હેન્રી શાસ્ત્રી
તેલ અવીવની મોંઘવારી તેલ કાઢી નાખે
મુંબઈ માટે કહેવાય છે કે ‘રોટલો મળી જાય પણ ઓટલો ન મળે.’ સારા કે તગડા પગારની નોકરી તો ટેલન્ટ હોય તો મળી જાય, પણ રહેવા માટેની જગ્યા મેળવવા ટેલન્ટ નહીં તગડું બૅન્ક બૅલેન્સ જોઈએ. એમાં પાછો કયો વિસ્તાર એ પણ મહત્ત્વનું છે. વાલકેશ્વર-નેપિયન સી રોડ પર લીધેલી જગ્યા અને દૈનિક જીવનના ખર્ચનો હિસાબ કાંદિવલી-બોરીવલી કરતાં ઘણો વધારે હોય છે. એ જ રીતે વસઈ-વિરારનો હિસાબ કાંદિવલી-બોરીવલી કરતાં ઓછો હોય છે. તેમ છતાં વિશ્વનાં મોંઘાં શહેરોની સરખામણીમાં મુંબઈ સોંઘું લાગી શકે છે.
રહેણીકરણી માટે વિશ્વના સૌથી ખર્ચાળ શહેરની જાણકારી અનુસાર ઇઝરાયેલનું પાટનગર તેલ અવીવ સૌથી મોંઘુંદાટ શહેર છે. સર્વે અનુસાર તેલ અવીવમાં રહેવા માટે ટુ બીએચકે ફ્લૅટ માટે એક મહિનાના પાંચથી છ હજાર શેકલ (શેકલ ઇઝરાયેલનું ચલણ છે અને તાજેતરનો એક શેકલનો વિનિમય દર 31.43 ભારતીય રૂપિયા છે) એટલે કે આશરે 1,86,000 રૂપિયા થાય.
વાલકેશ્વરમાં આટલી જગ્યા માટે એક લાખ રૂપિયા ગણી આપવા પડે. આમ મુંબઈની સરખામણીમાં તેલ અવીવ 86 ટકા મોંઘું છે. ત્રણ બેડરૂમના ફ્લૅટનું મહિનાનું ભાડું સામાન્યપણે 11,200 શેકલ (આશરે 3,47,000 રૂપિયા) હોય છે. રેસ્ટોરાંમાં જમવાની ઇચ્છા થાય કે ફિલ્મ જોવાનો કે એવા બીજા કોઈ શોખ પૂરા કરવા હોય તો આ રકમમાં ઉમેરો કરતા જવાનું. મોંઘું એટલે કેટલું મોંઘું? ગણતા ચક્કર આવી જાય એટલું.
કોરિયા ક્યાં આવ્યું? છત્તીસગઢમાં... હેં!
શિહોર નામ કાને પડતાં જ ભાવનગર નજીકનું મંદિરો અને કાંસા-પિત્તળનાં વાસણોના ઉદ્યોગ માટે જાણીતું નગર જ યાદ આવે. જોકે, મધ્ય પ્રદેશના લોકો કહેશે કે મંદિરો માટે પ્રખ્યાત સિહોર અમારા રાજ્યમાં પણ છે. એમ તો ઇસ્ટ લંડન સાઉથ આફ્રિકાનું શહેર છે અને બૉમ્બે બીચ યુએસના કૅલિફૉર્નિયામાં છે. નામ પરથી એનું સ્થાન નક્કી કરવામાં ઘણી વાર ગોથા ખાઈ જવાય. સોલ ઑલિમ્પિક્સ તેમ જ ફાસ્ટ ઇન્ટરનેટ માટે નામના ધરાવતા દક્ષિણ કોરિયા અને કિમ જોંગ નામના તાનાશાહના દેશ તરીકે ઓળખાતા ઉત્તર કોરિયા એ બંને એશિયાઈ દેશનાં નામ જરૂર સાંભળ્યાં હશે.
