Sat Aug 29 2026

Logo

દાણીલીમડામાં રસ્તે ઉભેલા કન્ટેનરમાંથી ડીઝલ ચોરનાર તસ્કર ઝડપાયો, ૧૭૦ લિટર ડીઝલ કબજે...

2026-03-07 17:59:53
Author: Devayat Khatana
દાણીલીમડામાં રસ્તે ઉભેલા કન્ટેનરમાંથી ડીઝલ ચોરનાર તસ્કર ઝડપાયો, ૧૭૦ લિટર ડીઝલ કબજે...

અમદાવાદ: શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડની સાઈડમાં પાર્ક કરેલા એક કન્ટેનરમાંથી અજાણ્યા તસ્કરો ડીઝલ ચોરી ગયા હોવાની ઘટના સામે આવી હતી. હરિયાણાના પલવલ જિલ્લાના વતની અને વ્યવસાયે ડ્રાઈવર ઈમરાન પહલુ પઠાણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ મોડી રાત્રે કન્ટેનરની ટાંકીનું લોક તોડી આશરે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના ડીઝલની ચોરી કરી હતી.

ઘટનાની વિગત મુજબ, ફરિયાદી ઈમરાન પઠાણ રાજસ્થાનના જયપુરની એક કંપનીનું કન્ટેનર લઈને અમદાવાદ આવ્યા હતા. ગત ૬ માર્ચ ૨૦૨૬ના રોજ મોડી રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યે તેમણે પોતાનું વાહન બહેરામપુરા, ગુલાબનગર રોડ પાસે આવેલા ક્રિશ્ચિયન કબ્રસ્તાન નજીક પાર્ક કર્યું હતું અને કેબિનમાં જ સુઈ ગયા હતા. સવારે ૫:૩૦ વાગ્યે જાગીને જોતા કન્ટેનરની બે ટાંકીઓ પૈકી એક ટાંકીનું લોક તૂટેલું જણાયું હતું.

ટાંકીની તપાસ કરતા તેમાંથી આશરે ૧૭૦ લિટર જેટલું ડીઝલ ગાયબ હતું, જેની અંદાજિત કિંમત ૧૫,૦૦૦ રૂપિયા થાય છે. ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, રાત્રે ૧:૦૦ થી સવારના ૫:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો આ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ મામલે દાણીલીમડા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

દાણીલીમડા પીઆઇ દ્વારા  બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં ફૈસલપાર્કમાં રહેતો શોએબ પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પાર્ક કરેલા ટ્રકમાંથી ડીઝલની ચોરી કરી વેચવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને ચોરાયેલું ડીઝલ પણ કબજે કરવામાં આવ્યું છે.