હતો. ક્લાસ-1 અધિકારીએ ટેસ્ટિંગ લેબના પોઝિટિવ રિપોર્ટ આપવાના અવેજમાં લાંચ માંગી હતી.
અમરેલી સર્કિટ હાઉસમાં એસીબીએ ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI), વડોદરાના ક્લાસ-1 અને ક્લાસ-3ના એમ બે અધિકારીઓને રૂ. 21,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા હતા. અમરેલી શહેરમાં આવેલી એક મટીરિયલ્સ ટેસ્ટિંગ લેબની સરપ્રાઇઝ વિઝિટ માટે GERI - વડોદરાના સંશોધન અધિકારી (કાર્યપાલક ઇજનેર, ક્લાસ-1 આણંદભાઇ નરેન્દ્રભાઇ ખરેડિયા તથા સીનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ક્લાસ-3) જીગરભાઇ કલસીંગભાઇ ભુટીયા આવ્યા હતા. લેબની મુલાકાત બાદ તેનો પોઝિટિવ રિપોર્ટ આપવા માટે આ બંને અધિકારીઓએ સંચાલક પાસે રૂ. 21,000ની લાંચ માંગી હતી.
લેબ સંચાલક લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે અમરેલી ACBનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમરેલી ACB દ્વારા ચિતલ રોડ પર આવેલા સરકારી સર્કિટ હાઉસના રૂમ નંબર-11 ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન વર્ગ-1 અધિકારી આણંદભાઇ ખરેડિયાના કહેવાથી વર્ગ-3 કર્મચારી જીગરભાઇ ભુટીયાએ ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારી હતી.
રૂ. 21,000ની આ લાંચની રકમમાં ક્લાસ-1 અધિકારી આણંદભાઇના હિસ્સાના રૂ. 15,000 તથા જીગરભાઇના હિસ્સાના રૂ. 6000 નક્કી કરાયા હતા. બંને આરોપીઓએ નાણાં સ્વીકારતા જ ACBની ટીમે ત્રાટકીને બંનેને પકડી પાડ્યા હતા અને સમગ્ર રકમ સ્થળ પરથી જ રીકવર કરી લીધી હતી. કલાસ-1 અને 3 અધિકારી લાંચ લેતા ઝડપાતા સરકારી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.