હવે જો તમને ખબર પડે કે આપણા દેશના છત્તીસગઢમાં પણ એક કોરિયા છે તો? ચોંકી જવાય ને. અલબત્ત, અહીં જુલ્મી શાસન નથી કે નથી પરમાણુ બૉમ્બ બનાવવાની થતી કોશિશ કે અહીં ઑલિમ્પિક્સનું આયોજન પણ નથી થતું. છત્તીસગઢનો કોરિયા નામનો જિલ્લો પ્રાકૃતિક સૌંદર્ય, ગાઢ જંગલો અને ખનિજ સંપત્તિ માટે ખ્યાતિ ધરાવે છે. એનું નામ કોરિયા કેમ પડ્યું એનો રોચક ઇતિહાસ છે.
પ્રાચીનકાળમાં આ વિસ્તાર કોરિયા પઠાર તરીકે જાણીતો હતો અને એની રાજધાનીનું નામ કોરિયાગઢ હતું. એને કારણે સમગ્ર વિસ્તારનું નામ કોરિયા પડી ગયું. બ્રિટિશ શાસનકાળમાં કોરિયા રજવાડું હતું અને સ્વતંત્ર ભારતમાં છત્તીસગઢ રાજ્ય બન્યું ત્યારે કોરિયાને જિલ્લો બનાવી દેવામાં આવ્યો. અહીંના મોટાભાગના લોકો ઉત્તર કોરિયાના કિમ જોંગથી અજાણ છે, પણ દક્ષિણ કોરિયા જેવો વિકાસ કરવાને પ્રાધાન્ય જરૂર આપે છે.
કેપ વર્દી-સુરિનામ: છોટા પૅકેટ... બડા ધમાકા
અગિયારમી જૂનના દિવસે ‘ફિફા’ વર્લ્ડ કપ ફૂટબૉલનો પ્રારંભ થયો ત્યાં સુધી ‘કેપ વર્દી’ નામના દેશની જાણકારી તો દૂરની વાત રહી આ નામનો દેશ છે એનાથી પણ મોટાભાગના લોકો અજાણ હશે. કોઈએ નામ સાંભળી ટોપીની વરદીની કોઈ વાત છે એવો વિચિત્ર સવાલ પણ કર્યો હોત તો નવાઈ ન લાગી હોત.
સ્પર્ધાના નૉકઆઉટ તબક્કામાં પ્રવેશનારા વસ્તીના હિસાબે સૌથી નાના દેશ (સવા પાંચ લાખ લોકો-માલાડ અને કાંદિવલી કરતાં ઓછા) તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયેલા ‘કેપ વર્દી’ મેળવેલી અનન્ય સિદ્ધિના પગલે લોકો 1988ના સોલ ઑલિમ્પિક્સની સિદ્ધિનું સ્મરણ ખેલકૂદ પ્રેમીઓને થયું છે. એ વખતે સ્વિમિંગ કૉમ્પિટિશનમાં પાંચ મેડલ મેળવી ચૂકેલા મહારથી સ્વિમર મેટ બિયોન્ડીને સેકંડના સોમા ભાગના તફાવતથી પાછળ રાખી ગોલ્ડ મેડલ મેળવનારા સુરિ નામના તરવૈયા એન્થની નેસ્ટીની સફળતાને પગલે આ સુરિનામ ક્યાં આવ્યું એવો સવાલ અનેક લોકોએ પૂછ્યો હતો.
દક્ષિણ અમેરિકાના આ ખોબા જેવડા દેશની વસ્તી ત્યારે સાડાત્રણ લાખ હતી અને આખા દેશમાં માત્ર 50 મીટરનો એક સ્વિમિંગ પુલ હતો. 1984માં સરિયામ નિષ્ફ્ળતા મળ્યા બાદ નેસ્ટીએ યુએસમાં ટ્રેઇનિંગ લીધી અને સફળતા મેળવી. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવ્યા પછી સ્વિમર નૅશનલ હીરો બની ગયો. સરકારે એની તસવીર સિક્કા પર અંકિત કરી અને એની સ્ટૅમ્પ પણ બહાર પાડી. ઑલિમ્પિક્સની સ્વિમિંગ સ્પર્ધામાં ચૅમ્પિયન બનનાર એ પહેલો અશ્ર્વેત વ્યક્તિ હતો. છોટા પૅકેટ-બડા ધમકાનું આ વિશિષ્ટ ઉદાહરણ છે.
આ 21મી સદી છે કે 12મી?
