હેન્રી શાસ્ત્રી
કન્યા કુબેરણી તો કુંવરનો કલરવ
રણછોડભાઈ ઉદયરામ દવે લિખિત ‘લલિતા દુ:ખદર્શક’ નાટકમાં બાળલગ્નથી અને વરમાં ગુણને બદલે કુળ જોવાથી કેવાં માઠાં પરિણામો આવે છે એ દર્શાવી કજોડાંની વાત કેન્દ્રમાં હતી.
જોકે, એકવીસમી સદીમાં કજોડાં સહજ અને સ્વાભાવિક લાગે ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે. 70-80 વર્ષના વડીલ સાથે 20-25 વર્ષની યુવતી કે પછી 70-75ની જૈફ મહિલા કોઈ તરુણ સાથે વિવાહ કરે એવા ઘણા પ્રસંગો વારે તહેવારે બનતા રહે છે. એમાં સ્નેહ-લાગણી ઉપરાંત આર્થિક સમૃદ્ધિ પણ ભાગ ભજવતી હોય છે.
ચીનમાં 55 વર્ષની બિઝનેસવુમનના 25 વર્ષના યુવાન સાથેના લગ્નની ચર્ચા મીડિયામાં ફેરા લઈ રહી છે. હેરત પમાડનારી વાત તો એ છે કે આગલા લગ્નથી 17 વર્ષનો પુત્ર ધરાવતાં પંચાવન વર્ષનાં આંટીએ ભત્રીજાની ઉંમરના પતિને 50 મિલિયન યુઆન (આશરે પોણા સાત અબજ રૂપિયા) દહેજ પેટે આપ્યા હોવાના અહેવાલ છે. એટલું જ નહીં, રોલ્સ રોયસ, મર્સિડીસ સહિત અનેક ગિફ્ટનો ઢગલો કરી દીધો છે.
યુવાને મહિલાની ઉંમર નહીં એની મિલકત જોઈને લગ્ન કર્યાં છે. ‘આવા ભપકાવાળા જીવનની તો મેં કલ્પના પણ નહોતી કરી’, યંગ હસબન્ડ કહે છે, ‘આવી તક કોણ ગુમાવે અને કેટલા જણના નસીબમાં આવી લાઈફ હોય છે.’ વાત સ્પષ્ટ છે કે પૈસાના ચળકાટ સામે બીજું બધું ગૌણ છે. રસપ્રદ વાત તો એ છે કે મેડમના આ પાંચમા લગ્ન છે, પણ અગાઉના ચારેય પતિની વાત પાતાળમાં પધરાવી દેવામાં આવી છે.
ગરજ સરી કે વૈદ વેરી
‘ગરજ સરી કે વૈદ વેરી’ કહેવતથી વાચકવર્ગ વાકેફ હશે. કામ પત્યું એટલે તું કોણ ને હું કોણ એ એનો ભાવાર્થ છે. અમેરિકાના ઓછા જાણીતા મેરીલેન્ડ રાજ્યમાં આ કહેવતનો પરચો પેટ માટે વેઠ કરતા મજૂરોને થયો છે.
બન્યું એવું કે રહેતા ઘરની છત પર સમારકામની જરૂરિયાત હોવાથી મહિલાએ કેટલાક મજૂરોને બોલાવ્યા હતા. યુએસમાં અસ્થાયી મજૂરો (માઈગ્રન્ટ વર્કર્સ)ની સળગતી સમસ્યા છે. એને કાબૂમાં રાખવા સરકારે ‘ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ’ (આઈસ) એજન્સી બનાવી છે.
ગેરકાનૂની રીતે વસવાટ કરતા લોકોની અટક કરી તેમને વતન મોકલી દેવાનું કામ આ એજન્સી કરે છે. મહિલાએ રિપેરિંગ માટે માઈગ્રન્ટ વર્કર્સને બોલાવ્યા અને કામ પૂરું થઈ ગયું એટલે સન્નારીએ ‘આઈસ’ને ફોન કરી પોતાને ત્યાં બોલાવી મજૂરોને તેમના તાબામાં સોંપી દીધા હોવાનો આક્ષેપ છે.
