Tue Oct 06 2026

Logo

ગુજરાત ભાજપમાં મોટો ડખોઃ સાંસદે ક્યા મંત્રીને ભ્રષ્ટ-પ્રજા વિરોધી ગણાવીને અંગ્રેજો સાથે સરખાવ્યા ?

ahmedabad   2026-09-28 10:46:00
Author: Vimal Prajapati
ગુજરાત ભાજપમાં મોટો ડખોઃ સાંસદે ક્યા મંત્રીને ભ્રષ્ટ-પ્રજા વિરોધી ગણાવીને અંગ્રેજો સાથે સરખાવ્યા ?

અમદાવાદઃ ગુજરાતમાં રાજકારણ સતત ચર્ચામાં રહેતું હોય છે. ક્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે, ક્યારેક કોંગ્રેસ અને આપ વચ્ચે તો ક્યારેક ભાજપ અને આપ વચ્ચે સામસામા આક્ષેપો કરવામાં આવતા હોય છે. પરંતુ અત્યારે ગુજરાતમાં ભાજપ-ભાજપ વચ્ચે જ ડખો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભાજપ નેતાએ ભાજપના એક મંત્રી પર ગંભીર આક્ષેપો કર્યાં છે. જેને લઈને ગુજરાત ભાજપમાં આંતરિક વિવાદની ચર્ચાએ જોર પકડ્યું છે. ચાલો જાણીએ સમગ્ર મામલો....

મૂળ વાત એ છે કે, ભાજપ નેતા મનસુખ વસાવાએ વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા પર ગંભીર આક્ષેપ કર્યાં છે. સાગબારા જંગલ જમીન વિવાદને લઈને મનસુખ વસાવા દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે. આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે, જેથી ભાજપનો આ આંતરિક વિવાદ આગામી ચૂંટણીમાં નડતરરૂપ સાબિત થઈ શકે છે. વિવાદ એ છે કે, વન મંત્રી દ્વારા સાગબારાના આદિવાસીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેના માટે મનસુખ વસાવાએ અર્જુન મોઢવાડિયાને ખરીખોટી સંભળાવી છે. 

વન મંત્રી આદેશ આપીને ખેડૂતોને કેદ કરાવ્યાંનો આક્ષેપ

મનસુખ વસાવાએ કહ્યું કે, એકબાજુ સરકાર ખેડૂતો અને આદિવાસીઓના વિકાસની વાતો કરે છે. જે આદિવાસીઓ જંગલની જમીન ખેડે છે, તેમને વન મંત્રી આદેશ આપીને ખેડતા બંધ કરાવ્યાં છે. અધિકારીઓ પણ તેમના કહેવાથી કામ કરે છે. સાગબારાના ખેડૂતો સાથે આવી ઘટના બની હોવાનું જાણ થતાની સાથે જ હું અહીં આવી ગયો હતો. પરંતુ હું આવ્યો એટલે જંગલ ખાતાના અધિકારીઓ જતા રહ્યા અને મારી સાથે કઈ વાત કરવા માંગતા નથી. 

મોઢવાડિયા અંગ્રેજ જેવું શાસન કરે છેઃ મનસુખ વસાવા

વધુમાં વન મંત્રી અર્જુન મોઢવાડિયા સામે ગંભીર આક્ષેપો કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, આવી રીતે ખેડૂતોને હેરાન કરીને અંગ્રેજો જેવું શાસન ચલાવવામાં આવી રહ્યું છે. એટલે કે મોઢવાડિયા અંગ્રેજ જેવું શાસન કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. મનસુખ વસાવાએ અર્જુન મોઢવાડિયાને સવાલ કર્યો કે, તમે આદિવાસીઓની સાથે છો, કે આદિવાસીઓના વિરોધી છો? તમે માંડવી આવ્યાં ત્યા સાગબારા કેમ ના આવ્યાં? તમારે ખરેખર અહીં આવવાની જરૂર હતી. આ પ્રશ્ન ગંભીર છે ઉમરપાડાના લોકો જમીન ખેડે છે તો સાગબારાના ખેડૂતોને પણ જમીન ખેડવા દેવામાં આવે તેવી માંગણી કરી છે. એટલું જ નહીં પરંતુ આ માટે જે પણ લડાઈ લડવાની હોય તેના માટે મનસુખ વસાવાએ તૈયારી દેખાડી હતી.

અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું?

મનસુખ વસાવા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે અર્જુન મોઢવાડિયા દ્વારા વળતી પ્રતિક્રિયા આપવામાં આવી છે. અર્જુન મોઢવાડિયાએ જવાબ આપતા જણાવ્યું કે, ‘મનસુખ ભાઈ તો અમારા મનસુખભાઈ છે. તેઓ ખૂબ સિનિયન આગેવાન અને સાંસદ પણ છે. પરંતુ આ પ્રશ્ન મામલે આગઉ મનસુખભાઈ અને આદિવાસી ભાઈઓ સાથે લેખિતમાં સમાધાન થયેલું છે. આમાં ખાતરી આપવામાં આવી છે કે, જેમના દાવાઓ સાચા છે, તેનું અમારે 90 દિવસમાં નિરાકરણ કરવાનું છે. આ બાબતે મુખ્યમંત્રી દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. આ સૂચનાથી વન વિભાગ અને સરકારના અન્ય વિભાગો સાથે મળીને આ કામગીરી કરવાના છે. એટલે ગુજરાતમાં અધિકાર ધરાવતા કોઈએ ચિંતા કરવાની જરૂર નથી’.