Wed Aug 19 2026

Logo

અમદાવાદમાં યુવકને 10 લોકોએ તલવાર-ધારિયાના ઘા મારી રહેંસી નાંખ્યો, જાણો ક્યાંથી ઝડપાયા

2026-08-17 11:46:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઉંચકાઈ રહ્યો છે. બે દિવસ પહેલા સુભાષબ્રિજમાં એક યુવકને 10 લોકોએ તલવાર, ધારિયાના ઘા મારીને રહેંસી નાખ્યો હતો. જેના કારણે યુવકનું મોત થયું હતું. હુમલાના કારણે યુવકના આંતરડા પણ બહાર આવી ગયા હતા. હત્યા બાદ આરોપીઓ એક વાહનમાં બેસીને ફરાર થઈ ગયા હતા. જેના સીસીટીવી સામે આવ્યા હતા. જે બાદ પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓને છત્રાલના એક ગોડાઉનમાંથી ઝડપી પાડ્યા હતા.

શું છે મામલો

અમદાવાદમાં થયેલી હત્યા જૂની અદાવતનું પરિણામ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. થોડા દિવસ પહેલાં આરોપીઓનો એક સમાજના લોકો સાથે ઝઘડો થયો હતો, જેમાં મૃતક અજય સાલવીએ તે સમાજનો પક્ષ લીધો હતો. આ વાતની અદાવત રાખીને આરોપીઓ તેને મારવાની તક શોધી રહ્યા હતા. બે દિવસ પહેલા મોડી રાત્રે વિશાલ, અંકિત, સાગર અને તેમના અન્ય સાથીઓએ સુભાષચંદ્ર બોઝ સર્કલ પાસે પિકઅપ વાનમાં આવી તલવાર, ધારિયાં અને છરી જેવાં હથિયારોથી અજય પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી.

પોલીસે હત્યામાં વપરાયેલા પિકઅપ ડાલાના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વાહનનું લોકેશન છત્રાલ GIDC મળ્યું હતું. જેથી રાણીપ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડીને વાહન સાથે 8 આરોપીઓને ઝડપી લીધા હતા. હાલ પકડાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે મુખ્ય આરોપીઓ અંકિત, વિશાલ અને પાર્થની શોધખોળ ચાલુ છે.