સમારકામ માટે દસ હજાર ડૉલર (આશરે નવ લાખ વીસ હજાર રૂપિયા) ચૂકવવા ન પડે એટલે મેડમે ‘ગરજ સરી વૈદ વેરી’ જેવું કર્યું હોવાની ચર્ચા છે. જોકે, મહિલાએ આરોપોનો અસ્વીકાર કર્યો છે. સોશ્યલ મીડિયામાં મહિલા પર માછલાં ધોવાયા છે. અમેરિકન ઈમિગ્રેશન કાઉન્સિલના અધિકારીના કહેવા અનુસાર જો ઘર માલકણ સામેના આરોપો સત્ય સાબિત થશે તો એની સામે કાનૂની પગલાં લેવામાં આવશે.
પાણીના ભાવે પેટ્રોલ, હોય નહીં!
આ વાત સોશ્યલ મીડિયાના ફોરવર્ડથી કે પછી ટાઢા પહોરનું ગપ્પું કે એવી કોઈ વાત નથી. globalpetrolprices.com નામની વેબસાઈટ પર આપેલી ખાતરીલાયક માહિતીના આધારે આ રજૂઆત કરી છે.
આજે વિશ્વના અનેક દેશ યુદ્ધજન્ય પરિસ્થિતિમાં પેટ્રોલના ભાવવધારાના સંકટ અને અછતથી પરેશાન છે ત્યારે 73 લાખની વસતિ ધરાવતા ઉત્તર આફ્રિકાના લીબિયા નામના દેશમાં પાણીના ભાવે પેટ્રોલ મળી રહ્યું છે...
આ વાંચીને ચોંકી જશો કે આંખ ચોળવા મંડશો, પણ હકીકત એ છે કે વેબસાઈટ અનુસાર 30 માર્ચ, 2026ના દિવસે પેટ્રોલનો ભાવ હતો પ્રતિ લિટર 0.15 લિબિયન દિનાર. એક લિબિયન દિનારનો વિનિમય દર છે 14.57 રૂપિયા. એ હિસાબે એક લિટર પેટ્રોલનો રૂપિયામાં ભાવ થયો 2.20 (ફક્ત બે રૂપિયા વીસ પૈસા) રૂપિયા.
‘હોય નહીં!’ એવી પ્રતિક્રિયા સાહજિક કહેવાય. વિશ્વમાં સૌથી સસ્તા દરનું મુખ્ય કારણ છે સરકાર તરફથી વિપુલ માત્રામાં મળતી સબસિડી-આર્થિક સહાય, જેને કારણે દેશના નાગરિકોને પેટ્રોલ- ડીઝલ વૈશ્વિક કિંમતની સરખામણીએ ખૂબ જ રાહતના ભાવે મળી શકે છે. બીજું મહત્ત્વનું કારણ એ છે કે લીબિયા પાસે 48.4 બિલિયન બેરલ્સ તેલનો અનામત જથ્થો છે. લીબિયાનું અર્થતંત્ર મુખ્યત્વે આ તેલના અનામત જથ્થા પર નિર્ભર છે. ભારતીયો પર લીબિયામાં જવા અંગે પ્રતિબંધ છે, પણ આપણે લીબિયાથી ખનિજ તેલની આયાત કરતા રહીએ છીએ.
બીજી તરફ યુકેમાં એક મહિલાની પેટ્રોલ માટે અજીબોગરીબ હરકત સોશ્યલ મીડિયામાં ચર્ચાસ્પદ બની છે. સંકટ સમયે લોકોમાં સંગ્રહખોરી વધી જાય એ આપણે જોયું છે. જોકે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે સામાન્ય માણસ કારની ટાંકી ફૂલ કરાવ્યા બાદ પોલીથીન બેગમાં પેટ્રોલ ભરીને લઈ જશે. મહિલાના આ કરતૂતની તીવ્ર ઝાટકણી કાઢવામાં આવી છે.
