Wed Aug 19 2026

Logo

અમદાવાદી કાકા સાયબર ઠગો પર ભારે પડ્યા, બે લાખની બદલે 200 રૂપિયા મોકલી તેમને પાઠ ભણાવ્યો

2026-08-12 14:00:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સાયબર ઠગો દ્વારા ડિજિટલ એરેસ્ટ સહિત અલગ અલગ પેંતરા અજમાવી લોકોની મહેનતની કમાણી લૂંટી લેવાના કિસ્સા લગભગ રોજ બને છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની છેતરામણી વધુ થાય છે ત્યારે અમદાવાદના એક 70 વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારીએ સાયબર ઠગોને પાઠ ભણાવ્યો હોવાનો રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
 
ગુજરાત સીઆઈડી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા નોંધવમાં આવેલી ફરિયાદ અનુસાર એક નિવૃત્ત કર્મચારીને 30મી જુલાઈએ નાશિક પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે સંજય પીસે નામની એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને મની લોંડરિંગના કેસમાં તેમનું નામ હોવાનું અને અન્ય છ જણની ધરપકડ થઈ હોવાનું તેમને જણાવ્યું હતું. આ સાથે જો તેમણે બચવું હોય તો તેમની બેંકની વિગતો આપવા અને પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. તેમણે કર્મચારીને ઘરમાં જ રહેવા અને વીડિયો કૉલ પર વાત કરતા રહેવા જણાવ્યું હતું. 1લી ઑગસ્ટના રોજ તેમણે રૂ. 2 લાખની માગણી કરી હતી. કર્મચારીને પહેલેથી શંકા હતી, પરંતુ તેમણે આ રમત ચાલુ રાખી. ત્રીજી ઑગસ્ટના રોજ તેમણે તેમના પત્નીના અકાઉન્ટમાંથી પોતાના અકાઉન્ટમાં રૂ. એક લાખ ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ તેમણે મેસેજ એડિટ કરી ઠગોને એમ બતાવ્યું કેબીજા એક લાખ પણ તેમના અકાઉન્ટમાં આવી ગયા છે અને હવે તેમની પાસે રૂ. 2 લાખ છે. તેમની વાત માની ઠગોએ પોતાની બેંક ડિટેલ્સ કર્મચારીને આપી, પરંતુ તેમણે માત્ર રૂ. 201 જ ટ્રાન્સફર કર્યા. આ મામલે ઠગોએ જ્યારે તેમને ફોન કર્યો ત્યારે ઠગોને સમજાયું કે તેઓ પોતે જ ઠગાઈ ગયા છે અને જાળમાં ફસાઈ પોતાની બેંક ડિટેલ્સ આપી બેઠા છે. ત્યારબાદ નિવૃત્ત કર્મચારીએ સાયબર હેલ્પલાઈનમાં આ કથિત છેતરામણીની કોશિશની જાણ કરી હતી, તેમ એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.
 
સાયબર સેલની ટીમે એકાઉન્ટની વિગતો ફંફોળી હતી અને તેમના અકાઉન્ટમાં શંકાસ્પદ રૂ. 40 લાખની રકમ હોવાનું તેમ જ અકાઉન્ટ આસામથી ઑપરેટ થતું હોવાનું બહાર આવ્યું હતું. સાયબર સેલે કેસ નોંધી તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.