Sat Aug 29 2026

Logo

ધોની, રોહિત, વિરાટને લગ્નમાં કેમ ન બોલાવ્યા? ખુદ આકાશ દીપે કર્યો ખુલાસો

2026-06-25 16:51:25
Author: Ajay Motiwala
ધોની, રોહિત, વિરાટને લગ્નમાં કેમ ન બોલાવ્યા? ખુદ આકાશ દીપે કર્યો ખુલાસો

વારાણસીઃ સામાન્ય રીતે ક્રિકેટરોના લગ્નમાં દેશના નામાંકિત ખેલાડીઓ અને ક્રિકેટ જગત સાથે સંકળાયેલી બીજી હસ્તીઓની હાજરી જોવા મળતી હોય છે, પરંતુ બુધવારે પેસ બોલર આકાશ દીપ (Akash Deep)ના વેડિંગમાં એમએસ ધોની, રોહિત શર્મા કે વિરાટ કોહલી જેવા દિગ્ગજમાંથી કોઈ પણ નહોતું એટલે લગ્ન (Wedding) સમારોહમાં હાજર કેટલાક મહેમાનોને મનમાં સવાલ થયો હતો જેમાં ખુદ આકાશ દીપે સ્પષ્ટતા કરી આપી હતી.

ગયા વર્ષે બર્મિંગહમની ટેસ્ટમાં કુલ 10 વિકેટ લઈને ભારતને ઇંગ્લૅન્ડ સામે જ્વલંત વિજય અપાવવા ઉપરાંત 10 ટેસ્ટની કરીઅરમાં બીજી કેટલીક ઉપયોગી ઇનિંગ્સ રમનાર આકાશ દીપનો બુધવારે વારાણસીની એક ફાઇવસ્ટાર હૉટેલમાં લગ્ન સમારોહ હતો જેમાં ભોજપુરીનો મશહૂર સિંગર પવન સિંહ હાજર હતો તેમ જ આકાશના ખાસ મિત્ર અને પેસ બોલર મુકેશ કુમારે પણ હાજરી આપી હતી.

આકાશ દીપના લગ્ન માણિકપુરની અક્ષિતા રાજ ડેહરી સાથે થયા છે.

એમએસ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચૂક્યો છે, જ્યારે રોહિત અને વિરાટ ટી-20 ઇન્ટરનૅશનલ છોડી ચૂક્યા છે. જોકે આ બન્ને દિગ્ગજ બૅટ્સમૅન વન-ડે સિરીઝ માટે આવતા મહિને ઇંગ્લૅન્ડ જવાના છે. લગ્ન સમારોહમાં એક શખસથી રહેવાયું નહીં અને તેણે આકાશને પૂછી લીધું કે `ધોની, રોહિત કે વિરાટમાંથી કેમ કોઈ દેખાતું નથી?'

પેલા મહેમાને આકાશને પૂછ્યું, `આપને વિરાટ ભૈયા, ધોની ભૈયા ઔર રોહિત ભૈયા કો બુલાયા નહીં?' જવાબમાં આકાશે હસતાં કહ્યું, `શાદી હો પાએગા ફિર યહાં બનારસ મેં? ફિર યહાં શાદી નહીં હો પાતી, બાહર કરની પડતી.' આકાશ દીપનો કહેવાનો અર્થ એ હતો કે જો આ ત્રણેય મહારથીઓ સમારોહમાં આવવાના હોત તો તેમના ફૅન્સના એવો જમાવડો થઈ જાત કે એ સ્થિતિને સંભાળવી મુશ્કેલ થઈ ગઈ હોત.'