અમદાવાદ: આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે સોમનાથથી શરૂ કરવામાં આવેલી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા'નો આવતીકાલે એટલે કે 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાવાનો છે. આ પ્રસંગે ગાંધીનગરના રામકથા મેદાનમાં બપોરે 3 કલાકે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખાસ ઉપસ્થિત રહીને જનમેદનીને સંબોધિત કરશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને કટ્ટર ઈમાનદાર @ArvindKejriwal ના ગુજરાત પ્રવાસનું આજ થી આગમન થશે.
— AAP Gujarat (@AAPGujarat) March 7, 2026
🔹આ પ્રવાસમાં તેઓ 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે આયોજિત "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા"ની સમાપન સભામાં ઉપસ્થિત રહું ગુજરાતના ખેડૂતોના હક અને અધિકારો માટે અવાજ બુલંદ કરશે.… pic.twitter.com/7YtNVghjAz
આ અંગે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આ યાત્રાને ખેડૂતો તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો છે અને જનસભા દરમિયાન ખેડૂતોની સમસ્યાઓ તેમજ પક્ષની આગામી નીતિઓ અંગે મહત્વની ચર્ચાઓ થવાની શક્યતા છે. આ જનસભાને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં ખેડૂતોને ખાતર, સિંચાઇનું પાણી, વીજળી જેવી સુવિધા હજુ સુધી મળી શકી નથી, ત્યારે પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રાથી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આગળ તેમણે જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન જે રીતે ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, તેને ધ્યાને લેતા આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો અને સમર્થકો ઉમટી પડશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજથી પ્રારંભ થશે.
આ પ્રવાસમાં તેઓ 8 માર્ચના રોજ ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આયોજિત "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા"ની સમાપન સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 9 માર્ચના દિવસે સુરત ખાતે આયોજિત દક્ષિણ ઝોન કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહી તેઓ કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરું પાડશે.