અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સાથે પાર્કિંગની સમસ્યાઓ પણ વધી રહી છે. ખાસ કરીને મોલ-મલ્સિપ્લેક્સને બાદ કરતા પબ્લિક પ્લેસની આસપાસ પાર્કિની મુશ્કેલીઓ વધી છે. મેટ્રો શરૂ થતા હવે વસ્ત્રાલથી થલતેજ સુધી અને એપીએમસી વિશાલાથી મોટેરા-ગાંધીનગર સુધી ક્નેક્ટિવીટ મળતા દૈનિક ધોરણે મેટ્રો રેલનો ઉપયોગ કરનારાની સંખ્યા વધી રહી છે. એવામાં હવે રાહતના વાવડ એ છે કે, મેટ્રો સ્ટેશનની આસપાસ હવે મહાનગર પાલિકાના 17 મોટા પ્લોટમાં ફ્રમાં વાહન પાર્ક થઈ શકશે.
સરળતાથી થઈ શકશે પાર્કિંગ
મેટ્રો સ્ટેશનથી માત્ર 100 મીટરથી 500 મીટરના અંતરમાં સરળતાથી પાર્કિંગ કરી શકાશે. આ માટે તંત્રએ પગલાં લેવાના શરૂ કરી દીધા છે. અગાઉ પાર્કિંગને લઈને મહાનગર પાલિકા તથા મેટ્રો રેલ તંત્રને અનેક એવી સલાહ નાગરિકો તરફથી મળી હતી. હવે આ પાર્કિગ પ્લોટને ડેવલપ કરીને પ્લોટ નાગરિકોને પાર્કિગ માટે આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં કોર્પોરેશને 17 પાર્કિંગ પ્લોટ નક્કી કર્યા છે, જ્યાં વાહન ચાલકો સરળતાથી વાહન ફ્રી માં પાર્ક કરી શકશે. કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર મેટ્રો સ્ટેશન નજીક પાર્કિંગ મળી રહે એ માટે પૂર્વ તથા પશ્ચિમ ઝોનના મેટ્રો સ્ટેશનનો અભ્યાસ કરાયો છે. સાબરમતી, વસ્ત્રાલ, થલતેજ, વાસણા એપીએમસી સહિત અલગ અલગ મેટ્રો સ્ટેશન માટે પ્લોટમાં પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે.

પાર્કિંગમાં રહેશે સીસીટીવી
નાગરિકોની સુવિધા માટે પાર્કિંગમાં પેવર બ્લોક નાખવામાં આવશે. સાબરમતી મેટ્રો સ્ટેશનથી માત્ર 120 મીટર, પાલડી સ્ટેશનથી 100 મીટર, એપરલ પાર્કથી 100 મીટર, થલતેજ મેટ્રોથી નજીકના એરિયામાં આ પ્લોટ નક્કી કરાયા છે, જ્યાં સરળતાથી વાહન પાર્ક થશે. આ ઉપરાંત પાર્કિંગ સાઈન નક્કી થશે અને પાર્કિંગમાં પણ સીસીટીવી કેમેરા સેટ કરાશે. હાલ નજીકના કેટલાક પ્લોટમાં લોકો પાર્કિંગ કરી રહ્યા છે. પણ આવા પ્લોટ ડેવલપ થતા સરળથી લોકોને વાહન પાર્ક કરવાની સુવિધા મળશે. ખાસ કરીને દૈનિક ધોરણે મેટ્રો સેવાનો ઉપયોગ કરતા લોકો માટે આ સુવિધા ખરા અર્થમાં ઉત્તમ સાબિત થશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરમાં આવતા મેટ્રો સ્ટેશન નજીકના પ્લોટનું ડેવલપમેન્ટ કરવામાં આવશે એ પછી ગાંધીનગરમાં આવતા મેટ્રો માટે કામગીરી ગાંધીનગર કોર્પોરેશને કરે એવી સંભાવના પૂરેપૂરી છે.

મોટેરા સ્ટેડિયમ પાસે બે પ્લોટ
મોટેરા સ્ટેડિયમ નજીક બે પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. એક પ્લોટ સ્ટેશનની બરોબર સામેની બાજુ છે જ્યારે બીજો પ્લોટ 430 મીટર જ દૂર છે. ખાસ કરીને મોટેરાથી વસ્ત્રાલ કે થલતેજ તરફ જતા લોકોને આ પ્લોટ ખૂબ ઉપયોગી સાબિત થશે, હાલમાં મેટ્રો સ્ટેશનના બીજા ગેઈટ પાસેથી થોડે દૂર પાર્કિંગ પ્લોટ નક્કી કરાયો છે. ઘણા મેટ્રો યુઝર્સ અહીંયા વાહન પાર્ક કરી રહ્યા છે. મેટ્રો સ્ટેશનના નીચેના ભાગમાં આવેલી જગ્યામાં પણ વાહન પાર્ક લોકો કરી રહ્યા છે. પણ અહીંયા જગ્યા મર્યાદિત હોવાથી દરેક નાગરિકોને આ જગ્યાનો ઉપયોગ કરવાનો ચાન્સ મળતો નથી. આ માટે જ પાર્કિંગ પ્લોટને પ્રાધાન્ય આપીને પાર્કિંગ પ્લોટ તરીકે ફિક્સ કરી દેવામાં આવ્યા છે.