અમદાવાદઃ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર શારજહાથી આવેલા કેરેલમના રહેવાસી કેરિયર દંપતી પાસેથી કસ્ટમ વિભાગએ રૂ. 28.87 લાખના સોનાના દાગીના અને રૂ. 3.50 લાખના મોબાઈલ ફોન, બે લેપટોપ, કોસ્મેટિક અને રેડીમેડ ગારમેન્ટ મળીને રૂ. 32.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એરપોર્ટ કસ્ટમ્સના સૂત્રોએ જણાવ્યું હતું કે 16 ઓગસ્ટના રોજ વહેલી સવારે એર અરેબિયાની ફ્લાઈટ નંબર જી9 418માં અબુધાબીથી અમદાવાદ આવેલા એક દંપતી ઉપર એરપોર્ટ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનીટના અધિકારીઓને શંકા ગઈ હતી. તેમની પૂછપરછ કરવામાં આવતા પેસેન્જરોએ પોતાની પાસે કશું જ નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહિલા પેસેન્જરના સામાનનું સ્ક્રિનિંગ કરાયું હતું. સાથે સાથે તેના પર્સનું સ્ક્રિનિંગ કરાતા તેમાંથી 18 કેરેટના સોનાના દાગીના જેવા કે ચેન, પેન્ડલ, બુટ્ટી મળી આવ્યા હતા. એટલું જ નહીં મહિલાએ પહેરેલા કપડાની અંદર પણ દાગીના છુપાવ્યા હતા.

મહિલાએ પર્સમાં પ્લાસ્ટિકથી વેક્યુમ પેકિંગ કરેલું હતું અને દાગીના પકડાઈ જશે પણ શરીરની અંદર છુપાવેલા દાગીના પકડાશે નહીં તેવી ચાલાકી વાપરી હતી, પરંતુ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી મહિલાને પસાર કરવામાં આવતા શરીરની અંદર છુપાવેલા અન્ય દાગીના પણ મળી આવ્યા હતા. આમ 128.87 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા, જેની માર્કેટ વેલ્યુ રૂ. 28.87 લાખ થતી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ મહિલાનાં પતિના બેગેજની તપાસ કરવામાં આવતા તેમાંથી ફેસ બ્લીચ ક્રીમ મોટી માત્રામાં તેમજ કોલ્ડ રીલીફ ઓઇલ અને રેડીમેડ ગારમેન્ટ ઉપરાંત બે લેપટોપ અને એક મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 3.50 લાખનો સામાન મળી આવ્યો હતો.
આમ બંને કેરિયર દંપતી પાસેથી રૂ. 32.37 લાખના દાગીના અને કોસ્મેટીક અને ઇલેક્ટ્રોનિક સામાન કસ્ટમ વિભાગે જપ્ત કર્યો હતો. કસ્ટમ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કેરેલમના કસારા ગુડના રહેવાસી બંને પેસેન્જર કેરિયર તરીકે કામ કરે છે અને પોતાનો બિઝનેસ કરવા માટે આ પ્રકારે દાણચોરી કરતા હોય છે. દેશના અન્ય એરપોર્ટ ઉપર પણ આ પ્રકારે દાણચોરી તેઓ કરે છે અને અમદાવાદ એરપોર્ટ પર પ્રથમ વખત આવ્યા હતા. અત્યાર સુધીમાં દુબઈ, મસ્કત, શાહજહા અને અબુધાબીની અસંખ્ય વાર તેઓ ટ્રીપ કરી ચૂક્યા છે, પરંતુ તેઓ દેશના બીજા એરપોર્ટ પરથી બહાર નીકળવામાં સફળ થઈ ગયા હતા. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી ના આધારે પેસેન્જર પ્રોફાઈલની તપાસ કરવામાં આવતા અવાર-નવાર વિદેશની મુલાકાત લીધા બાદ અમદાવાદ પ્રથમ વખત આવી રહ્યા હોવાથી કસ્ટમને શંકા ગઈ હતી.