Thu Jul 23 2026

Logo

Good News: ચોમાસા પહેલા નર્મદાના નીરથી છલકાશે અમદાવાદ અને ગાંધીનગરના 119 તળાવ

2026-05-22 19:11:50
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
 ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના જળાશયોને પાઈપલાઈન મારફતે જોડી તેમાં તબક્કાવાર નર્મદાનું પાણી ભરવાનું રાજ્ય સરકારનું આયોજન છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ યોજના હેઠળ કુલ 817 તળાવોને સાંકળવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં 'ભગીરથ પ્રોજેક્ટ' હેઠળ અંદાજિત રૂ. 70 કરોડના ખર્ચે 119 તળાવોનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટની કામગીરીની દર 15 દિવસે નિયમિત સમીક્ષા બેઠકો યોજીને સઘન દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

મળતી વિગતો અનુસાર, પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ 119 જળાશયોમાંથી 69 ગાંધીનગર જિલ્લામાં અને 50 અમદાવાદ જિલ્લામાં આવેલા છે. આ પ્રોજેક્ટમાં તળાવોને ઊંડા કરવા, પાઈપલાઈનથી જોડવા અને નર્મદાનું પાણી પૂરું પાડીને તેમને પુનર્જીવિત કરવાની કામગીરી સામેલ છે. આ કામગીરીને ચોમાસા પહેલા પૂર્ણ કરવા તંત્ર પ્રાથમિકતા આપી રહ્યું છે.  અત્યાર સુધીમાં ગાંધીનગરના 10 અને અમદાવાદના 8 તળાવોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે બાકી રહેલા ગાંધીનગરના 49 અને અમદાવાદના 42 તળાવોનું કામ 30 જૂન, 2026 સુધીમાં પૂરું કરવાનો લક્ષ્યાંક કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટના ભાગરૂપે પાણીના સ્થળાંતર માટે 900 મીમી વ્યાસની આશરે 60 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવી રહી છે, જેના માટે 21 ખાનગી એજન્સીઓને 56 ટેન્ડર ફાળવવામાં આવ્યા છે. અધિકારીઓનું માનવું છે કે તળાવોના આ જોડાણથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધું તળાવોમાં જશે, જેથી રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા ઘટશે અને સ્થાનિક રહીશોને મોટી રાહત મળશે.