Mon Jun 08 2026

Logo

અમદાવાદ મનપાની ચેતવણી: ભારે વરસાદમાં અંડરપાસ વાપરશો તો જવાબદારી તમારી, AMCએ હાથ ઊંચા કર્યાં

2026-06-07 21:38:52
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: આગામી સમયમાં અમદાવાદ કોમનવેલ્થ જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટનું યજમાન બની રહ્યું છે તેવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને શહેરના નાગરિકો માટે એક 'જાહેર જનતા જોગ ચેતવણી' બહાર પાડીને શહેરના 25 જેટલા જૂના અને નવા અંડરપાસમાં ભારે વરસાદના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાઇ તો તેની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી નાખ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને શહેરના નાગરિકો માટે એક  'જાહેર જનતા જોગ ચેતવણી' બહાર પાડવામાં આવી છે. શહેરમાં આવેલા સ્ટેડિયમ, ઉસ્માનપુરા, પરિમલ, અખબારનગર અને મીઠાખળી સહિત કુલ 25 જેટલા જૂના અને નવા અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. 

જોકે, મનપાની જાહેર જનતા જોગ ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે તંત્રની સૂચના છતાં ઘણા વાહનચાલકો જોખમ ખેડીને આ રસ્તાઓનો ઉપયોગ કરે છે. આ પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે અને ગંભીર અકસ્માત કે જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોવાથી કોર્પોરેશને નાગરિકોને સાવચેત કર્યા છે.

AMCના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ચેતવણી આપતા જણાવાયું છે કે, જ્યારે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયેલું હોય અથવા તો અંદરના કાદવ-કીચડની સફાઈ બાકી હોય અને ગેટ બંધ રાખવામાં આવ્યા હોય, ત્યારે કોઈ પણ વાહનચાલક કે રાહદારીએ તેનો ઉપયોગ કરવો નહીં. 

કોર્પોરેશને  સ્પષ્ટતા કરી છે કે, આ ચેતવણી છતાં જો કોઈ નાગરિક ઉપરોક્ત સંજોગોમાં આ રસ્તાઓનો ઉપયોગ કરશે અને કોઈ અકસ્માત કે જાનહાનિ થશે, તો તેની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ જાતની રહેશે નહીં. પોતાના જીવના જોખમે જ લોકોએ આ સાહસ કરવાનું રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે.

આવી વિકટ પરિસ્થિતિમાં દુર્ઘટનાઓ નિવારવા માટે તંત્રએ વાહનચાલકોને અંડરપાસના બદલે તેની આજુબાજુમાં આવેલા વૈકલ્પિક રસ્તાઓનો જ ઉપયોગ કરવા અપીલ કરી છે. વરસાદની સિઝનમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આ કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.