ચોરલોકોની નવી તરકીબ
વાઘ આવ્યો વાઘ, પોલીસને બોલાવું? પકડી જશે, માં કહતી હૈ બેટે સો જા નહીં તો ગબ્બર આ જાયેગા... એક જમાનાની સામી વ્યક્તિને અને ખાસ તો બાળકોને ડરાવવાની ટેક્નિક હતી આ બધી. જમાનો બદલાયો છે એની સાથે ઘણું બધું બદલાયું છે અને એની સાથે ડરાવવાની શૈલી પણ બદલાઈ છે.
ઈટલીના પાટનગર રોમમાં સ્થાનિક બદમાશો - ધુતારાઓએ જેમને ત્યાં ખાતર પાડવું હોય એ લોકોને બીવડાવવા ખતરનાક પ્રાણીઓનો ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી જાણકારી બહાર આવી છે. પોલીસે એક એપાર્ટમેન્ટની તલાશી લેતા એક છૂપા ભોંયરામાં સંઘરી રાખેલા સરીસૃપ પ્રાણીઓ - રેપ્ટાઈલ્સ મળી આવ્યા હતા.
આ પ્રાણીઓમાં વિશાળકાય અજગર એનાકોન્ડા, બિનઝેરી બોઆ કોન્સ્ટ્રીકર તરીકે ઓળખાતા સાપ તેમજ મગરમચ્છનો સમાવેશ થતો હતો. આ સિવાય મોટા કદની એશિયન વોટર મોનિટર તરીકે ઓળખાતી ગરોળી અને બર્મીઝ અજગર પણ મળી આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં ધાક જમાવવા અને ત્યારબાદ જનતાને ગભરાવી એમને લૂંટી લેવાની આશાથી આ અનોખું મિની રેપ્ટાઈલ સંગ્રહાલય ઊભું કરવામાં આવ્યું છે. આ પ્રાણીઓનો સંગ્રહખોર ગુનાઈત રેકોર્ડ ધરાવે છે અને પોલીસથી બચવા નાસતો ફરી રહ્યો છે.
લ્યો કરો વાત
તમે વોલેટ લીધા વિના નાઈટ સૂટમાં લટાર મારવા નીકળ્યા હો અને અચાનક કોઈ વસ્તુ લેવાની ઈચ્છા થાય તો પાસે પૈસા નથી એની જરાય ચિંતા ન કરવી પડે એ હદે આપણા દેશમાં ડિજિટલ સર્વિસનો ફેલાવો થયો છે.
નાનકડા ગામમાં પણ કેશલેસ પેમેન્ટ સરળતાથી થાય છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશ્યલ મીડિયા પર રજૂ કરેલા વીડિયોમાં ડિજિટલ ક્રાંતિનું એક અલગ જ ઉદાહરણ જોવા મળ્યું છે. કેરળમાં નારિયેળીનો પાક ધરાવતી જૈફ વ્યક્તિએ ઊંચાઈ પરના નારિયેળ કેમ તોડવા એની ચિંતા નથી કરવી પડતી. ‘હેલો નારિયેલ’ નામની સર્વિસ પર તમારે ટેક્સી બુક કરતા હોય એમ કોકોનટ હાર્વેસ્ટર-નારિયેળ ઉતારી આપનારને બુક કરવાનો.બુકિંગ કર્યા પછી નિર્ધારિત સમયમાં એક યુનિફોર્મમાં સજ્જ પ્રશિક્ષિત વ્યક્તિ આવી જાય અને પોતાના ઉપકરણોની મદદથી ઝાડ પર સડસડાટ ચડી નારિયેળ ઉતારી આપે છે.