અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજથી ધાર્મિક ઉજવણીનો પ્રારંભ થશે. જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે આજે ભવ્ય જળયાત્રા યોજાશે. સવારના સમયે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી ધજા-પતાકા, હાથી, અખાડા અને ઢોલ-નગારાના તાલ સાથે જળયાત્રા વાજતે-ગાજતે નીકળશે અને સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચશે. અહીં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગંગા પૂજન કરવામાં આવશે. ત્યારબાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈ 108 પવિત્ર કળશમાં જળ ભરી મંદિર તરફ પરત ફરશે.
108 કળશથી જળાભિષેક
સાબરમતીના નીરથી ભરેલા આ 108 પવિત્ર કળશને શ્રદ્ધાળુઓ પોતાના શિશ પર મૂકીને વાજતે-ગાજતે પરત મંદિર તરફ પ્રયાણ કરશે. આ ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડશે. સુશોભિત ગજરાજો અને ઢોલ-નગારાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે અને ભક્તો હર્ષોલ્લાસ સાથે પવિત્ર જળના કળશને નિજમંદિર સુધી લાવશે.
મંદિરમાં લાવવામાં આવેલા આ પવિત્ર જળથી જગન્નાથ, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવશે. આ અભિષેક પૂર્ણ થયા બાદ પ્રભુને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. જેના અલૌકિક દર્શનનો લાભ ભક્તોને વર્ષમાં માત્ર આજના દિવસે જ મળે છે.
પરંપરાગત માન્યતા અનુસાર, વધુ પડતા જળસ્નાનને કારણે ભગવાન બીમાર પડે છે, જેથી તેઓ આગામી 15 દિવસ સુધી આરામ અને સ્વાસ્થ્ય લાભ માટે સરસપુર ખાતે મામાના ઘરે રોકાણ કરશે. ત્યારબાદ પૂર્ણ સ્વસ્થ થઈને અષાઢી બીજના પાવન પર્વે ત્રણેય ભાઈ-બહેન ભવ્ય રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળશે.
મંદિરમાં લાવવામાં આવેલા 108 પવિત્ર કળશના જળ વડે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક પૂર્ણ થયા બાદ ભગવાન ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ કરશે. દર વર્ષે યોજાતો આ ધાર્મિક કાર્યક્રમ મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે અને રથયાત્રા પૂર્વેનું મહત્વપૂર્ણ આયોજન માનવામાં આવે છે.
મામાના ઘરે 15 દિવસ રોકાશે
આજે સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજી વાજતે-ગાજતે સરસપુર સ્થિત રણછોડરાય મંદિર, એટલે કે પોતાના મોસાળમાં પ્રસ્થાન કરશે. અહીં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં રોકાશે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શનનો લાભ લઈ શકશે. આ પરંપરા વર્ષોથી નિભાવવામાં આવે છે અને ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે.
ડ્રોન મારફતે નજર રહેશે
આજે જળયાત્રા માટે 500થી વધુ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. સમગ્ર રૂટ પર CCTV કેમેરાની ચકાસણી કરી લેવામાં આવી છે, અને ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ (આકાશી નજર) રાખવામાં આવશે. આ ઉપરાંત, સુરક્ષાને વધુ મજબૂત કરવા રથયાત્રાના રૂટ પર રાતથી જ ઈ-વ્હીકલ દ્વારા ખાસ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.