Mon May 25 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ પાકિસ્તાનમાં આ બે મહિલાની ધરપકડથી કેમ જાગ્યો છે વિવાદ?

2026-05-20 10:43:00
Author: Jaywant Pandya
Article Image

જયવંત પંડ્યા

પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ ખૂબ કફોડી છે, પણ કઈ મહિલાઓની? જે સારું કામ કરે છે તેમની... ને જે ખરાબ કામ કરે છે તેની ધરપકડ થાય છે તો પણ તેને જલસા છે! 

આ બન્ને મહિલાઓની ધરપકડે પાકિસ્તાનમાં ખળભળાટ સર્જ્યો છે. પહેલાં વાત કરીએ ક્વીન મૅડમ પિન્કીની. 13 મેએ કરાચીમાં કોકેઇન વેચતાં એ ઝડપાઈ હતી, પરંતુ તેની ધરપકડ પછી વિવાદ સર્જાયો છે. 30 વર્ષની મૅડમ પિન્કી કરાચીમાં સૈનિકો રહે છે તે વિસ્તારોમાં કોકેઇન સપ્લાય કરે છે, તેમાં ડિફેન્સ હાઉસિંગ ઑથોરિટી (ડીએચએ)નો પણ સમાવેશ થાય છે. 

સૈનિકોના આ અમીર ગણાતા વિસ્તારમાં મેડમ પિન્કી ઉચ્ચ (!) ગુણવત્તાનું ડ્રગ્સ પૂરું પાડતી હતી. તેનું એ બહુ જાણીતું સૂત્ર છે: ‘ક્વીન મૅડમ પિન્કી ધ નેમ ઇઝ એલોન ઇનફ, એન્જૉય.’ કરાચીમાં ડ્રગ્સ પૂરું પાડતી મૅડમ પિન્કીનું નેટવર્ક જોકે ઇસ્લામાબાદ, લાહોર અને અન્ય શહેરોમાં પણ વિસ્તરેલું છે.

પ્રશ્ન એ થાય કે આ વિવાદ કેમ સર્જાયો?
તેની ધરપકડનો જે વીડિયો પ્રસારિત થયો તેમાં આ પિન્કી ન્યાયાલયના કૉરિડોરમાં પોતે  આરોપી નહીં, પણ કોઈ વીઆઈપી હોય એમ પોલીસરક્ષણ સાથે દેખાઈ!  

આ વિવાદ થયો પછી સિંધના ગૃહ પ્રધાન ઝિયા ઉલ હસન લંજારે સંકળાયેલા અધિકારીઓ સામે શિસ્તનાં પગલાં લેવાનો આદેશ આપી દીધો. 

‘ધુરંધર’ દિગ્દર્શક આદિત્ય ધર જો આના પર ફિલ્મ બનાવશે તો પાકિસ્તાન તો ઠીક, પણ ભારતના કેટલાક લોકોને આની સામે વાંધો આવશે કે આદિત્યની ફિલ્મ નફરત ફેલાવે છે.

હવે આ પણ જાણી લો કે આ જ પાકિસ્તાનમાં એક 75 વર્ષીય શાસ્ત્રીય નૃત્યાંગના, જેમણે પોતાના નૃત્યથી ભારતીય નૃત્ય શૈલીઓને પાકિસ્તાનમાં જીવંત રાખી છે તેમની ધરપકડ થઈ છે! 

આ મહિલા છે શીમા કેરમાણી. તે પાકિસ્તાનનાં બહુ જ સન્માનનીય સાંસ્કૃતિક હસ્તી છે. શાસ્ત્રીય નૃત્ય, રંગમંચ અને મહિલાઓના અધિકારોની ચળવળ માટે ખૂબ જ જાણીતાં છે. 16 જાન્યુઆરી 1951એ જન્મેલાં શીમાજી એકાદ નહીં, પરંતુ ત્રણ-ત્રણ શાસ્ત્રીય નૃત્યમાં પારંગત છે. તે ભરત નાટ્યમ, કથક અને ઓડિશીનાં નિષ્ણાત છે. 

