Thu Jul 23 2026

Logo

બોક્સ ઓફિસ પર ‘આલ્ફા’ની રફતાર; આલિયાની ફિલ્મને રવિવારની રજા ફળી, જાણો કેટલો વેપાર કર્યો?

2026-07-06 17:11:57
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ યશરાજ ફિલ્મ્સના 'સ્પાય યુનિવર્સ' ની પ્રથમ ફીમેલ લીડ ફિલ્મ 'આલ્ફા' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. 3 જુલાઈ 2026 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શરવરી મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં બોબી દેઓલ અને અનિલ કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હોવા છતાં, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ સ્પાય-થ્રિલર ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં 34 કરોડ રૂપિયા છાપી લીધા છે.

રવિવારની રજાનો મળ્યો ભરપૂર ફાયદો

આલિયા ભટ્ટની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શરૂઆત ઠીકઠાક રહી હતી. ફિલ્મે શુક્રવારે 9.25 કરોડ રૂપિયા સાથે ઓપનિંગ કર્યું હતું, પરંતુ વીકેન્ડ આવતાની સાથે જ ફિલ્મે જોરદાર રફતાર પકડી લીધી હતી. બીજા દિવસે 'આલ્ફા' એ 11.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને ત્રીજા દિવસે (રવિવારે) ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 'આલ્ફા' ને રવિવારની રજાનો પૂરેપૂરો ફાયદો મળ્યો છે. રવિવારે આ ફિલ્મે 13.25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 34 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. 

100 કરોડથી વધુનું બજેટ અને વર્લ્ડવાઈડ કમાણી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મેકર્સે આ ફિલ્મ પાછળ તગડો ખર્ચ કર્યો છે અને 'આલ્ફા' નું બજેટ 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. હાઈ-વોલ્ટેજ એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં આલિયા અને શરવરી બંનેએ જાસૂસની ભૂમિકા ભજવી છે. ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો, વિદેશોમાં પણ આ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે અને ત્રણ દિવસમાં તેનું વૈશ્વિક ગ્રોસ કલેક્શન 58.80 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.