36 સંખ્યાના આંકડા ઊલટફેર થઈ 63 થાય તો એનો અર્થ સમજતા અનેક લોકો રાજીના રેડ થઈ જાય. 36 સંખ્યામાં 3 અને 6 એકબીજાથી પીઠ ફેરવીને બેઠા છે. બે વ્યક્તિ વચ્ચે અણબનાવ હોય, લેશમાત્ર મનમેળ ન હોય ત્યારે એમની વચ્ચે છત્રીસ (36)નો આંકડો છે એમ કહેવાતું હોય છે.
બીજી તરફ બે વ્યક્તિને એકબીજા સાથે બહુ ફાવતું હોય, એમની વચ્ચે સ્નેહ-મિત્રતા હોય તો એમને ત્રેસઠ (63)નો આંકડો હોવાનું કહેવાય છે. 63 સંખ્યામાં 6 અને 3 એકબીજાને જુએ છે -સન્મુખ છે. 2014માં અસ્તિત્વમાં આવ્યા પછી ટેક્નૉલૉજીના પ્રભાવી કેન્દ્ર તરીકે ઊપસી રહેલા તેલંગાણા રાજ્યમાં બનેલી એક એવી ઘટના બહાર આવી છે જે જાણ્યા પછી 21મી સદીના આંકડા ઊલટફેર થઈ આપણે 12મી સદીમાં જીવી રહ્યા છીએ કે શું એવો સવાલ અનેક લોકોને થયો હોય તો એ સ્વાભાવિક કહેવાય.
અલનિન્યો જેવી વૈજ્ઞાનિક પરિસ્થિતિને કારણે આ વર્ષે દેશમાં ચોમાસુ ખેંચાઈ ગયું છે એ જાણીતી વાત છે. અન્ય રાજ્યોની માફક તેલંગાણા પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યું છે. મેઘના આગમન માટે આર્ટિફિશ્યલ રેન કે બીજી કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે વિચાર કરવાને બદલે રાજ્યના જનગાંવ જિલ્લાનાં ગામડાંઓમાં પારંપરિક ‘કપ્પાથલ્લી આટા’નું આયોજન કરવામાં આવ્યું.
ચોંકી જવાય એવી વાત એ છે કે વરસાદ સારો થાય એ માટે ગામવાસીઓએ દેડકાઓને હળદરનો લેપ કર્યો, ફૂલથી સજાવટ કરી અને સરઘસ કાઢી ‘બરસો રે મેઘા બરસો’ની ધૂનમાં પ્રાર્થના કરી. આ જુલૂસમાં મહિલાઓ તો હતી, કેટલાક યુવાનો પણ હાજર હતા. દેડકાની પૂજા કરવાથી મેઘરાજા મહેરબાન થશે અને સારો વરસાદ વરસશે એવી આશા ગામ લોકોને બંધાઈ છે.
લ્યો કરો વાત
યુએસ એક વિશાળ દેશ છે જ્યારે ઑસ્ટ્રેલિયા પૃથ્વી પરનું એકમાત્ર સ્થળ છે જે એકલો અટૂલો દેશ હોવા છતાં આખેઆખો ખંડ છે. અચરજ થાય એવી વાત એ છે કે આ બંને દેશના ભૌગોલિક વિસ્તારમાં સામ્ય છે. બંને દેશ 30 લાખ ચોરસ માઇલમાં પથરાયેલા છે, પણ યુએસની વસ્તી છે 34 કરોડ અને ઑસ્ટ્રેલિયાની છે ફક્ત પોણા ત્રણ કરોડ.
આટલો મોટો તફાવત કેમ છે? આ સવાલનો સીધોસાદો જવાબ એ છે કે ઑસ્ટ્રેલિયાની 70 ટકા જમીન ઉજ્જડ છે. પરિણામે અહીં માનવ વસાહત વિકસવાને કોઈ અવકાશ જ નથી. હા, આ જમીન ચરાઈ માટે અનુકૂળ હોવાથી ઘાસ ચરતાં પ્રાણીનો ઉછેર સાહજિક છે. એટલે જ ઑસ્ટ્રેલિયામાં માનવ વસ્તી કરતાં ઘેટાની વસ્તી વધારે છે. જી હા, અહીં પોણા ત્રણ કરોડ માણસ સામે છથી સાત કરોડ ઘેટા વસે છે.