પાકિસ્તાનમાં એક સમયે જ્યારે ભારતીય શાસ્ત્રીય નૃત્યો સામે સામાજિક અને રાજકીય પ્રતિબંધો હતા તેવા કપરા સમયમાં પણ તેમણે નીડર રીતે શાસ્ત્રીય નૃત્યો કરવાનું ચાલુ રાખ્યું હતું. કળા દ્વારા પ્રતિકારનું તે પ્રતીક બની ગયું હતું. તેમણે ‘તેહરિક એ નિશ્વાન’ નામનું સાંસ્કૃતિક કાર્ય જૂથ બનાવ્યું છે. તેમણે રંગમંચ, નૃત્ય અને સામાજિક જાગૃતિની પહેલો દ્વારા મહિલા સશક્તીકરણની તરફેણ કરી છે, પરંતુ જોવાની વાત એ છે કે શીમાજીની ધરપકડ સમયે તે હિન્દુ પોશાક અને પ્રતીકો સાડી અને કપાળ પર ગોળ ચાંદલા સાથે હતાં, જ્યારે તેમને પકડવા આવેલી મહિલા પોલીસ બુરખામાં હતી... આ છે પાકિસ્તાનનું મહિલા સશક્તીકરણ! 

શીમાજીની ધરપકડના સમયે તેમની સાથે એવું વર્તન કરાઈ રહ્યું હતું જાણે કે તે રીઢા અપરાધી ન હોય!  શીમા કેરમાણીની ધરપકડ અને તેમની સાથે થયેલા વર્તનની પાકિસ્તાનના સાશ્યલ મીડિયામાં ખૂબ જ ટીકા થઈ. પાકિસ્તાનની એક ‘ઍક્સ’ વપરાશકાર ટૂબા સૈયદે લખ્યું છે :  પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની લોકશાહી જુઓ. 75 વર્ષનાં વૃદ્ધા, દેશમાં સૌથી સન્માનનીય પૈકીનાં એક મહિલા કલાકાર, શીમા કેરમાણી સાથે એવી રીતે (પોલીસ દ્વારા) વર્તન કરાઈ રહ્યું છે જાણે રીઢા અપરાધી હોય. તે  ત્યાં ‘ઔરત માર્ચ’ દ્વારા આયોજિત પત્રકાર પરિષદ માટે આવ્યાં હતાં.’  

આ બધા વચે ભારતમાં આ મહિલાની ધરપકડના કોઈ પડઘા નથી. ભારતની ફેમિનિસ્ટો મૌન છે. તેમને મન ભારતમાં હિન્દુ મહિલાનું દુ:ખ જ દુ:ખ છે. તેમના માટે પાકિસ્તાનની મલાલા યુસૂફઝાઈ તો એક આદર્શ મોડલ છે, પરંતુ તમે ક્યારેય શીમા કેરમાણીનું નામ નહીં સાંભળ્યું હોય. મલાલા યુસૂફઝાઈ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર થાય તેનો વિરોધ કરે છે. 

ભારતની ફેમિનિસ્ટ હિન્દુ મહિલાઓને જે કપડાં પહેરવાં હોય તે પહેરવાની છૂટની તરફેણ કરે છે. દીપિકા પદુકોણ ‘માય લાઇફ માય ચૉઇસ’નો વિડિયો બનાવે છે. પરંતુ મલાલા યુસૂફઝાઈ કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની છૂટ અંગે કહે છે કે ‘મુસ્લિમ વિદ્યાર્થિનીઓ ને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવો કેટલું ભયાનક છે!’

આવી મલાલા યુસૂફઝાઈને મીડિયાના એક વર્ગે ભારતની મહિલાઓ માટે આદર્શ બનાવી દીધી છે, જ્યારે અહીં શીમા કેરમાણી અંગે ન તો સમાચાર છે, ન તો ભારતના સોશ્યલ મીડિયામાં હોહા.    
    
બાય ધે વે, ‘ઔરત માર્ચ’ એ કોઈ સંગઠન નથી. એ ફેમિનિસ્ટ ચળવળ છે. તેનું સૂત્ર છે :
‘જબ તક ઔરત તંગ રહેગી, જંગ રહેગી, જંગ રહેગી.’